ઉંઘતા ન ઝડપાઇ જવાય તે ભારતે પણ શીખવું પડશે

Wednesday 11th October 2023 05:56 EDT
 

ગુજરાતીમાં એક સરસ કહેવત છે. ચેતતો નર સદા સુખી. માનવી ગમે તેટલો શક્તિશાળી અને સાધન સંપન્ન હોય પરંતુ જો તે સાવધ ન હોય તો તે બાહ્ય મુશ્કેલીઓનો સરળતાથી ભોગ બની શકે છે. આવું જ કઇંક વિશ્વના નક્શા પર ટચુકડા તેમ છતાં સમૃદ્ધ અને શક્તિશાળી એવા ઇઝરાયેલ દેશ સાથે પણ થયું છે. ગાઝા પટ્ટીમાં સક્રિય એવા આતંકવાદી સંગઠન હમાસે ઇઝરાયેલ પર 1973ના યોમ કીપૂર યુદ્ધ પછીનો સૌથી ગંભીર હુમલો કર્યો ત્યારે ઇઝરાયેલની સેના અને ગુપ્તચર એજન્સી મોસાદ ઉંઘતા ઝડપાયાં હતાં. હમાસના આ હુમલામાં સેંકડો ઇઝરાયેલી અને વિદેશી નાગરિકોનાં મોત થયાં છે અને હમાસના આતંકવાદીઓએ સેંકડો ઇઝરાયેલીઓને બંધક પણ બનાવ્યાં છે. સૌથી ગંભીર બાબત એ રહી કે ઇઝરાયેલની આર્યન ડોમ કહેવાતી મિસાઇલ સુરક્ષા પ્રણાલિ પણ હમાસના રોકેટ વરસાદને અટકાવવામાં નિષ્ફળ રહી. હમાસ દ્વારા કરાયેલા આ સુનિયોજિત હુમલાની ઘણા લાંબા સમયથી તૈયારી ચાલી રહી હશે તે બાબત નિર્વિવાદ છે. વિશ્વમાં સર્વશ્રેષ્ઠ કહેવાતી ઇઝરાયેલી જાસૂસી સંસ્થા મોસાદ પણ આ તૈયારીઓનું પગેરું શોધી કાઢવામાં નિષ્ફળ રહી તે અત્યંત ગંભીર નિષ્ફળતા કહી શકાય. હમાસ આટલો ભયાનક હુમલો કરવામાં કેવી રીતે સફળ રહ્યું તે તો આવનારો સમય જ રહસ્યોદ્ઘાટન કરશે પરંતુ ઇઝરાયેલ પરના આ આતંકવાદી હુમલામાંથી ભારતે પણ વિશેષ પદાર્થપાઠ શીખવો પડશે. વિશ્વમાં આતંકવાદથી પીડિત દેશોની યાદીમાં ભારત પણ ટોચના સ્થાને છે. ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપે છે તે વાત સર્વવિદિત છે. જ્યારે પાડોશી દેશ તમારા ઘરમાં ચંચુપાત કરતો હોય ત્યારે ઉચ્ચ પ્રકારની સાવધાની આવશ્યક બની જાય છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો પણ ભારતની ધરતી પર આ પ્રકારના ગંભીર હુમલાને અંજામ આપી શકે છે. ભારતની ઉત્તર સરહદ પર બે દુશ્મન ટાંપીને બેઠાં હોય છે. પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપીને ભારતને નુકસાન કરવા સતત પ્રયત્નશીલ રહે છે જ્યારે ચીની ડ્રેગન ગમે ત્યારે ફૂંફાડો મારવા તૈયાર રહે છે. ચીની સેનાની લદ્દાખમાં ઘૂસણખોરી અને ગાલવાન ઘાટીની ભારતીય સેના સાથેની અથડામણ ચીની બદઇરાદાઓ સ્પષ્ટ કરવા પુરતાં છે. આવી સ્થિતિમાં ઇઝરાયેલની જેમ ઉંઘતા ન ઝડપાઇ જવાય તે માટે ભારતીય સેના, સરહદી સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓએ પણ સતત સાવચેત અને સાવધ રહેવું પડશે.


comments powered by Disqus