ખાલિસ્તાની આતંકી પરમજિતસિંહની લાહૌરમાં હત્યા

Tuesday 09th May 2023 06:25 EDT
 
 

લાહૌરઃ ખાલિસ્તાની કમાન્ડો ફોર્સ – કેસીએફના ચીફ અને આતંકવાદી પરમજિતસિંહ પંજવર ઉર્ફે મલિક સરદારસિંહને પાકિસ્તાનના લાહૌરમાં શનિવારે 6 મેએ અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ઠાર મારવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાહૌરના જૌહર ટાઉનમાં શનિવારે 2 અજાણ્યા બંદૂકધારીએ તેની હત્યા કરી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે, આતંકી પરમજિત જૌહર ટાઉનમાં સનફ્લાવર સોસાયટીમાં પોતાના ઘર પાસે સવારે 6 વાગ્યે આંટા મારી રહ્યો હતો, તે દરમિયાન બાઇર પર આવેલા બે શખ્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. હુમલા બાદ પરમજિતને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના ચીફ પરમજિતસિંહને જુલાઈ 2020માં યુએપીએ હેઠળ ભારત સરકારે આતંકવાદી ઘોષિત કર્યો હતો.
પંજાબના તરનતારનના એક ગામમાં જન્મેલા 59 વર્ષીય પરમજિતસિંહ પંજવર શિખ ઉગ્રવાદ, હત્યા, નશામાં વપરાતી દવાઓ અને હથિયારના સ્મગલિંગના અનેક કેસમાં સંડોવાયેલો હતો. આ પહેલાં તે સોહલમાં એક કેન્દ્રીય સહકારી બેન્કમાં કામ કરતો હતો, જે બાદ તે પંજાબમાં આતંકીઓના સંપર્કમાં આવ્યો હતો.


comments powered by Disqus