• કિંગ ચાર્લ્સના ક્રિસમસ સંબોધને ક્વીનનો રેકોર્ડ તોડ્યોઃ

Wednesday 11th January 2023 05:38 EST
 

કિંગ ચાર્લ્સ તૃતીયના પ્રથમ ક્રિસમસ ડે સંબોધને ટીવી રેટિંગ્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ બ્રોડકાસ્ટને 10.7 મિલિયન દર્શકોએ નિહાળતા ક્વીનનો રેકોર્ડ તૂટ્યો છે. ગત વર્ષે ક્વીન એલિઝાબેથ દ્વિતીયના ક્રિસમસ ડે બ્રોડકાસ્ટને 9 મિલિયન લોકોએ નિહાળ્યું હતું. કિંગ ચાર્લ્સ તૃતીયે વિન્ડસર કેસલના સેન્ટ જ્યોર્જ‘સ ચેપલ ખાતેથી રાષ્ટ્ર અને કોમનવેલ્થને સંબોધન કર્યું હતું. બીબીસી દ્વારા નિર્મિત બ્રોડકાસ્ટને અન્ય ચેનલોએ પણ પ્રસારિત કર્યું હતું અને તે દિવસે અન્ય કાર્યક્રમોનું મહત્ત્વ ઘટી ગયું હતું. સ્ટ્રિક્ટલી કમ ડાન્સિંગ પ્રોગ્રામ 5.4 મિલિયન દર્શકો સાથે બીજા સ્થાને રહ્યો હતો. વર્ષ 2022માં મોટા ઈવેન્ટ્સમાં નોંધપાત્ર દર્શકો રહ્યા હતા. ક્વીનના ફ્યુનરલને 28 મિલિયન લોકોએ નિહાળ્યું હતું જ્યારે આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલને લગભગ 20 મિલિયન દર્શકોએ નિહાળી હતી.

લેન્ડલેડીએ શરાબી ભાડવાતણ પાસે ગુલામી કરાવીઃ

લંડન અને બ્રાઈટનમાં ઘર ભાડે આપતી 58 વર્ષીય લેન્ડલેડી ફરઝાના કૌસરને શરાબી ભાડવાતણ પાસે 2014થી 2019ના ગાળામાં ઘરગુલામી કરાવવા બદલ લ્યૂઝ ક્રાઉન કોર્ટે છ વર્ષની જેલની સજા ફરમાવી છે. મકાનમાલકણે 60 વર્ષીય શરાબી જેક્વેલિન વ્હિટિંગ્ટન પાસે ઘરમાં ગુલામ તરીકે કામ કરાવી કોઈ નાણા ચૂકવ્યા ન હતા અને તેના 80,000 પાઉન્ડની બેનિફિટ્સની રકમો પણ ખિસ્સામાં નાખી હતી. વ્હિટિંગ્ટન પાસે રાંધવા, ઈસ્ત્રી તેમજ કૌસરના બાળકોની દેખભાળ સહિત દિવસના 14 કલાક કામ કરાવાતું હતું. તેને માર પણ મરાતો હતો. વ્હિટિંગ્ટને 1990ના દાયકામાં ઘર, પતિ અને ચાર બાળકોને છોડી દીધાં હતાં અને 2004માં તેની મુલાકાત ફરઝાના કૌસર સાથે થઈ હતી. પરિવારની આયાએ 2019માં ફરિયાદ કર્યાં પછી કૌસરની તેના હોવસ્થિત મકાનેથી ધરપકડ થઈ હતી.

દૈનિક 53 ડ્રાઈવર મોબાઈલ ફોન વાપરતા ઝડપાય છેઃ

ભારે પેનલ્ટી દાખલ કરાયા છતાં દિવસના 53થી વધુ ડ્રાઈવર વાહન હંકારતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાય છે. હોમ ઓફિસના આંકડા મુજબ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હાથમાં પકડેલા મોબાઈલના ઉપયોગ માટે ઈસ્યુ કરાયેલા દંડની સંખ્યા એક વર્ષમાં 10 ટકા વધી છે. વર્ષ 2020માં અપાયેલી 17,873 ફિક્સ્ડ પેનલ્ટી નોટિસની સરખામણીએ ગયા વર્ષે 19,655 ડ્રાઈવરને આવી નોટિસ જારી કરાઈ હતી. કેટલાક વિસ્તારોમાં પકડાઈ ગયેલા ડ્રાઈવરની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ચેશાયર પોલીસે 2020માં 516 ડ્રાઈવરને પેનલ્ટીઝ ફટકારી હતી તેની સામે ગયા વર્ષે આ સંખ્યા બમણી થઈ 1,031 થઈ હતી. ડર્બીશાયર પોલીસે પણ 2020માં 57 પેનલ્ટીઝ ઈસ્યુ કરી હતી જે ગયા વર્ષે વધીને 114 થઈ હતી.

બેબી ફૂડમાં કોકા-કોલાથી પણ વધુ ખાંડઃ

ડોક્ટરોએ નાના બાળકો માટેના ફૂડ પાઉચીસમાં ખાંડના અતિશય પ્રમાણ સામે કડક પગલાં લેવા સરકારને જણાવ્યું છે. રોયલ કોલેજ ઓફ પીડિઆટ્રિક્સ એન્ડ ચાઈલ્ડ હેલ્થ (RCPCH) દ્વારા નવજાત બાળકોના ફૂડ પર મીઠાં અને ખાંડના પ્રમાણની ગાઈડલાઈન્સ ફરજિયાત મૂકવામાં આવે તેવી માગણી કરી છે. અગાઉ બ્રિટિશ ડેન્ટલ એસોસિયેશન દ્વારા જણાવાયું હતું કે 12 મહિનાથી ઓછી વયના બાળકો માટેની ઘણી પ્રોડક્ટ્સમાં ખાંડનું પ્રમાણ કોકા-કોલામાં રહેલી ખાંડથી પણ વધુ જોવા મળે છે. RCPCHના પ્રમુખ ડો. કેમિલા કિંગ્ડોને કહ્યું છે કે ઉત્પાદનો પર ‘સંપૂર્ણ ઓર્ગેનિક’ અથવા ‘માન્ય પોષણક્ષમતા’ જેવાં લગાવાતાં લેબલ્સથી પેરન્ટ્સ તેમના બાળકોને આરોગ્યપ્રદ ફૂડ આપતા હોવાના ભ્રમમાં રહે છે.

કિવી બૂટ પોલીશ યુકે બજારથી બહારઃ

દાયકાઓથી બ્રિટિશરોના બૂટ્સને ચમકાવતી કિવી શૂ પોલીશ હવે યુકેનું બજાર છોડી રહી છે. મોટા ભાગે પોલીશની જરૂર ના રહે તેવા કેઝ્યુઅલ શૂઝનો ઉપયોગ વધવાથી આ નિર્ણય લેવાયો છે. કોરોના મહામારીના ગાળામાં લોકો ઘેર રહીને કામ કરતા થવાથી મોટા ભાગના કર્મચારીઓએ ટ્રેડિશનલ સ્યૂટ અને ચામડાના બૂટ્સ પહેરવાનું છોડ્યું હતું. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટમાં 1906થી ફેમિલી બિઝનેસ તરીકે સ્થાપિત કિવી બૂટ પોલીશે ગ્લોબલ જાયન્ટ તરીકે નામના પ્રાપ્ત કરી હતી. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટિશ અને યુએસના લશ્કરી દળોએ કિવિ પોલીશને અપનાવી લેતા કંપનીએ મોટી વેપારી સફળતા હાંસલ કરી હતી. બીજા વિશ્વ યુદ્ધ પહેલા જ વેસ્ટ લંડનના ઈલિંગ ખાતે કિવી શૂ પોલીશની ફેક્ટરીની કામગીરી શરૂ થઈ હતી. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ યુકેનું બજાર છોડી રહ્યા છે પરંતુ, જ્યાં ચમકદાર શૂઝનું મહત્ત્વ જળવાયું છે તેવા દેશોમાં શૂ પોલીશનું વેચાણ ચાલુ રહેશે.

ઓનર્સની ખાતરી પાછળ નાણા વેડફશો નહિઃ

ઓનર્સ મેળવી આપવાની ખાતરી આપતી કંપનીઓમાં નાણા નહિ વેડફવા ઓનર્સ કમિટીના ધૂરંધરોએ સલાહ આપી છે. સ્પોર્ટ્સ ઓનર્સ કમિટીના ચેરમેન સર હ્યૂજ રોબર્ટસનના જણાવ્યા મુજબ તમારી અરજી રજૂ કરવા કંપનીને નાણા ચૂકવવાનું વિચારશો પણ નહિ. આવી રજૂઆત માટે કંપનીઓ 40,000 પાઉન્ડ જેટલી જંગી રકમ વસૂલે છે. આવી દાવેદારી માટે તેઓ મિત્રો અને સાથીઓમાં પ્રચાર કરે છે જેનાથી સન્માન મેળવવાની તક વધતી હોવાનો તેમનો દાવો છે. એવોર્ડ ઈન્ટેલિજન્સ નામની કંપની આવી સેવા ઓફર કરે છે જેણે આ વર્ષે રોયલ ઓનર્સ માટે આશરે 200 નામની રજૂઆત કરી હતી જે સંખ્યા ગયા વર્ષે 180 હતી. કંપનીના સ્થાપક માર્ક લેવલીન-સ્લેડ કહે છે કે સમગ્ર વિશ્વમાં શાહી સન્માન-એવોર્ડ સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ મનાય છે.

ઈયુ કાળના કાયદાઓ નાબૂદ કરવા માગણીઃ

ઈયુ કાળના કાયદાઓની નાબૂદી અથવા સમીક્ષા માટે 2023ની સમયમર્યાદાને વળગી રહેવા વડા પ્રધાન રિશિ સુનાક પર ભારે દબાણ છે. જમણેરી ટોરી સાંસદોએ ચેતવણી આપી છે કે લેબર પાર્ટી આગામી ચૂંટણીમાં આ મુદ્દે કોઈ પણ વિલંબનો ફાયદો ઉઠાવશે. પૂર્વ બિઝનેસ સેક્રેટરી જેકોબ રીસ-મોગે જણાવ્યું છે કે 2024માં અપેક્ષિત ચૂંટણી પહેલા આ કવાયત પૂર્ણ નહિ કરાય તો કન્ઝર્વેટિવ પાર્ટી સંવેદનશીલ વર્કપ્લેસ અધિકારો અને પર્યાવરણીય સુરક્ષાને નાબૂદ કરવાનો ગુપ્ત એજન્ડા ધરાવતી હોવાનો દાવો લેબર પાર્ટી કરશે. બ્રેક્ઝિટતરફી યુરોપિયન રિસર્ચ ગ્રૂપના ટોરી સાંસદોએ જણાવ્યું છે કે સરકાર કયા ઈયુ કાયદા જાળવી રાખવા માગે છે તેની સ્પષ્ટતા ચૂંટણી અગાઉ થઈ જાય તે માટે સુનાકે ઝડપથી ઓડિટ પૂર્ણ કરાવવું જોઈએ.

ડ્રગ્સની હેરફેરમાં મહિલાને જેલઃ

કાઉન્ટી લાઈન્સમાં ડ્રગ્સ ઓપરેશન ચલાવતી અને સ્નેપચેટમાં પોતાની વૈભવી લાઈફસ્ટાઈલનાં બણગાં ફૂંકતી 25 વર્ષીય હેના અશરફને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે ત્રણ વર્ષની જેલની સજા ફરમાવી છે. કોર્ટ સમક્ષ જણાવાયું હતું કે હેના તેના બર્મિંગહામસ્થિત ઘર અને ટોર્કે વચ્ચે મેઝ લાઈન તરીકે ઓળખાતી ડ્રગ લાઈન ચલાવતી હતી. પોલીસે તેને 2020માં અટકાવી ત્યારે તેની પાસેથી મળેલા ફોનમાં 40 લોકોને ડ્રગ વેચવાની ઓફર કરતા ટેક્સ્ટ મેસેજીસ જોવા મળ્યા હતા. હેના અશરફને કોકેઈન અને હેરોઈનનો પૂરવઠો પૂરો પાડવાના ગુનામાં સજા કરાઈ છે.


    comments powered by Disqus