ગાંધીજીની સંવેદનશીલતાને અકબંધ રાખી શકીએ એ જ તેમને સાચી અંજલિ

Wednesday 11th October 2023 07:41 EDT
 
 

બાદલ લખલાણી
2 ઓક્ટોબર 2023એ ગાંધીજીની 154મી જયંતી નિમિત્તે ગુજરાત સમાચાર દ્વારા ખાસ ઝૂમ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સમાચારના એડિટર ઇન ચીફ સી.બી. પટેલ અને વિદેશમાં વસતા ભારતીયો મોટાપ્રમાણમાં જોડાયા હતા. ગુજરાત સમાચાર દ્વારા યોજાયેલી ઝૂમ ઇવેન્ટ દ્વારા હાજર સૌકોઈએ ગાંધીજી, તેમનાં જીવનમૂલ્યો અને તેમના જીવનના યાદગાર પ્રસંગોને યાદ કર્યા હતા.
કાર્યક્રમનું સંચાલન કરતાં જ્યોત્સનાબહેન શાહે ગાંધીજી અંગેની આ ઇવેન્ટમાં સૌકોઈનું સ્વાગત કરવાની સાથે ગાંધીજીના પ્રેરકજીવનને અંજલિ આપી હતી. જ્યોત્સનાબહેન શાહે પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને પણ યાદ કર્યા હતા અને હાજર સૌકોઈને તેમને પણ પ્રાર્થનારૂપી અંજલિ આપી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં ભારતીય વિદ્યાભવન–લંડનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. મટ્ટુર નંદકુમારા દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. જે બાદ જ્યોત્સનાબહેન શાહ દ્વારા ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃતિના સંવર્ધન માટે એવોર્ડ આપવામાં આવ્યો છે તેવાં માયાબહેન દીપકને તેમના સૂરીલા કંઠે પ્રાર્થના કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યાં હતાં.
માયાબહેન દીપક દ્વારા હાજર સૌકોઈનો આભાર માની ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ ભજનનો રસાસ્વાદ કરાવવામાં આવ્યો હતો. જે બાદ ‘દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ’ ગીત લલકાર્યું હતું.
સી.બી. પટેલ, એડિટર ઇન ચીફ, એબીપીએલ ગ્રુપ
સી.બી. પટેલે હાજર સૌકોઈનો આભાર માનતાં કહ્યું હતું કે, આજના જમાનામાં આપણે ઇચ્છતા હતા કે ગાંધીજી દ્વારા આહુતિ આપ્યા બાદ માનવ માત્ર માનવ રહેશે. જો કે કમનસીબે અલગતાવાદ, હિંસક મનોવૃત્તિ અને નર્યો નિતર્યો સ્વાર્થ માણસને રાક્ષસ બનાવી રહ્યા છે. બ્રિટનમાં ગત સપ્તાહે એક ઘોર અપરાધ થયો, એ બદલ એક બ્રિટિશ નાગરિક તરીકે હું શરમ અને સંકોચ અનુભવું છું અને લોકોની ક્ષમા માગું છું. હાઇ કમિશનને મેં કહ્યું કે આ શોભતું નથી. જો કે તેમણે પણ ગરિમા રાખીને કામ કર્યું છે.
આજે આ જમાનામાં હકની વાત કરીએ છીએ પણ ફરજની વાત કોઈ કરતું નથી. ગાંધીજીનાં 11 મહાવ્રત જ્યારથી ભગવાન ભૂલી ગયો છે. હું મહાત્માને ભગવાન બનાવતો નથી, પરંતુ મહાત્માને યાદ કરીને આગળ ધપવા માટે કંઈક મને પ્રાપ્ત થાય તે પ્રાર્થના કરું છું. જય ભારત સાથે આભાર.
જગદીશ દવે, પૂર્વ ચેરમેન, મહાત્મા ગાંધી ફાઉન્ડેશન
ગુજરાતી ભાષા શિક્ષણના હિમાયતી અને મહાત્મા ગાંધી ફાઉન્ડેશનના પૂર્વ ચેરમેન જગદીશ દવેએ કાર્યક્રમમાં હાજર સૌકોઈનો આભાર વ્યક્ત કર્યો હતો. જગદીશભાઈએ કહ્યું કે, ગાંધીજી વિશેનાં અનેક પાસાં છે, દરેક પાસાં પર સ્વતંત્ર વ્યાખ્યાન થાય પણ હું માત્ર બેરિસ્ટર ગાંધી કેવી રીતે સત્યાગ્રહી ગાંધી થયા તેની જ વાત કરીશ. ગુજરાત સમાચારમાં સૌપ્રથમ આ વાત પ્રગટ થઈ હતી ‘બેરિસ્ટર ગાંધીમાંથી સત્યાગ્રહી ગાંધી’. લેખમાં લખ્યું છે કે 24 વર્ષનો એક નવયુવાન અંગ્રેજી વેશભૂષામાં ડર્બનથી જોહાનિસબર્ગ જવા નીકળ્યો છે. પાંચથી છ વર્ષ પહેલાં લંડનથી બેરિસ્ટરની ઉપાધિ મેળવ્યા બાદ ભારતમાં વકીલાતની સરખાઈ ન આવતાં ડર્બન આવે છે. ડર્બનથી ટ્રેન પિટરમેરિઝબર્ગ સ્ટેશને ઊભી રહે છે. પ્રથમ વર્ગના ડબામાં બેઠેલા એ ભારતીયને ત્રીજા વર્ગના ડબામાં જતા રહેવા ગોરા અધિકારીએ આદેશ કર્યો હતો. પોતાની પાસે પ્રથમ વર્ગની ટિકિટ હોવા છતાં આ પ્રકારે કહેવાતાં તેણે ઉતરવાનો ઇનકાર કર્યો, જેથી તેને ધક્કો મારીને નીચે ઉતારી દેવામાં આવ્યો હતો અને સામાન ફેંકી દેવામાં આવ્યો. શિયાળાની કડકડતી ઠંડી રાત્રે તદ્દન અપરિચિત ભૂમિમાં અસહાય સ્થિતિમાં તે આવી પડે છે, આ વ્યક્તિ તે મિસ્ટર ગાંધી. આ એક ધક્કો લાગતાં તેની જે પ્રતિક્રિયાઓ શરૂ થઈ તેનાથી બ્રિટિશ સામ્રાજ્યને અનેક ધક્કાઓ ખમવા પડ્યા.
 પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, વરિષ્ઠ પત્રકાર
પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ ગાંધીજયંતી નિમિત્તે કહ્યું કે, મહાત્મા ગાંધીને જેમણે ઘડ્યા તેવા સ્થાનવિશેષની વાત કરવી છે. મહાપુરુષ ઘડાય છે કઈ રીતે? કોઈ સ્થાન તેને ઘડે છે તેઓ તે સ્થાનને ઘડે છે? મને લાગે છે કે દરેક વ્યક્તિની સાથે જેમ તેના વિચારો - સંઘર્ષો, તેની આત્મદૃઢતા જોડાયેલાં હોય છે, તેવી જ રીતે સ્થાનવિશેષનું પણ મહત્ત્વ છે. ગાંધી જન્મ્યા પોરબંદરમાં, અભ્યાસ થયો રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં, અભ્યાસમાં તેઓ નબળા હતા તેવું કહેવામાં આવે છે. બાદમાં મુંબઈ અને ત્યાંથી લંડન, દક્ષિણ આફ્રિકા અને ફરી ભારત. દક્ષિણ આફ્રિકામાં જેમ પિટરમેરિઝબર્ગ સ્ટેશને ફેંકી દેવામાં આવ્યા ત્યારે આ દીન-દુર્બળ વકીલ કડકડતી ઠંડીમાં એટલું જ વિચારતો હશે કે, જે રીતે તે મને બહાર ફેંકી દીધો છે, એવી જ રીતે હું મારા દેશમાંથી તમામ અંગ્રેજોને ફેંકી દઈશ; અને તે તેમણે કર્યું. ત્યાંથી તેમને નિમિત્તરૂપે મળ્યો સત્યાગ્રહ. સત્યાગ્રહ માટેનો પ્રથમ આશ્રમ સાબરમતી નહીં ફિનિક્સ આશ્રમ છે. તેમણે ત્યાં એક સ્પર્ધા રાખી જેમાં તેમના આંદોલન માટે કયો શબ્દ વાપરવો જોઈએ તે અંગે લોકોના મત લીધા. જેમાં એક સદાગ્રહ શબ્દનો ઉલ્લેખ થયો. જેની સામે ગાંધીજીને થયું કે સદાગ્રહના બદલે સત્યાગ્રહ શબ્દ વાપરવો જોઈએ, આમ ત્યાંથી સમગ્ર દુનિયાને એક નવો રસ્તો મળ્યો - સત્યાગ્રહ.
ઉષાબહેન ઉપાધ્યાય, લેખિકા
ઉષાબહેન ઉપાધ્યાયે જણાવ્યું કે, ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ ભજનમાં જે સનાતન વાત નરસિંહ મહેતાએ કરી છે, એ જ વાત ગાંધીજીનાં 11 મહાવ્રતમાં પણ છે. નરસિંહ મહેતાએ પણ કહેવું પડ્યું હતું કે, સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવો, ચોરી ન કરવી અને ગાંધીજીનું પણ આમ જ કહેવું હતું. આજે આપણે એઆઇથી દુનિયા જીતવા નીકળ્યા છીએ પણ વક્રતા એ છે કે ગાંધીચિંધ્યા માર્ગે આપણે આપણા અંતરને જીતી શક્યા નથી. જે અત્યાચાર અને ઘટના ચારેતરફ જોઈએ છીએ. ગાંધીજીએ માનવતાનો જે મહિમા કર્યો છે તે સંવેદનશીલતા વગર શક્ય નથી. ગાંધીજીની સંવેદનશીલતા, નાની વ્યક્તિની જે ચિંતા છે તેને આપણે અકબંધ રાખી શકીએ અને દુઃખી, વંચિત, ત્રાહિતો માટે નાનું કામ પણ કરી શકીએ તો જ ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાય.
રશ્મિબહેન બેન્ગાની, સેક્રેટરી, જૈન વિશ્વભારતી
જૈન ધર્મના સિદ્ધાંતો કે જેને આપણે સમર્થન આપીએ છીએ, જેમ કે કરુણા, નમ્રતા અને અહિંસા. તે તમામને બાપુએ તેમના સમગ્ર જીવન દરમિયાન તેમના જીવનમાં સ્થાન આપ્યું છે. તેમના જીવનની શરૂઆતમાં તેઓ બે કે ત્રણ લોકોથી ખૂબ જ પ્રેરિત હતા અને તેમાંથી એક શ્રીમદ રાજચંદ્રજી છે. બધા જાણે છે તેમ તેમણે શાકાહાર અપનાવ્યો. જૈન ધર્મમાં આપણે નાનામાં નાના જીવને પણ નુકસાન પહોંચાડવામાં માનતા નથી. વૈજ્ઞાનિક સંશોધનો પણ કહે છે કે શાકાહારનું પાલન કરવાથી સ્વાસ્થ્યમાં ફાયદો થાય છે. ગાંધીજીએ સરળ જીવનશૈલી અપનાવી હતી. ઘણા જૈન સાધુ પાસે જરૂરી કપડાં અને ખાવાનાં વાસણો સિવાય એક કે બે વસ્તુઓ ભાગ્યે જ હોય છે, ગાંધીજી પાસે પણ માત્ર તેમની ધોતી હતી અને તેમનાં કપડાં બનાવવા માટે ચરખાને કાંતતા હતા. તેમણે અપનાવેલો સફેદ રંગ શુદ્ધતા દર્શાવે છે, જેને જૈન સાધુઓ દ્વારા પણ પહેરવામાં આવે છે. ગાંધીજી સત્યના સિદ્ધાંતને આજીવન વળગી રહ્યા હતા. અંગ્રેજોના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તેઓ સત્યાગ્રહને વળગી રહ્યા.
યશુબહેન પટેલ, માંધાતા સમાજના પ્રતિનિધિ
યશુબહેને ગાંધીજીના જીવનકવન વિશે જણાવ્યું કે, ગાંધીબાપુ એક પુણ્ય પુરુષ, જેમનાં પગલાંથી ભારતવાસીઓની કિસ્મત બદલી હતી. જેમના સમયમાં ક્યારેય સૂર્ય અસ્ત થાય નહીં તેમ કહેવાતું તેવા અંગ્રેજો પણ બિસ્તરાં-પોટલાં બાંધીને ભાગી ગયા. એ વન મેન આર્મી પાસે જે તાકાત હતી તેનાથી આપણે સહુ અવગત થયા. 12 માર્ચે 1930ના રોજ દાંડીકૂચનો પ્રારંભ કર્યા બાદ બાપુએ 6 એપ્રિલે જ્યારે દાંડીમાં મીઠાનો કાયદો ભંગ કર્યો ત્યારે કાંઠા વિસ્તારના લોકો આનંદિત થઈ ગયા હતા. હિંસાનો માર્ગ બાપુના મનમાં પણ નહોતો અને તેઓ જેલમાં ગયા. સત્યાગ્રહનો આ પ્રથમ વિજય હતો.
કોકિલાબહેન પટેલ, કન્સલ્ટિંગ એડિટર, ગુજરાત સમાચાર
કોકિલાબહેન પટેલે ગાંધીજીની યાદો તાજા કરતાં જણાવ્યું કે, માર્ટિન લ્યૂથર કિંગ અને નેલ્સન મંડેલા પ્રખર હિમાયતી હતા. માર્ટિન લ્યૂથર કિંગે અમેરિકામાં અશ્વેતો સાથે થઈ રહેલા અન્યાયને દૂર કરવા માટે અહિંસાત્મક આંદોલન કર્યું હતું. દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલાએ પણ રંગભેદ સામે ગાંધીચિંધ્યા માર્ગે લડત આદરી હતી. ગાંધીજીએ સત્યની શોધમાં તેમનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું એટલા માટે જ તેમણે તેમની જીવનકથનીનું નામ સત્યના પ્રયોગો આપ્યું હતું. ગાંધીજીએ આજીવન જે વિચારો રજૂ કર્યા છે અને પોતાનું જીવન જે રીતે વ્યતીત કર્યું છે તે સૌ માટે દૃષ્ટાંતરૂપ છે. ગાંધીજીના 10 અમૂલ્ય વિચાર જીવન જીવવાની ચાવીરૂપ છે.
પૂજાબહેન રાવલ, બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
ગાંધીજયંતીની શુભકામના આપતાં પૂજાબહેન રાવલે સંબોધન કરતાં જણાવ્યું છે કે, ગાંધીજીના પંચામૃતમાંથી એક પંક્તિ કહેવા માગું છું, ‘હું જ્ઞાનીને અત્યંત પ્રિય છું અને જ્ઞાની મને પ્રિય છે.’ ગુજરાત સમાચાર 51મા વર્ષમાં પ્રવેશ કર્યો છે, તે અમારા વાંચકોના સહકાર વિના અધૂરો હતો. અમને વાંચકો દ્વારા 12 મહિનાથી સૂચન સાથે અનુરોધ મળી રહ્યા છે કે, હાલમાં જે પ્રિન્ટિંગ, પોસ્ટિંગ અને પેપર સહિત તમામ વસ્તુમાં ભાવવધારો થઈ રહ્યો છે, તે જોતાં ગુજરાત સમાચારના લવાજમમાં વધારો કરવાની જરૂર છે. વાંચકોની લાગણીને માન આપવાની સાથે અમે વધુ સારી સેવા આપી શકીએ તે માટે 1 ઓક્ટોબરથી ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના લવાજમમાં વધારો કરવા જઈ રહ્યા છીએ. જૂનાં લવાજમના જૂના ભાવનો લાભ લેવા આપ સૌને વિનંતી, સાથે આ લાભ લેવા સગાંવહાલાં, પ્રિયજન અને મિત્રોને પણ જાણ કરો. અમે નવેમ્બરમાં દિવાળી અંક પણ પ્રકાશિત કરી રહ્યા છીએ.
મહેશભાઈ લીલોરિયા, ગ્રૂપ એડિટર
ગુજરાત સમાચારના ગ્રૂપ એડિટર મહેશભાઈ લીલોરિયાએ કહ્યું કે, અમારા માર્ગદર્શક સી.બી. પટેલનો ખાસ આભાર માનું છું, સાથે હાજર રહેલા તમામનો આભાર માનું છું. પૂજાબહેને પણ બહુ અગત્યની વાત કરી. અમે એ જ ગુણવત્તા સતત આપવા માગીએ છીએ, પરંતુ આપ સૌનો થોડો સાથસહકાર મળે તો અમે વધારે સારી રીતે આગળ વધી શકીએ છીએ. ગાંધીજયંતી પર પ્રણ કરીએ ‘સમગ્ર વિશ્વને એક સારી જગ્યા બનાવવા માટે ગાંધીજીના વિચારોનો અમલ કરીએ.’


comments powered by Disqus