સામાન્ય રીતે પર્યુષણ પર્વ બાદ જૈન સમાજમાં સ્વામિ વાત્સલ્ય (પ્રીતિ ભોજન) ની અને ચૈત્ય પરિપાટી (જૈન દેરાસરોની યાત્રા)પરંપરા સદીઓથી ચાલી આવે છે. સમાજના વહિવટીય ખર્ચ અને અન્ય ચેરિટીઓ-જરૂરતમંદો અને જીવદયા માટે લોકો દાનની સરવાણી વહેવડાવે છે. એ સાથે જ અન્ય સંસ્થાઓના સભ્યો સાથેના સંબંધો વધુ મૈત્રીભર્યા બાંધવાનો અવસર પ્રાપ્ત થાય છે.
નવનાત વણિક એસોસિએશન તરફથી દર વર્ષે પ્રીતિભોજનનો સફળ કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે રવિવાર ૧ ઓક્ટોબરના રોજ પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સદ્નસીબે સૂર્યદેવની મહેરબાની હતી. ૧૫૦૦ જેટલા નવનાતીઓએ સ્વાદિષ્ટ ભોજનનો લાભ લઇ એકબીજાને હળવા-મળવાનો આનંદ માણ્યો હતો.
નવનાતના પ્રીતિ ભોજનની ઇવેન્ટ ખૂબ જ લોકપ્રિય છે. એ સાથે પડકાર પણ છે. આટલા બધા ભાઇ-બહેનોની પાર્કીંગની સગવડથી લઇ હાજર રહેલાઓમાં ડીસેબલ માટેની સુવિધા, દરેકને પ્રેમથી પીરસવા-જમાડવાની વ્યવસ્થા અને ખર્ચ સહિત હોલની સ્વચ્છતા વગેરે અનેક બાબતોનો ખ્યાલ રાખવા જેવી અનેક બાબતોની વ્યવસ્થામાં ૧૫૦ થી વધુ સ્વયંસેવકોએ ખડા પગે સેવા આપી હતી.
આ વર્ષે લેંગ્લી બેનક્વેટીંગ તરફથી કિફાયત ભાવે કેટરીંગ હતું જેની પ્રશંસા સૌ કોઇએ કરી હતી. પ્રથમ વખત ‘ઝીરો પ્લાસ્ટીક’ને લક્ષમાં રાખી લંચ કોમ્પોસ્ટેબલ પ્લેટ્સમાં આપવાનો નિર્ણય લેવાનું મોટું પગલું ભર્યું હતું.
“સેવા પરમો ધર્મ’નો મંત્ર હૈયે રાખી સેવા સાદર કરનાર સૌ કોઇની અનુમોદના. બાળકોને પણ ખાસ ગીફ્ટ વાઉચર ઉદારમના દાતાઓ તરફથી સાદર કરાયા હતા. નવનાતના પ્રેસિડેન્ટ શ્રી દિલિપભાઇ મીઠાણીના નેતૃત્વ અને કમિટીના ભાઇ-બહેનોના સાથ-સહકાર માટે સૌને અભિનંદન. પ્રીતિભોજનના કન્વીનરો ઇલાબહેન શાહ, નીતિનભાઇ એમ.મહેતા અને કેવીન મીઠાણી વહિવટીય કુશળતા માટે ધન્યવાદને પાત્ર છે.

