કાઠમંડુઃ નેપાળમાં સતત ચોથા દિવસે 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેપાળ સરકારના જણાવ્યા અનુસાર જાજરકોટમાં સાંજે સાડા ચાર વાગ્યે પ્રથમ આંચકો, જ્યારે 15 મિનિટ બાદ 4.5ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. આમ એક જ દિવસમાં બે ભયાનક આંચકા અનુભવાયા હતા. નેપાળમાં સિરિયલ ભૂકંપની શરૂઆત શુક્રવારે થઈ હતી, જેમાં 157 લોકો માર્યા ગયા હતા. સોમવારે આવેલા ભૂકંપના આંચકાની અસર ફરી ભારતમાં જોવા મળી હતી. ભારતમાં નેપાળ સરહદના વિસ્તારો તેમજ રાજધાની દિલ્હીમાં પણ આંચકા આવ્યા હતા. જેને કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
ભારતે ભૂકંપગ્રસ્ત નેપાળને સહાય મોકલી
ભૂકંપગ્રસ્ત નેપાળમાં ભારતે મદદ મોકલી છે. ભારતે લશ્કરી વિમાન મારફતે નેપાળમાં દવા અને રાહત સામગ્રી મોકલી છે. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરી જણાવ્યું કે, ભારત પ્રથમ દેશ છે, જેણે કુદરતી હોનારતના કારણે પ્રભાવિત નેપાળમાં સૌથી પહેલાં સહાય મોકલી છે. અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘પાડોશી પ્રથમ’ની નીતિ પર કામ કરી રહ્યા છીએ. નોંધનીય છે કે નેપાળમાં 3 નવેમ્બરે આવેલા ભૂકંપમાં 150 લોકોનાં મોત થયાં હતાં.

