મહિલા મુસાફર સાથે ગેરવર્તણૂક કરનારો શંકર મિશ્રા ઝડપાયો

Wednesday 11th January 2023 07:01 EST
 
 

નવી દિલ્હી: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં યાત્રા દરમિયાન મહિલા મુસાફર પર કથિત રીતે પેશાબ કરવાના કેસમાં આરોપી શંકર મિશ્રાની દિલ્હી પોલીસની ટીમે શુક્રવારે બેંગાલુરુથી ધરપકડ કરી આઇજીઆઇ પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો અને બાદમાં બેંગાલુરુની કોર્ટમાં રજૂ કરી ટ્રાન્સફર વોરંટના આધારે દિલ્હી લઈ આવી હતી.
પીડિતાએ તેની આપવીતી સંભળાવતાં જણાવ્યું છે કે, તે દિવસે જે બન્યું તે હું ક્યારેય નહીં ભૂલું. આરોપી મારી ઉપર પેશાબ કર્યાના લગભગ કલાક બાદ મારી પાસે માફી માગવા આવ્યો હતો. ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સે મારી મરજી વિરુદ્ધ તેને મારી પાસે મોકલ્યો હતો. અમને બંનેને ક્રૂ મેમ્બર્સની સીટો પર સામસામે બેસાડી દેવાયા હતા. તે રડવા લાગતા હું ચોંકી ગઈ. તે આજીજી કરીને મને કહેવા લાગ્યો કે મારો પરિવાર છે, મને માફ કરો. મારી સામે પોલીસ ફરિયાદ ના કરતા. તે નહોતો ઇચ્છતો કે તેની કરતૂતની તેની પત્ની અને સંતાનો પર અસર થાય.
આ ઘટનાને પગલે ડીજીસીએએ શુક્રવારે તમામ શિડ્યુલ્ડ એરલાઇન્સ માટે એક એડવાઇઝરી જારી કરી હતી અને પોતાના કર્મચારીઓને અનિયંત્રિત મુસાફરોને અંકુશમાં લાવવા માટે વધુ સંવેદનશીલ બનાવાની તાકીદ કરી છે. આ એડવાઇઝરીમાં પાઇલટ, કેબિન ક્રૂ અને ઇન-ફ્લાઇટ સર્વિસના ડાયરેક્ટર્સની જવાબદારીઓ પર ભાર મૂકાયો છે અને સૂચન કર્યું છે કે સમાધાનકારી અભિગમો સમાપ્ત થઈ જતાં અંકુશમાં લેવાના સાધનોનો ઉપયોગ કરવો જોઈએ.


comments powered by Disqus