જમીનમાં ધસી રહેલું ઉત્તરાખંડનું જોશીમઠ

Wednesday 11th January 2023 06:59 EST
 
 

જોશીમઠ: ઉત્તરાખંડનું જોશીમઠ ધીમેે-ધીમે જમીનમાં ધસી રહ્યું છે અને તેના લીધે લોકોમાં ભયનું વાતાવરણ છે. અહીં જમીન ધસી પડવાની કે ભૂસ્ખલનની ઘટના સતત વધી રહી છે. તેમાં પણ હવે મારવાડી વોર્ડમાં ઘરો અને રસ્તાઓ પર તિરાડો પડવાની અને કેટલાય સ્થળોએથી પાણી નીકળવાની ઘટના બહાર આવી છે. આવી ઘટનાઓથી સમગ્ર જોશીમઠમાં ભયનું વાતાવરણ ફેલાઈ ચૂક્યું છે.
અહીં જમીન ધસી પડતાં જે.પી. કંપની કોલોનીનાં મકાનોમાં તિરાડ પડી છે. તેના લીધે પૂરેપૂરી કોલોની ખાલી કરાવવામાં આવી છે. અહીં જમીનમાં પણ કેટલીય જગ્યાએથી પાણી નીકળવા લાગ્યું છે. અહીં રહેતા લોકોનું કહેવું છે કે, સોમવારે રાત્રે આ કોલોનીમાં બનેલાં ઘરોમાં અચાનક તિરાડો પડી ગઈ. બદ્રીનાથના ભૂતપૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે, જોશીમઠના અન્ય ક્ષેત્રમાં તિરાડો પડવાની ઘટનામાં વધારો થયો છે અને તેનું ક્ષેત્ર પણ ઝડપથી વિસ્તરી રહ્યું છે. જોશીમઠની દરેક વ્યક્તિ આ ઘટનાને કોઈ મોટી દુર્ઘટનાનો સંકેત માની રહી છે. મ્યુનિસિપાલિટી દ્વારા આ પ્રકારની ઘટનાના સંદર્ભમાં નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે.
જોખમી ઈમારતોને તાત્કાલિક તોડી પડાશે
ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનની ઘટના પછી તુરંત ઇમારતો ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ખતરાના આધારે જોશીમઠને ત્રણ ઝોન ડેન્જર, બફર અને સંપૂર્ણ સુરક્ષિત એમ ત્રણ ભાગમાં વિભાજિત કરાયું છે, જે પ્રમાણે બચાવ કામગીરી હાથ ધરાઈ છે. રાજ્ય સરકારની સમિતિએ અહેવાલ સોંપ્યો તે પછી આ નિર્ણય લેવાયો હતો. અત્યાર સુધીમાં ચાર હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ડેન્જર ઝોનની જે ઇમારતો જર્જરિત થઈ ગઈ છે તેને તાત્કાલિક તોડી પાડવામાં આવશે.
600 ઇમારતો ખાલી કરાવાઈ
જોશીમઠમાં લગભગ 4500 જેટલી ઈમારતો છે, એમાંથી 600 ઈમારતોને ખાલી કરાવાઈ છે. ખાલી કરાવાયેલી ઈમારતોમાં હોટેલો, મકાનો, સરકારી કચેરીઓનો સમાવેશ થાય છે. 200 કરતાં વધુ ઈમારતોમાં ખતરાની નિશાનીરૂપે લાલ રંગની ચોકડી મારી દેવાઈ છે.
સરકાર દ્વારા એકત્ર કરાતો ડેટા
રાજ્ય અને કેન્દ્ર સરકાર સ્થળાંતર થયેલા પરિવારના ધંધા-રોજગારનો ડેટા એકઠો કરી રહી છે. કેટલા વ્યવસાયિક એકમોને નુકસાન થયું છે તેનું પણ આંકલન થઈ રહ્યું છે. તમામને તેમની ક્ષમતા પ્રમાણેની રોજગારી આપવાનો પણ સરકાર દ્વારા નિર્ધાર વ્યક્ત કરાયો છે. કેન્દ્ર સરકારે જોશીમઠના તમામ રહેવાસીઓને સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.
જોશીમઠને બચાવવા સરકાર તમામ પગલાં લેશે
પીએમ મોદી દ્વારા ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી સાથે ફોન પર વાતચીત કરીને સ્થિતિની માહિતી મેળવવામાં આવી હતી. તેમણે અસરગ્રસ્તોને તમામ સહાયની ખાતરી આપી હતી. પ્રધાનમંત્રીએ પ્રભાવિત થનારા લોકો, નુકસાન અને તેમના માટે શું કરવામાં આવી રહ્યું છે તેની માહિતી મેળવી હતી.
NRSC, IIRS સેટેલાઇટ ઇમેજથી અભ્યાસ કરશે
જોશીમઠનો સેટેલાઇટ ઈમેજથી અભ્યાસ કરવા માટે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર - હૈદરાબાદ તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ - દહેરાદૂનને ફોટો સાથેનો રિપોર્ટ રજૂ કરવા કહેવાયું છે. જિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયાને પણ કેટલાક મુદ્દાનો અભ્યાસ કરીને રિપોર્ટ રજૂ કરવા આદેશ અપાયા છે.


comments powered by Disqus