વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગયા સપ્તાહમાં જાહેરાત કરી કે હવે કોરોના મહામારી જાહેર આરોગ્યની કટોકટી અને આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય રહી નથી. ચીનના વુહાનમાં કોરોના વાઇરસના પ્રસાર બાદ જાન્યુઆરી 2020માં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોનાને મહામારી જાહેર કરાઇ હતી. આજે મહામારીએ વિશ્વને સકંજામાં લીધાને 3 વર્ષ વીતી ચૂક્યાં છે પરંતુ કોરોનાનો વાઇરસ સંપુર્ણપણે નાબૂદ થયો નથી. છેલ્લા 3 વર્ષમાં આ મહામારીએ સમગ્ર વિશ્વમાં 68,71,150 માનવ જિંદગીનો ભોગ લીધો છે. સત્તાવાર આંકડાઓ પ્રમાણે 68,78,31,731 લોકો આ વાઇરસના સંક્રમણથી પીડાઇ ચૂક્યાં છે. ભારતમાં કોરોના મહામારીમાં 5,31,642 જિંદગી હોમાઇ ચૂકી છે જ્યારે 4,49,64,289 ભારતીયો આ વાઇરસની ઝપટમાં આવી ચૂક્યાં છે. માનવ ઇતિહાસમાં ઘણી મહામારીઓ નોંધાઇ ચૂકી છે. યુરોપમાં પ્લેગ સહિતની આ મહામારીઓ કરોડો માનવીનો ભોગ લઇ ચૂકી છે. સમયાંતરે ધરતી પર મહામારીઓ આવતી રહી છે તેથી કોરોના મહામારીનો અંત આવવાથી આગામી સમયમાં અન્ય કોઇ મહામારી નહીં આવે તેમ માની લેવાની જરૂર નથી. કુદરત સાથેના ચેડાં મહામારીઓને આમંત્રણ આપે છે. વાઇરસો પર સંશોધનોની લાહ્યમાં ક્યારે તે વાઇરસ માનવીમાં પ્રસરે છે તેનો અંદાજ હોતો નથી અને આ પ્રકારના ઊંબાડિયા મહામારીઓને જન્મ આપી રહ્યાં છે. કુદરતમાં એવા ઘાતકી વાઇરસ ધરબાઇને પડ્યાં છે કે તેના સંપર્કમાં આવવાથી માનવજાતનું નિકંદન નીકળી શકે છે. આધુનિક વિજ્ઞાન માનવીને રોગો સામે રક્ષણ આપવા વિવિધ પ્રકારના પ્રયોગોને અંજામ આપતું રહે છે પરંતુ આ પ્રયોગમાંથી જ ક્યારેક છટકી ગયેલો વાઇરસ માનવજાતને ઝપટમાં લઇ લે છે તેનું તાજુ ઉદાહરણ કોરોના વાઇરસ છે. એક થિયરી પ્રમાણે ચીનના વુહાનની લેબોરેટરીમાંથી કોરોનાનો વાઇરસ લીક થયો હતો જોકે આ થિયરીને પુષ્ટિ અપાતી નથી અને ચીન પોતાનો દોષ સ્વીકારવા પણ તૈયાર નથી. આવી તો ઘણી લેબોરેટરીઓ દુનિયાભરમાં કાર્યરત છે. આ લેબોરેટરીઓ મહામારીઓના જીવતા બોંબ સમાન છે. ઘણા દેશો છૂપી રીતે જૈવિક હથિયારો પણ વિકસાવીને બેઠાં છે. આ જૈવિક હથિયારો મહામારીઓને આમંત્રણ આપવાનું સૌથી હાથવગું સાધન છે. યોગ્ય સુરક્ષાના અભાવના કારણે આ જૈવિક હથિયારો મોટી મહામારી લઇને આવી શકે છે. આમ એક મહામારીની વિદાયથી નચિંત થઇ જવાની જરૂર નથી. મહામારી ગમે ત્યારે ત્રાટકી શકે છે.
