ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના ઇન્દોર શહેરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવી. 1915માં 9 જાન્યુઆરીએ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા તેની સ્મૃતિમાં વર્ષ 2003થી ભારત સરકારે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી શરૂ કરી છે, જેમાં ભારતના વિકાસમાં વિદેશમાં રહીને યોગદાન આપનારા ભારતીયો તેમજ જે તે દેશમાં મહત્વની કામગીરી અને સિદ્ધિ મેળવનારા ભારતીયોનું સન્માન કરવામાં આવે છે. આ વખતે 27 પ્રવાસી ભારતીયોને તેમની સિદ્ધિઓ અને યોગદાન માટે સન્માનિત કરાયાં છે.
ભારતીયો ઘરઆંગણે જ નહીં પરંતુ વિદેશોમાં પણ ડંકો વગાડી રહ્યાં છે. ભારતીયોનું વિદેશ પ્રયાણ આજકાલનું નથી. પૌરાણિક કાળથી આધુનિક સમય સુધી ભારતીયો વેપાર, ઉદ્યોગ, રોજગાર અને અભ્યાસ માટે વિદેશગમન કરતાં રહ્યાં છે. ભારતીયો સદીઓથી વેપાર માટે દરિયો ખેડતા રહ્યાં છે અને વિશ્વના અન્ય દેશોમાં સ્થાયી થયાં. બ્રિટિશ શાસન દરમિયાન ઘણા ભારતીયોને મજૂરી માટે વિદેશોમાં લઇ જવાયાં તો આઝાદી મળ્યા પછી પણ ભારતીયોનું વિદેશગમન અટક્યું નહોતું. વિદેશોમાં ગયેલા આ ભારતીયોએ તેમની મહેનત અને સૂઝબૂઝથી જે તે દેશ અને ભારતના વિકાસમાં યોગદાન જારી રાખ્યું. એક સમયે પશ્ચિમના દેશો ભારતને મદારીઓના દેશ તરીકે ઓળખતા હતા પરંતુ આજે તમામ વિકસિત દેશો ભારતીયોની આન અને બાન સ્વીકારી રહ્યાં છે. ભારત સરકારના આંકડા અનુસાર 3 કરોડ 20 લાખ ભારતીયો વિશ્વભરના દેશોમાં પથરાયેલાં છે અને દર વર્ષે 25 લાખ ભારતીયો વિદેશગમન કરી રહ્યાં છે. વિદેશોમાં સ્થાયી થયેલાં આ ભારતીયોએ જે તે દેશમાં રાજનીતિથી માંડીને બિઝનેસ અને વિજ્ઞાન સહિતના તમામ સેક્ટરમાં સફળતાના ઝંડા ગાડી દીધાં છે. એક સમયે ભારત પર 200 વર્ષ રાજ કરનારા બ્રિટનમાં સૌપ્રથમ ભારતીય મૂળના વડા પ્રધાન રિશી સુનાક અત્યારે શાસન ચલાવી રહ્યાં છે. ટ્રિનિદાદ અને ટોબેગો, ગુયાના, સુરિનામ, મોરિશિયસ, સિંગાપોર, મલેશિયા, પોર્ટુગલ, આયર્લેન્ડ, સેશેલ્સ જેવા દેશોની ધૂરા ભારતીય મૂળના લોકો સંભાળી રહ્યાં છે. અમેરિકા જેવી વૈશ્વિક મહાસત્તા વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ ભારતીય મૂળ ધરાવે છે.
ફક્ત રાજનીતિ જ નહીં પરંતુ આજે વિશ્વના સૌથી શક્તિશાળી બિઝનેસ કોર્પોરેશનનું નેતૃત્વ ભારતીયોના હાથમાં છે. માઇક્રોસોફ્ટના સત્યા નડેલા, આલ્ફાબેટના સુંદર પિચાઇ, એડોબના સીઇઓ શાંતનું નારાયણ, આઇબીએમના અરવિંદ ક્રિશ્ના, પેપ્સિકોના પૂર્વ સીઇઓ ઇન્દ્રા નૂયી, ટ્વિટરના પૂર્વ સીઇઓ પરાગ અગરવાલ તેના શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક અંદાજ પ્રમાણે ફોર્ચ્યુનની યાદીમાં સામેલ ટોચની 500 કંપનીમાંથી 58 કંપનીની કમાન ભારતીય મૂળના લોકો સંભાળી રહ્યાં છે. આ તો થઇ ટોચના સ્થાનોની વાત પરંતુ મધ્યમવર્ગીય ભારતીયો પણ વિદેશોમાં કાઠું કાઢી રહ્યાં છે.
અમેરિકામાં મોટેલ બિઝનેસમાં ગુજરાતીઓને કોઇ પહોંચી શકે તેમ નથી. બ્રિટનમાં પણ ભારતીયોએ તેમના બિઝનેસને સારી રીતે વિકસાવ્યા છે. જર્મનીમાં ઉચ્ચ ડિગ્રી આવશ્યક હોય તેવી નોકરીઓમાં 58 ટકા ભારતીય મૂળના લોકો કામ કરી રહ્યાં છે. મિડલ ઇસ્ટના દેશોની અર્થવ્યવસ્થા ભારતીય કુશળ કામદારો પર ટકેલી છે. ભારતીયો જ્યાં પણ જઇને વસ્યાં છે ત્યાં સ્થાનિક લોકોને સ્પર્ધામાં ટક્કર આપીને આગળ વધી રહ્યાં છે. ઘણા દેશોમાં ભારતીયોની માથાદીઠ આવક સ્થાનિકો કરતાં વધુ રહી છે. આજે પ્રવાસી ભારતીયો સૌથી વધુ રેમિટન્સ મોકલનારો સમુદાય બની ગયો છે. પ્રવાસી ભારતીયો જે તે દેશની સાથે ભારતના વિકાસમાં પણ મોટું યોગદાન આપી રહ્યાં છે તેમાં શંકાને સ્થાન નથી.
