ઈસ્લામાબાદ હાઈકોર્ટથી ઈમરાનખાનની ધરપકડ

Wednesday 10th May 2023 06:25 EDT
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ મુખ્યમંત્રી અને પીટીઆઇના પ્રમુખ ઇમરાનખાનની ઇસ્લામાબાદ કોર્ટમાંથી ધરપકડ કરી લેવામાં આવી. ઇમરાન ખાન જ્યારે 2 કેસની સુનાવણી માટે ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં હાજર થયા હતા ત્યારે પાકિસ્તાન રેન્જર્સે કોર્ટરૂમમાં ઘૂસી તેમની ધરપકડ કરી લીધી હતી અને તેમને ધક્કા મારીને લઈ જવામાં આવ્યા હતા.
ઇમરાનખાનના વકીલ ફૈસલ ચૌધરીએ આ અંગે જણાવ્યું કે, જ્યારે ઇમરાન હાઇકોર્ટના કોર્ટરૂમમાં હાજર હતા ત્યારે પાકિસ્તાની રેન્જર્સના જવાનો કોર્ટરૂમના કાચ તોડી અંદર પ્રવેશ્યા હતા. જે દરમિયાન ઇમરાનના વકીલે તેમની ધરપકડનો વિરોધ કરતાં તેમની સાથે મારપીટ કરી હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો.
અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ
યુનિવર્સિટી સંબંધિત અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઇમરાનની ધરપકડ કરવામાં આવી છે. ઇમરાને વડાપ્રધાન તરીકે આ યુનિવર્સિટીને કરોડો રૂપિયાની જમીન ગેરકાયદે આપી હતી. પાકિસ્તાનની સૌથી ધનિક વ્યક્તિ મલિક રિયાઝે આરોપ લગાવ્યો હતો કે ઈમરાન અને તેમની પત્નીએ ધરપકડની બીક બતાવીને અબજો રૂપિયાની જમીન પોતાના નામે કરાવી લીધી હતી. બાદમાં રિયાઝ અને તેની પુત્રીની વાતચીતનો ઓડિયો લીક થયો હતો, જેમાં રિયાઝની પુત્રીનું કહેવું છે કે ઇમરાનની પત્ની બુશરા બીબી સતત તેમની પાસે પાંચ કેરેટની હીરાની વીંટી માગી રહ્યાં છે. આના પર રિયાઝ કહે છે કે જો તે બધું કરી દે છે તો તેમને પાંચ કેરેટની વીંટી આપી દો.
ધરપકડ બાદ તોડફોડ-આગચંપી
ઇમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનના ઘણાં બધાં શહેરમાં વિરોધ પ્રદર્શન બાદ હિંસા ફાટી નીકળી હતી, જેમાં પેશાવર, લાહૌર, ફૈસલાબાદ, મુલતાન, વિહાડી, ગિલગિટ, કરાચી, ખાનેવાલ, ગુજરાંવાલા, રહીમ યાર ખાન, બહાવલપુર, ચરસદા, સરગોધા અને ઇસ્લામાબાદમાં પીટીઆઇના સમર્થકો દ્વારા હિંસક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના ક્વેટામાં વિરોદ પ્રદર્શન કરી રહેલા પીટીઆઇ સમર્થકો પર પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક યુવાનનું મોત થયું હતું, તો અન્ય 4 યુવાનોને ગોળી વાગી હતી.
પેશાવરમાં પણ પીટીઆઇના સમર્થકોએ રોષ વ્યક્ત કરતાં રેડિયો સ્ટેશનની ઇમારતમાં આગ લગાવી દેવામાં આવી હતી. કરાચીમાં પણ મોટા પ્રમાણમાં પીટીઆઇ સમર્થકોના હંગામાના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી હતી, જેથી પોલીસ દ્વારા ટિયરગેસના શેલ છોડી સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. અનેક શહેરમાં પીટીઆઇ સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શનના પગલે સમગ્ર પાકિસ્તાનમાં ધારા 144 લગાવી દેવામાં આવી હતી.
આર્મી હેડક્વાર્ટર - એરબેસ પર હુમલો
પીટીઆઇના સમર્થકો એટલા ગુસ્સામાં હતા કે રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર અને એરબેસ પર હુમલો કરી દીધો હતો. આ સિવાય લાહોર કેન્ટમાં સૈન્ય કમાન્ડોના નિવાસસ્થાનમાં આગ લગાવી દીધી હતી. ઉપદ્રવીઓ દ્વારા લાહૌરમાં ગવર્નર હાઉસમાં પણ આગ લગાવવામાં આવી હતી. ઇસ્લામાબાદમાં પીટીઆઇ સમર્થકો સાથેની અથડામણમાં 5 પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ પોલીસે કાયદાનું ઉલ્લંઘન કરવાના આરોપસર ઇમરાનની ધરપકડની રાત સુધી 50થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ
કરી હતી.

હાઇકોર્ટે ઈમરાનખાનની ધરપકડ યોગ્ય ગણાવી

ઈસ્લામાબાદઃ સમગ્ર પાકિસ્તાનમાં ઇમરાનની ધરપકડ બાદ રાત્રે 10:30 વાગ્યે ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં હાઇકોર્ટ દ્વારા તેમની ધરપકડને યોગ્ય ગણાવી પાકિસ્તાન રેન્જર્સના વલણને યોગ્ય ઠેરવવામાં આવ્યું હતું. આ સાથે ઇસ્લામાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આમિર ફારુકે અન્ય પીટીઆઇ નેતાઓની ધરપકડ પર રોક લગાવી હતી. આ સાથે યુએસ અને યુકે દ્વારા ઇમરાનની ધરપકડ પર પાકિસ્તાનમાં કાયદાના શાસનનું સમર્થન કર્યું હતું.


comments powered by Disqus