હળદરમાં ભેળસેળઃ ભારતે બાંગ્લાદેશનો નમૂનો અનુસરવાની જરૂર

Tuesday 07th November 2023 07:37 EST
 

હળદર એશિયન વાનગીઓના મૂળભૂત મસાલામાં સામેલ હોવા ઉપરાંત તેનો આયુર્વેદિક દવા તરીકે પણ વ્યાપક ઉપયોગ થાય છે. ભારતીયો સહિતના કરોડો એશિયનો દ્વારા વ્યાપક ઉપયોગમાં લેવાતી હળદર તેમના માટે ઘાતકી પૂરવાર થઇ રહી છે. હળદરનો પીળો રંગ વધુ ઘેરો બનાવવા માટે લેડ ક્રોમેટ નામના ન્યુરોટોક્સિનનો ઉપયોગ કરાય છે. પરંતુ આ પ્રેકટિસના કારણે વિશ્વમાં લેડ પોઇઝનિંગમાં સાઉથ એશિયનો સૌથી ઊંચો દર ધરાવે છે. તેના કારણે હૃદય અને મગજના રોગ થાય છે. લેડ પોઇઝનિંગની સૌથી વિપરિત અસર બાળકોના વિકાસ પર પડે છે. 2019માં સાઉથ એશિયામાં લેડ પોઇઝનિંગના કારણે ઓછામાં ઓછા 14 લાખ લોકોનાં મોત થયાં હતાં. જે હળદરને તૈયાર કરવાની રીતરસમ પર ગંભીર સવાલ ઊભા કરે છે. પરંતુ આ ખતરા સામે યોગ્ય નીતિઓ દ્વારા લડી શકાય છે તે બાંગ્લાદેશે પૂરવાર કરી દીધું છે.  2019માં બાંગ્લાદેશની સરકારે હળદરમાં કરાતી ભેળસેળ સામે મહાઅભિયાન શરૂ કર્યું હતું. હળદરમાં કરાતી ભેળસેળ માટેના નિયમો આકરાં બનાવાયાં હતાં અને ભેળસેળિયાઓ સામે કડક હાથે પગલાં લેવાનું શરૂ કરાયું. ખુદ વડાપ્રધાન શેખ હસીનાએ ટેલિવિઝન પર રાષ્ટ્રજોગ સંદેશ સાથે આ સમસ્યા પર ચર્ચા કરી અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો. આ આકરી નીતિના કારણે બાંગ્લાદેશ ફક્ત બે વર્ષના ગાળામાં હળદરમાં કરાતી ભેળસેળને નાબૂદ કરવામાં સફળ રહ્યો. જેના કારણે હળદરની મિલોમાં કામ કરતા કામદારોના લોહીમાં લેડનું પ્રમાણ 33 ટકા ઘટાડવામાં સફળતા મળી અને હજારો જિંદગીઓ બચાવી શકાઇ. ભારતમાં ખાદ્યપદાર્થોમાં કરાતી ભેળસેળે માઝા મૂકી છે. અખબારોમાં દરરોજ સેંકડો કિલો ભેળસેળયુક્ત અને નકલી ખાદ્યપદાર્થો ઝડપાયાના સમાચાર ચમકતાં રહે છે. ત્યારે ભારત પણ બાંગ્લાદેશની જેમ આકરી નીતિ દ્વારા ભેળસેળ નાબૂદ કરીને હજારો જિંદગીઓ બચાવી ભાવિ પેઢીને તંદુરસ્ત બનાવી શકે છે. પરંતુ તે માટે કોઇની પણ શેહશરમ વિના દ્રઢ ઇચ્છાશક્તિની જરૂર છે. નાગરિકોની તંદુરસ્તી માટે સરકાર કટિબદ્ધ બને તો ધાર્યા પરિણામ મેળવી શકાય છે તે બાંગ્લાદેશે પૂરવાર કર્યું છે. ભારત સરકારે બાંગ્લાદેશના નમૂનાને અનુસરવાની તાતી જરૂર વર્તાઇ રહી છે.


comments powered by Disqus