ભારતમાં છેલ્લા કેટલાક સમયથી વિપક્ષ દ્વારા આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે સત્તાધારી ભાજપ સરકાર કેટલાંક ગણતરીના ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ હાઉસની તરફેણમાં કામ કરી રહી છે. ભારત સરકાર અર્થતંત્રને વેગ આપવા ઘણા સેક્ટરમાં ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે પરંતુ ખાનગીકરણની આ પ્રક્રિયામાં ગણતરીના બિઝનેસ ટાયકૂન અને બિઝનેસ હાઉસને જ સામેલ કરાઇ રહ્યાં હોવાથી ભારતીય અર્થતંત્ર પર તેમનું પ્રભુત્વ વધી રહ્યું છે જે દેશના ભવિષ્ય માટે ભયજનક બની શકે છે. આજે સ્થિતિ એ છે કે દેશની 20 મોટી કંપની દેશના અર્થતંત્ર દ્વારા ઉપાર્જિત કુલ નફાનો 80 ટકા હિસ્સો પ્રાપ્ત કરી રહી છે. 10 વર્ષ પહેલાં આ હિસ્સો ફક્ત 40 ટકા હતો. તેનો અર્થ એ થયો કે દેશના ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિઓ વધુ અમીર બની રહ્યાં છે જ્યારે 140 કરોડની વસતીનો બહુલ હિસ્સો ફક્ત 20 ટકા નફા પર જીવી રહ્યો છે. આ ગુણોત્તરના કારણે ભારતમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઇ વધુ પહોળી બની રહી છે. 2014ની સંસદની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સબકા સાથ સબકા વિકાસના નારા પર સવાર થઇને નવી દિલ્હીની ગાદી પર બિરાજમાન થયા હતા. 2024માં મોદી સરકારના શાસનને 10 વર્ષ પૂરાં થઇ રહ્યાં છે ત્યારે એમ લાગી રહ્યું છે કે સબકા સાથ સબકા વિકાસનો નારો ફક્ત એક જુમલો હતો. દિલ્હીની ગાદી પર બિરાજમાન થનારી કોઇપણ પાર્ટીની સરકારે એ વાત ગંભીરતાથી લેવી પડશે કે દેશના છેવાડાનો માનવી અર્થતંત્રના નફામાં સમાન હિસ્સેદાર નહીં બને ત્યાં સુધી ભારતનો સર્વાંગી વિકાસ થઇ શકશે નહીં. 21મી સદીમાં કરોડો લોકોને ગરીબીમાંથી બહાર લાવવા માટે ભારતીય અર્થતંત્રનો ઝડપી વિકાસ આવશ્યક બની ગયો છે. હાલ આઇએમએફ દ્વારા વર્ષ 2023 માટે ભારતનો વિકાસદર 6.1 ટકા આંકવામાં આવી રહ્યો છે પરંતુ તે પુરતો નથી. કરોડો લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવા માટે ભારત માટે 8 થી 9 ટકાનો વિકાસદર જરૂરી બની ગયો છે. વિકાસદરમાં વૃદ્ધિની સાથે સાથે વિકાસના ફળ ફક્ત ગણતરીના લોકો સુધી મર્યાદિત ન રહે તે બાબત સરકારે સુનિશ્ચિત કરવી પડશે. ગરીબોને ફક્ત મફત અનાજ આપીને ગરીબી રેખાની ઉપર લાવી શકાશે નહીં પરંતુ તેમને વિકાસયાત્રામાં સામેલ કરવા પડશે જેથી દેશની માથાદીઠ આવકમાં વધારો કરી શકાય.
