સત્તા પુનઃહાંસલ કરવા સુનાકનો એજન્ડા કેટલો સફળ થશે

Wednesday 08th November 2023 07:35 EST
 

કિંગ ચાર્લ્સ દ્વારા સુનાક સરકારના ચૂંટણીલક્ષી સંસદીય એજન્ડાની જાહેરાત કરવામાં આવી. કિંગના સંબોધનથી એક વાત સ્પષ્ટ થઇ ગઇ હતી કે રિશી સુનાક આગામી વર્ષે યોજાનારી સંસદની ચૂંટણીમાં ફરી એકવાર સત્તા હાંસલ કરવા માગે છે તેથી જ તેમણે રાઇટ વિંગ પોલિટિક્સ પર આધારિત ઓછા ખર્ચાળ પગલાં પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હાલ પબ્લિક સરવેમાં સુનાકની પાર્ટી વિપક્ષ લેબર કરતાં 20 પોઇન્ટ પાછળ છે ત્યારે સ્ટાર્મરની પાર્ટીથી વિભાજિત વલણ અખત્યાર કરતાં સુનાક સરકારે ક્રાઇમ, જસ્ટિસ, સમાજ, પર્યાવરણલક્ષી 21 ખરડા લાવવાની રૂપરેખા આપી દીધી છે. વિરોધીઓનો આરોપ છે કે કિંગના સંબોધનમાં મોટા નીતિવિષયક પગલાંની ખોટ વર્તાઇ રહી છે. હવે જોવાનું રહ્યું કે સુનાક સરકારની ચૂંટણી પહેલાંની નીતિ કેવી સફળતા અપાવે છે. આ પહેલાં ટોરી કોન્ફરન્સમાં સંબોધન દ્વારા સુનાકે મહત્વની જાહેરાતો કરી હતી પરંતુ પેટાચૂંટણીઓમાં સફળતા મળી શકી નહોતી. સૌથી મહત્વની વાત આર્થિક પડકારો છે. કિંગે તેમના સંબોધનમાં પણ સંકેત આપી દીધો છે કે ફુગાવાને ધ્યાનમાં લેતાં સુનાક સરકારના હાથ બંધાયેલા રહેશે. તેના કારણે જ એમ લાગી રહ્યું છે કે સુનાકનો એજન્ડા આર્થિક પડકારોથી ઘેરાયેલો છે. જનતા આજે પણ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં સુનાકનો એજન્ડા ટૂંકાગાળાની નહીં પરંતુ લાંબાગાળાની નીતિઓનો હવાલો આપી રહ્યો છે. કિંગે પણ સંબોધનમાં જણાવ્યું હતું કે, ભાવિ પેઢીઓના હિત માટે લાંબાગાળાના નિર્ણયો લેવા પડશે. રિશી સુનાકે સમૃદ્ધ યુકે માટેના પડકારો ઝીલી લેવાની ઘોષણા તો કરી છે પરંતુ તેમાં કેટલી સફળતા મળશે તે તો સમય જ બતાવશે. પર્યાવરણના મામલે પણ કિંગની વિચારસરણી અને સરકારના એજન્ડા વચ્ચે વિસંગતતા જોવા મળી છે. ક્લાઇમેટ ચેન્જ સહિતના પર્યાવરણ બચાવવાના મુદ્દે પ્રખર હિમાયતી એવા કિંગ ચાર્લ્સને સરકાર દ્વારા નેટ ઝીરો પોલિસીમાં છૂટછાટ અંગે ઘોષણા કરવી પડી. સુનાક સરકાર નેટ ઝીરોમાં છૂટછાટ દ્વારા જનતાને કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસમાં રાહત આપવા માગે છે. સુનાકની આ નીતિ કેટલે અંશે સફળ રહેશે તે પણ જોવાનું રહ્યું. પોતાનો એજન્ડા રજૂ કરીને સુનાકે લેબર પાર્ટી સામે તીર તો તાકી દીધું છે પરંતુ આ એજન્ડાને ટોરીઝનું કેટલું સમર્થન મળી રહેશે તે પણ સમય બતાવશે.


comments powered by Disqus