કાબુલઃ અફઘાનિસ્તાનમાં શનિવારે આવેલા 6.3ની પ્રચંડ તીવ્રતાના ભૂકંપના બે પ્રચંડ આંચકાના કારણે 2000થી વધુ લોકોના મોત થઇ ગયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યામાં હજુ પણ વધારો થઈ રહ્યો છે. ત્રણ કલાકના ગાળામાં જ છ આફટર શોકના કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો. ભૂકંપનું કેન્દ્ર હેરાત શહેરથી 40 કિલોમીટરના અંતરે હોવાનુ જાણવા મળ્યું છે. આ ભયાવહ ભૂકંપથી હેરાતમાં સૌથી વધુ નુકસાન થયું છે. અનેક મકાનો ધરાશાયી થઈ ગયાં હતાં, જેના કાટમાળમાં દટાઈ જતાં લોકોના મોટાપાયે મૃત્યુ થયાં હતાં. અફઘાનિસ્તાનના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રવકતા મોહમ્મદ અબ્દુલ્લા જાને કહ્યું હતું કે, હેરાતમાં જેન્દા જાન જિલ્લાના ચાર ગામોમાં સૌથી વધુ નુકસાન થયું છે.
2022માં ભૂકંપમાં 1000 લોકોનાં મોત થયાં હતાં
આ પહેલા ગયા વર્ષે જૂન 2022માં પૂર્વી અફઘાનિસ્તાનમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેમાં ભારે નુકસાન થયું હતું. આ ભૂકંપમાં 1000 લોકોના મોત થયાં હતાં. 1500 લોકો ઘાયલ થયા હતા. જો કે આ વખતનો ભૂકંપ અગાઉના ભૂકંપ કરતાં પણ ભયાવહ રહ્યો, જેમાં 2000 લોકોનાં મોત નીપજ્યાં છે.

