'ધ કાશ્મીર ફાઇલ્સ'ની ઓસ્કર 2023માં એન્ટ્રી

Wednesday 11th January 2023 06:20 EST
 
 

2022ની સૌથી ચર્ચાસ્પદ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' રહી હતી. હવે આ ફિલ્મને ઓસ્કર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ ભારત તરફથી ઓસ્કરમાં સિલેક્ટ થયેલી પાંચ ફિલ્મમાંથી એક છે. ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયામાં આ ગુડ ન્યૂઝ શૅર કર્યા હતા.

ઓસ્કર માટે 'ધ કાશ્મીર ફાઇલ્સ' શોર્ટ લિસ્ટ થઈ
વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયામાં ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોનો આભાર માન્યો હતો. આટલું જ નહીં 'ધ કાશ્મીર ફાઇલ્સ'નાં એક્ટર્સ પલ્લવી જોષી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર તથા અનુપમ ખેર બેસ્ટ એક્ટર્સની કેટેગરીમાં શોર્ટલિસ્ટ થયા છે. ડિરેક્ટરે કહ્યું હતું, ‘આ તો બસ શરૂઆત છે, હજી તો ઘણું આગળ જવાનું છે.’

IFFIના હેડના નિવેદનથી હોબાળો મચ્યો હતો
નાદવ લેપિડે ગોવામાં 53મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાની ક્લોઝિંગ સેરેમનીમાં કહ્યું હતું, 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોઈને અમે બધા જ ડિસ્ટર્બ હતા. આ ફિલ્મ અમને અશ્લીલ તથા પ્રોપેગેન્ડા બેઝ્ડ લાગી. આટલા પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ માટે આ ફિલ્મ યોગ્ય નથી. નાદવે આગળ કહ્યું હતું, 'આ ફેસ્ટિવલમાં અમે ડેબ્યૂ કોમ્પિટિશનમાં 7 ફિલ્મ અને ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં 15 ફિલ્મ જોઈ હતી, જેમાં 14 ફિલ્મ સિનેમેટિક ફીચર્સવાળી હતી. 15મી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'થી અમે બધા હેરાન હતા.'

વિવાદ વધતાં માફી માગી હતી
નાદવે માફી માગતાં કહ્યું હતું કે તેમણે પોતાનું નિવેદન કાશ્મીરના નાગરિકો માટે નહીં, પરંતુ માત્ર ફિલ્મ માટે આપ્યું હતું. જો તેમના નિવેદનથી લોકોને દુઃખ પહોંચ્યું હોય તો તે માફી માગે છે.

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી
આ ફિલ્મ ગયા વર્ષે 11 માર્ચે રિલીઝ થઈ હતી. ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમાર, પલ્લવી જોષી મહત્ત્વના રોલમાં હતાં. વિવેક અગ્નિહોત્રીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ અંગે ઘણો જ વિવાદ થયો હતો. આ ફિલ્મમાં 1990માં કાશ્મીરમાં થયેલા નરસંહારની વાત કરવામાં આવી હતી. આ ફિલ્મને ઘણા લોકોએ પ્રોપેગેન્ડા ફિલ્મ પણ ગણાવી હતી. ફિલ્મ ભલે વિવાદમાં રહી હોય, પરંતુ ફિલ્મે ભારતમાં 252 કરોડ તથા વર્લ્ડવાઇડ માર્કેટમાં 341 કરોડની કમાણી કરી હતી.


comments powered by Disqus