કિંગ ચાર્લ્સ માટે કોમનવેલ્થ અત્યંત આવશ્યક

Wednesday 10th May 2023 05:39 EDT
 

યુકેમાં તો રાજાની તાજપોશીની ઉજવણીઓ ચરમ પર છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું વૈશ્વિક સ્તરે બ્રિટિશ રાજાશાહી મહત્વ ધરાવે છે? વૈશ્વિક સ્તરે કોમનવેલ્થ દેશોના વડા તરીકે બ્રિટિશ રાજવી ભુમિકા ભજવે છે. 20મી સદીમાં કોમનવેલ્થનો પ્રારંભ 56 જેટલી બ્રિટિશ કોલોનીઓ પર બ્રિટિશ રાજવીનો પ્રભાવ જાળવી રાખવા કરાયો હતો પરંતુ આ કોલોનીઓ જેમ જેમ સ્વતંત્ર થતી ગઇ તેમ તેમ બ્રિટિશ રાજવીનો પ્રભાવ ઓછો થતો ગયો અને આજે 56 દેશોનું આ સંગઠન સ્વૈચ્છિક રહી ગયું છે. આ પૈકીના લગભગ 14 દેશમાં હજુ પણ બ્રિટિશ રાજવીને પોતાના રાજા તરીકે સ્વીકૃતિ છે પરંતુ હવે ત્યાં પણ બ્રિટિશ આધિપત્ય સામે ગણગણાટ શરૂ થઇ ગયો છે. ઓસ્ટ્રેલિયા અને કેનેડા સહિતના દેશો હવે પોતાને પ્રજાસત્તાક જાહેર કરવાની કવાયત કરી રહ્યાં છે. જમૈકા અને અન્ય કેરેબિયન દેશોમાં પણ આવી જ માગ ઊઠી રહી છે. આજે સ્થિતિ એવી છે કે કોમનવેલ્થને જેટલી જરૂર બ્રિટિશ રાજવીની છે તેના કરતાં વધુ જરૂર બ્રિટિશ રાજવીને કોમનવેલ્થની છે. બ્રેક્ઝિટ બાદ બ્રિટન તેના વેપારને વેગ આપવા માટે યુરોપ સિવાયના અને મુખ્યત્વે કોમનવેલ્થ દેશો તરફ નજર દોડાવી રહ્યો છે. આ અંતર્ગત બ્રિટને તાજેતરમાં જ ન્યુઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથે મુક્ત વેપાર કરાર કર્યા છે અને ભારત જેવા આર્થિક પાવર હાઉસ સાથે મુક્ત વેપાર કરારની કવાયત ચાલી રહી છે. જો કોમનવેલ્થના દેશો પરનું બ્રિટિશ રાજવીનું પ્રભુત્વ ખતમ થઇ જશે તો તેમનું સામ્રાજ્ય બ્રિટનની સીમાઓમાં જ સમેટાઇને રહી જશે. કોમનવેલ્થ દ્વારા હજુ પણ બ્રિટિશ રાજવી પરિવાર પોતે વિશ્વ પર રાજ કરી રહ્યો છે તેવી ભ્રમણામાં રાચી શકે છે. કોમનવેલ્થમાં ઘણીવાર બ્રિટિશ રાજવી સિવાયના વડાને ચૂંટવાની માગ અવારનવાર ઊઠી ચૂકી છે. આમ કોમનવેલ્થ જ વૈશ્વિક સ્તરે બ્રિટિશ રાજાશાહીને જીવંત રાખી રહ્યું છે.


comments powered by Disqus