જ્યારે પણ માનવી કુદરતના નિયમો વિરુદ્ધ ગયો છે ત્યારે કુદરતે તેનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. પર્યાવરણ સાથેના ચેડાંને પગલે ક્લાઇમેટ ચેન્જ ક્રાઇસિસ પૃથ્વીને ધમરોળી રહી છે. ગ્રીન હાઉસ ગેસના બેફામ ઉત્સર્જનથી ઋતુઓ પોતાનો ક્રમ ભૂલી છે અથવા તો ઉગ્ર બનીને માનવી પર ત્રાટકી રહી છે. બ્રિટનમાં 2022નું વર્ષ ઐતિહાસિક રીતે ગરમ રહ્યું અને પહેલીવાર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો. ઓસ્ટ્રેલિયામાં સદીનું સૌથી ભયાનક પૂર હાહાકાર મચાવી રહ્યું છે. ધરતીના રહસ્યોમાં ધરબાયેલા વાઇરસો સાથેની છેડછાડને કારણે કોરોનાના વાઇરસે મોતનો આતંક વરસાવ્યો અને વર્તમાન સમયમાં ચીનમાં લાશોના ઢગલાં ખડકાઇ રહ્યાં છે. આવી જ કુદરત સાથેના ચેડાંની ઘટના ભારતના જોશીમઠ ખાતે જોવા મળી રહી છે. બદરીનાથ, હેમકુંડ સાહિબ સહિતના પવિત્ર યાત્રાધામો, ઇન્ટરનેશનલ સ્કિઇંગ સાઇટ ઔલીના પ્રવેશદ્વાર સમાન ઉત્તરાખંડનું જોશીમઠ જમીનમાં ગરકાવ થવાના આરે છે. શહેરની નીચેની જમીન ધસી રહી હોવાથી સેંકડો મકાનો, સડકો પર તિરાડો પડી છે. સત્તાવાળાઓએ શહેરને ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે.
જોશીમઠના પતન પાછળ ભૌગોલિક કારણો જવાબદાર હોવાના દાવા થાય છે, પણ નિષ્ણાતો આ હોનારત માટે માનવસર્જિત કારણોને જવાબદાર ગણાવે છે. તેઓ કહે છે કે આ હોનારત પાછળ જોશીમઠ અને આસપાસના વિસ્તારોમાં ચાલતાં વિકાસકાર્યો જવાબદાર છે. અહીં તૈયાર થઇ રહેલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટને કારણે શહેર પર આ હોનારત વહેલી આવી ગઇ છે. ટનલ બનાવવી પ્રક્રિયાને કારણે આ વિસ્તારની ભૂજળ વ્યવસ્થાને ખોરવી નાખી હોવાથી ભૂમિગત જળ બહાર ધસી રહ્યું છે. અગાઉ આ ભૂમિગત જળને બહાર જવાનો કોઇ માર્ગ નહોતો પરંતુ હવે તેને બહાર જવાનો માર્ગ મળી જવાથી જમીનો ધસી રહી છે. એનટીપીસીની ટનલ અને હેલાંગ મારવારી બાયપાસનું નિર્માણ પણ જોશીમઠની હોનારત માટે જવાબદાર ગણાવાય છે. જોશીમઠમાં મોટા પ્રમાણમાં ઇમારતોનું નિર્માણ અને ડ્રેનેજ સમસ્યાએ શહેરને ધરાશાયી થવાના આરે લાવી દીધું છે. એવું નથી કે આ હોનારત અચાનક આવી છે. આજથી 46 વર્ષ પહેલાં 1976માં મિશ્રા કમિટીના રિપોર્ટમાં ચેતવણી અપાઇ હતી કે આ વિસ્તાર સાથેના ચેડાં જોશીમઠનું નામોનિશાન મિટાવી દેશે. કમિટીએ જણાવ્યું હતું કે, જોશીમઠ સખત જમીન પર નહીં પરંતુ રેતી અને પથ્થરોના કાટમાળ પર વસેલું છે. તે સમયે કમિટીએ જોશીમઠ વિસ્તારમાં હેવી કન્સ્ટ્રક્શનની કામગીરી, રસ્તાની મરામત અને અન્ય નિર્માણકાર્ય માટે પથ્થરોની શિલાઓ હટાવવાની કામગીરી સામે આકરી ચેતવણી આપી હતી. છતાં પણ ચાર દાયકાથી જોશીમઠમાં નિર્માણકાર્યો ધડલ્લે ચાલતાં રહ્યાં અને તેના વરવા પરિણામો આજે જોવા મળી રહ્યાં છે. આ કમિટીના સભ્યોએ તે સમયે જોશીમઠના રહેવાસીઓને ચેતવણી આપી હતી કે આ શહેર 100 વર્ષ પણ ટકવાનું નથી. ત્યારે સ્થાનિકો તેમની ઠેકડી ઉડાવતા હતા પરંતુ આજે તેમની ચેતવણી સાચી પડતાં પસ્તાઇ રહ્યાં છે. માનવીએ કુદરતને આધીન રહીને જીવવું પડશે નહીંતર કુદરત તેને છોડવાની નથી. જોશીમઠ તેનું વરવું ઉદાહરણ છે.
