ચીનના હેનાનની સ્થિતિ વુહાન જેવી, 90 ટકા વસ્તી સંક્રમિત

Wednesday 11th January 2023 06:17 EST
 
 

બેઈજિંગઃ ચીનમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની રહી છે. તેવા તબક્કામાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે પણ કબૂલ્યું કે, કોરોના હજુપણ મોટો પડકાર બનીને ઊભો છે. વુહાન બાદ ચીનના હેનાન પ્રાંતમાંથી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે, જ્યાંની 90 ટકાથી વધુ વસ્તી કોરોનાથી સંક્રમિત થઈ ચૂકી છે.
સમગ્ર ચીન કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યું છે. અહીંનાં તમામ શહેરમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે, ત્યારે હેનાનની 90 ટકા વસ્તી કોરોનાની ઝપેટમાં આવી ચૂકી હોવાનું ખુદ હેનાન સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ચીનમાં સતત થઈ રહેલા વિરોધ બાદ ગયા મહિને ઝીરો કોવિડ પોલિસી સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવી હતી. જે બાદ ચીનમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો નોંધાયો હતો. ત્યાં સુધી કે મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ચીનનો સ્વાસ્થ્ય વિભાગ આટલા કેસ નોંધાતાં ખરાબ રીતે પ્રભાવિત થયો છે. ચીનમાં હાલમાં હોસ્પિટલોમાં લાંબી લાઇનો લાગે છે. અનેક શહેરની હોસ્પિટલમાં ઇલાજ માટે બેડની સુવિધા પણ ખૂટી પડી છે. તો ચીનમાં દવાઓની પણ અછત સામે આવી રહી છે. બેઇજિંગ સહિત અનેક પ્રાંતનાં સ્મશાનો પર પણ લાંબી લાઇનો લાગી છે. આટલું થવા છતાં પણ ચીન દ્વારા પોતાની બોર્ડર પૂરી રીતે ખોલી નાખવામાં આવી છે. ઉપરાંત વિદેશથી ચીન પહોંચનારા મુસાફરોના ક્વોરન્ટાઇન નિયમોને પણ ખતમ કરી દેવામાં આવ્યા છે.
WHOએ ખોલી ચીનની પોલ
ચીનમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ થઈ ચૂક્યો છે, ત્યારે WHOના રિપોર્ટે ચીનની પોલ ખોલી નાખી છે. WHOના વિકલી રિપોર્ટ મુજબ ચીનમાં એક અઠવાડિયામાં કોરોનાના નવા કેસમાં 50 ટકાનો વધારો નોંધાયો છે. રિપોર્ટ મુજબ 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન કોરોનાના નવા 2.18 લાખ કેસ સામે આવ્યા છે, જ્યારે 12થી 18 ડિસેમ્બર દરમિયાન આ કેસનો આંકડો 1.47 લાખ હતો.


comments powered by Disqus