બરબાદ પાકિસ્તાનની ફરી સાઉદી અરબ તરફ દયામણી નજર

Wednesday 11th January 2023 06:57 EST
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન એકવાર ફરી નાદાર જાહેર થવાની તૈયારીમાં છે અને એકવાર ફરી તે સાઉદી અરબ તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે. બની શકે કે સાઉદી અરબ આ વખતે પણ પાકિસ્તાનને બચાવી લે, પરંતુ સાઉદી અરબ આખરે કેમ પાકિસ્તાનને વારંવાર બચાવી લે છે.
શાહબાઝ શરીફને પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યાને એક વર્ષ પણ નથી થયું, પરંતુ અત્યાર સુધીમાં શાહબાઝ બે વખત સાઉદી અરબનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. તો બીજી તરફ જનરલ સૈયદ અસીમ મુનીરની પાસે પાકિસ્તાની સેનાની કમાન આવ્યે દોઢ મહિનો જ થયો છે અને તે 5 જાન્યુઆરીએ જ પાકિસ્તાનનો પ્રવાસ ખેડી આવ્યા. જો કે આ પહેલાના પ્રધાનમંત્રી અને સેનાધ્યક્ષો પણ સાઉદી અરબનો વારંવારનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રીઓ દ્વારા વારંવાર સાઉદી અરબનો પ્રવાસ જ પાકિસ્તાન માટે તેની મહત્ત્વતા સમજાવે છે.
પાકિસ્તાનની હાલની સ્થિતિની વાત કરીએ તો તેનો વિદેશી મુદ્રા ભંડાર માત્ર પાંચ અરબ ડોલર છે, જે રકમ ફક્ત ત્રણ અઠવાડિયાના આયાત બિલથી વધારે નથી. પાકિસ્તાનના નાણામંત્રીએ આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં સાઉદી અરબ દ્વારા નાણાં પ્રાપ્ત થઈ જશે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે સા.અરબ ત્રણ અરબ ડોલરનું કરજ આપશે અથવા પોતાના જૂના કરજને ચૂકવવાની સમયસીમા વધારી આપશે. જો કે પાકિસ્તાનનું સંકટ ત્રણ અરબ ડોલરથી ક્યાંય વધારે છે.
પાકિસ્તાન પ્રધાનમંત્રા શાહબાઝ શરીફે બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનમાં એક લેખમાં જણાવ્યું છે કે, તેમનો દેશ કેવી રીતે સંકટમાં ઘેરાઈ ચૂક્યો છે અને તેની મદદ માટે આંતરરાષ્ટ્રીય મદદની અપીલ પણ કરી છે.
પાકિસ્તામાં આર્થિક મુદ્દા પર લખનારા ફારુખ સલીમનું કહેવું છે કે, સાઉદી અરબ પાકિસ્તાન પર આવેલા સંકટને થોડા સમય માટે રોકી શકે છે, પરંતુ તેનું કોઈ જ સમાધાન નથી. તમામ લોકો જાણે છે કે પાકિસ્તાનની પાસે આઇએમએફમાં જવા સિવાય છૂટકો નથી. ચીન પણ પાકિસ્તાન માટે આઇએમએફનું વિકલ્પ બની શકે તેમ નથી.
ફારુખના જણાવ્યા પ્રમાણે જો પાકિસ્તાન આઇએમએફ પ્રોગ્રામ અપનાવે તો તે સ્થિતિ બની શકે. પ્રથમ તો પાકિસ્તાની રૂપિયામાં 20 ટકાનો ઘટાડો આવશે અને ખાદ્ય મોંઘવારી દર 40 ટકાથી વધી જશે. પરંતુ શાહબાઝ શરીફ માટે તે સરળ નથી, કારણ કે પહેલેથી જ તે દેશમાં વધતી મોંઘવારી માટે લોકોના વિરોધનો સામનો કરી રહ્યા છે, એવામાં આઇએમએફની સામે સરેન્ડર કરવું સરળ નહીં રહે.
15 કિલો લોટનો ભાવ રૂ. 2000ને પાર
આઇએમએફમાં જવાની શક્યતાને પગલે પાકિસ્તાનમાં વેપારીઓ દ્વારા સંગ્રહખોરી શરૂ કરી દેવાઈ છે. જેના પગલે લોકોને લોટ મેળવવામાં પણ ફાંફાં પડી રહ્યાં છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે, ઘઉંની મોટી ઉપજ થવા છતાં 15 કિલો લોટનો ભાવ રૂ. 2050થી વધુ થઈ ગયો છે. કરાંચીમાં લોટનો ભાવ રૂ. 2500 સુધી પહોંચ્યો છે.


comments powered by Disqus