શનિવાર ૭ ઓક્ટોબર ૨૩ના રોજ જૈન નેટવર્કના નેજા હેઠળ પરંપરાગત ચૈત્ય પરિપાટીના ભાગરૂપે પોટર્સબાર દેરાસર અને લેસ્ટરના દેરાસરની કોચ યાત્રાનું આયોજન શ્રી શશીભાઇ-ભારતીબહેન શાહ અને બિપીનભાઇ શાહની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું.
સૌ પ્રથમ પોટર્સબાર દેરાસર ગયા જ્યાં સંઘનું (યાત્રિકો) ભવ્ય સ્વાગત ધાર્મિક કમિટીના સક્રિય સભ્યો અને ધાર્મિક વિધિકાર શ્રી જયેશભાઇ શાહે કર્યું અને ચૈત્યવંદન સહિત અન્ય વિધિ ખૂબ ભાવપૂર્વક કરાવી હતી. ત્યાંથી લેસ્ટર ગયા જ્યાં જૈન સમાજ યુરોપ, લેસ્ટરના પ્રમુખ શ્રીમતી ઉષાબહેન રજનીભાઇ મહેતા (જેઓ વર્ષીતપ અને અઠ્ઠાઈ તપ) અને ધાર્મિક વિધિકાર શ્રી હિતેશભાઇ શાહે અન્ય અગ્રણીઓ સહ લંડનના સંઘનું હાર્દિક સ્વાગત કર્યું હતું. ત્યાં હાજર સૌ કોઇએ સેવા-પૂજા અને ભક્તિનો હર્ષોલ્લાસભેર લાભ લીધો. એ જ દિવસે માંચેસ્ટરથી પણ એક કોચ ભાવિકોને લઇ આવ્યો હતો. પધારેલ મહેમાનોને લેસ્ટર સમાજ, યુરોપના સેવાભાવી બહેનોએ બનાવેલ ગરમાગરમ-જૈન ભોજન ભાવભેર પીરસી તેમની સેવાભાવનાનો સાક્ષાત્કાર કરાવ્યો. આ પ્રસંગે પ્લાસ્ટિકની પ્લેટોના સ્થાને સ્ટીલની થાળીઓનો ઉપયોગ કરી પર્યાવરણનો ખ્યાલ રાખવાનું પગલું સ્તુત્ય હતું. જમણ અને ભક્તિ કર્યા બાદ લેસ્ટરના બેલગ્રેવ રોડની મુલાકાત લઇ કોચ લંડન તરફ જવા રવાના થયો. સૌ માટે એ યાત્રા યાદગાર બની રહી.
બીજા દિવસે રવિવાર લેસ્ટર સમાજે પ્રીતિભોજનનું આયોજન કર્યું હતું અને લંડનથી શ્રી મહાવીર ફાઉન્ડેશન તરફથી ત્રણ કોચીસ ગઇ હતી. સ્થાનિક અને પધારેલ મહેમાનો મળી કુલ્લે ૬૦૦ જેટલા જૈનોએ પ્રીતિભોજનનો અને ભક્તિનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

