સ્થાનિક કાઉન્સિલની ચૂંટણીમાં અપેક્ષા પ્રમાણે જ મતદારોએ કન્ઝર્વેટિવને નકારી કાઢ્યાં છે. 2024ની સંસદની ચૂંટણી પહેલાંની આ ચૂંટણી વડાપ્રધાન રિશી સુનાક અને કન્ઝર્વેટિવ પાર્ટી માટે લિટમસ ટેસ્ટ સમાન હતી જેમાં તેઓ નિષ્ફળ પૂરવાર થયાં છે. મતોની ટકાવારી જોતાં આ ચૂંટણીમાં વિપક્ષ લેબર પાર્ટીને કન્ઝર્વેટિવ કરતાં 9 ટકા વધુ મત મળ્યાં છે પરંતુ નિષ્ણાતોના મતે આટલી લીડ લેબર પાર્ટીને સંસદમાં બહુમતી અપાવી શકે તેમ નથી છતાં કન્ઝર્વેટિવ પાર્ટી માટે હાર નિશ્ચિત છે. હવે આ હારને જીતમાં પલટાવવાનો મોટો બોજો વડાપ્રધાન રિશી સુનાક પર આવી પડ્યો છે. બોરિસ જોન્સન અને લિઝ ટ્રસે રિશી સુનાકને વારસામાં જે સ્થિતિ આપી હતી તેનાથી કોઇ અજાણ નથી. બોરિસ જોન્સન અને લિઝ ટ્રસની નીતિઓએ બ્રિટિશ અર્થતંત્રનો બંટાધાર કરી દીધો હતો. રિશી સુનાકને સત્તા પર આવ્યે હજુ એક વર્ષ પણ પુરું થયું નથી તેમ છતાં તેમણે પોતાની કુનેહ દ્વારા અર્થતંત્રને પાટા પર લાવવા અનેક પગલાં લીધાં છે. આમ તો સ્થાનિક ચૂંટણીઓ અને સંસદની ચૂંટણીઓમાં અલગ અલગ મુદ્દા અસર કરતા હોય છે. પરંતુ મોંઘવારી, એનર્જી બિલ, એનએચએસની ખસ્તાહાલ સ્થિતિ જેવા સંખ્યાબંધ મુદ્દાએ સ્થાનિક ચૂંટણીમાં પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. સંસદની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા એટલા અસરકારક સાબિત થતાં નથી પરંતુ સ્થાનિક ચૂંટણીઓમાં લોકોના જીવનને સ્પર્શતા તમામ મુદ્દા અસર કરે છે. આવું જ કંઇક કાઉન્સિલની ચૂંટણીના પરિણામોમાં જોવા મળ્યું છે. રિશી સુનાક ગમે તેટલા પ્રયત્નો કરે પરંતુ ભેલાઇ ગયેલું ખેતર રાતોરાત લીલુંછમ બની જવાનું નથી. એના માટે રિશી સુનાકને સમય જોઇશે. તેમની સામે અનેક પડકારો છે પરંતુ જો સંસદની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીને ફરી વિજયી બનાવવી હશે તો રિશી સુનાકે હવે તમામ સમસ્યાના નિરાકરણ માટે એડી ચોટીનું જોર લગાવવું પડશે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ, કર્મચારીઓની હડતાળો, એનએચએસની ખસ્તાહાલ સેવાઓ, ગેરકાયદેસર રીતે બ્રિટનમાં પ્રવેશતા વિદેશી નાગરિકો, વેપારના મોરચે નવી દિશાઓની ખોજ, પોલીસની ખરડાયેલી ઇમેજ જેવી સમસ્યાઓના ઉકેલ માટે રિશી સુનાક અને તેમની સરકારે આગામી એક વર્ષમાં મહત્વના નિર્ણયો સાથે મતદારોનો વિશ્વાસ હાંસલ કરવો પડશે. જો આ એક વર્ષમાં રિશી સુનાક અને તેમની સરકાર દ્વારા જનસમસ્યાઓના નિવારણની દિશામાં મહત્વની સફળતા હાંસલ કરાશે તો તેમના જૂના પાપ ધોવાઇ જશે અને મતદારો ફરી એકવાર તેમના હાથમાં સત્તા સોંપવા વિચારી શકે છે. તેથી હવે બધો દારોમદાર વડાપ્રધાન રિશી સુનાક અને તેમની કેબિનેટ પર છે.
