તેલઅવીવઃ શનિવારે હમાસના આતંકીઓ દ્વારા ભારે હવાઈ હુમલાની સાથે બોર્ડર ક્રોસ કરી અંદર ઘૂસી આવ્યા હતા. હમાસ અને ઇઝરાયલ વચ્ચે શનિવારે ફાટી નીકળેલા યુદ્ધમાં અંદાજે એક હજાર જેટલા નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે. જેની સામે ઇઝરાયેલ દ્વારા આતંકીઓનો ખાત્મો બોલાવવાનો નિર્ણય કરી લેવાયો છે. જેના ભાગરૂપે રવિવારથી ગાઝા પટ્ટી પર આતંકીઓનાં 10 ઠેકાણાં પર હુમલો કરી અંદાજિત 1500 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. ઇઝરાયેલ દ્વારા હમાસનાં શસ્ત્રો તેમજ દારૂગોળાના ભંડાર પર હુમલો કરી તેનો નાશ કરાયો છે.
ઇઝરાયલે બદલો લીધો
દેશના દક્ષિણ ભાગમાં મોટાભાગની જગ્યાઓ પર ફરીથી કબજો જમાવી લેવાનો દાવો કરતાં ઇઝરાયલી સેનાએ કહ્યું કે, ઇઝરાયલના વિસ્તારમાંથી લગભગ 1500 હમાસ આતંકીના મૃતદેહ મળ્યા છે અને સરહદ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે.
સેનાના પ્રવક્તા રિચર્ડ હેચટે કહ્યું કે, સોમવારે રાતથી હમાસનો એકપણ આતંકી ઈઝરાયલમાં ઘૂસ્યો નથી, જો કે ઘૂસણખોરી હજુ પણ શક્ય બની શકે છે. છેલ્લા ચાર દિવસમાં ઇઝરાયલે 900 સૈનિકો અને નાગરિકોના મૃત્યુની જાણ કરી છે અને પેલેસ્ટિનિયન અધિકારીઓએ ગાઝા અને પશ્ચિમ કાંઠે લગભગ 700 લોકોનાં મોતની જાણ કરી છે.
હમાસે હુમલો કરીને મોટી ભૂલ કરી
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, હમાસે અમારા પર હુમલો કરીને સૌથી મોટી ભૂલ કરી છે. હવે એમને એવી કિંમત ચૂકવવી પડશે, જે હમાસ અને ઇઝરાયલના અન્ય દુશ્મનોની પેઢીઓ દાયકાઓ સુધી યાદ રાખશે. આ દરમિયાન ઇઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે ઇઝરાયલની સરહદમાં ઘૂસેલા હમાસના 1500 આતંકીને ઠાર કરી દેવામાં આવ્યા છે.
લેબેનોનનું આતંકી જૂથ હિઝબુલ્લા પણ યુદ્ધમાં જોડાયું
શનિવારે પેલેસ્ટાઈનનાં આતંકી ગ્રૂપ હમાસ સામે યુદ્ધ જાહેર કરનાર ઈઝરાયલની મુશ્કેલીમાં વધારો થયો છે. લેબેનોનનાં આતંકી ગ્રૂપ હિઝબુલ્લા દ્વારા ઈઝરાયલનાં ઉત્તરીય પ્રાંતમાં મોર્ટાર હુમલા કરાયા છે. ખાસ કરીને માઉન્ટ ડૉવ વિસ્તારમાં ઈઝરાયલનાં 3 આમી બેઝને ટાર્ગેટ બનાવીને નુકસાન પહોંચાડાયું છે. હમાસ સાથે લડતા ઈઝરાયલે હવે લેબેનોન મોરચે પણ જંગ ખેલવાનો વારો આવ્યો છે. જો કે લેબેનોનનાં હુમલામાં હજી સુધી કોઈ જાનહાનિનાં અહેવાલો મળતા નથી પણ તેનાં આમી બેઝને નુકસાન થયું છે.
ઈઝરાયલનાં જવાનોએ લેબેનોનનાં વિસ્તારોમાં તોપમારો કરીને તેમજ ડ્રોનનો ઉપયોગ કરીને વળતો હુમલો કર્યો છે. લેબેનોન અને ઈઝરાયલ બંને એકબીજાને દુશ્મન દેશ ગણે છે. બંને વચ્ચે ભૂતકાળમાં સંઘર્ષ થયા પછી 2006માં શાંતિ સમજૂતી થઈ હતી. આ પછી અત્યાર સુધી શાંતિ જળવાઈ હતી. જો કે થોડા સમય પહેલા લેબેનોન દ્વારા ઈઝરાયેલ પર નાના મોટા મિસાઈલ્સ હુમલા કરાયા હતા. મોટાભાગનાં હુમલા હિઝબુલ્લા ગ્રૂપ દ્વારા જ કરવામાં આવ્યા છે.

