તારીખ ભલે 12 ઓકટોબરની હતી, પણ તિથી આશ્વિન શુક્લ નવમીની હતી. ગુજરાત અને દેશ આખામાં નવરાત્રીની ઉજવણી થઈ રહી હતી, ને સમાચાર આવ્યા કે ડો.રામમનોહર લોહિયાએ આંખો મિચી લીધી. દિલ્હીની હોસ્પિટલમાં તેમનું મૃત્યુ 1967ની બારમી ઓકટોબરે થયું, ત્યારે તેમની સેવામાં રમા મિત્ર હતાં, પછીથી તેમણે એક લેખ લખ્યો કે ડોક્ટરોની બેદરકારીથી તે અવસાન પામ્યા. ડોક્ટરોનો જમેલો તો હતો, કેમ કે લોહિયા સાર્વજનિક જીવનનું મોટું વ્યક્તિત્વ હતા,સ્વતંત્રતા પછીની જિંદગીના શેષ વર્ષો -બરાબર આઝાદી પહેલા અંગ્રેજોની સામે લડ્યા તેજ રીતે- પોતાના ભુતપૂર્વ સંગી-સાથીઓની સામે, મુખ્યત્વે જવાહરલાલ અને તેમની નીતિઓ સામે, લડ્યા. આંદોલનો કર્યા. ગોવા સત્યાગ્રહમાં ભાગ લીધો. ચીની આક્રમણને જવાબ આપવામાં સાંસ્કૃતિક ચેતનાનો ઉમેરો કર્યો. નેફા વિસ્તારને અરુણાચલ નામ આપ્યું. હિમાલય બચાવ સમ્મેલનો કર્યા. તિબેટ માટે અવાજ ઉઠાવ્યો. રામાયણ મેળા શરૂ કર્યા. અને 1967માં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની સાથે “ભારત-પાકિસ્તાન એકતા સંઘ” ની યોજના જાહેર કરી.
આવો તેજતોખાર માણસ તો લોકસભામાં 1942થી જ હોવો જોઈતો હતો. પીએન છેક 1963ના મે મહિનામાં જીતીને “લોકસભામાં લોહિયા” ની ઉક્તિ સર્જી. આ આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વમાં સંઘર્ષ અને સંવાદ બંનેની સૂઝ હતી, દર્શન હતું. એટ્લે તો આનંદ ભવનમાં નેહરૂ પરિવારમાં સક્રિય રહેલા લોહિયા સમાધાનકારી ના થઈ શક્ય, જેવુ તેમના બીજા સાથીદારો અને હવે શિષ્યો કરી રહ્યા છે. કમલાદેવી ચટ્ટોપાધ્યાયે લખ્યું છે કે તેમને સમજવા બહુ અઘરા છે, અને તેમના વિચારોને ક્રિયાન્વિત બનાવનારા સમર્પિત સાથીદારો જ ન મળ્યા. વાત એક્દમ સાચી હતી. ગાંધીજીને તે અત્યંત ચાહતા, પણ ભારત વિભાજન નક્કી કરનારી કારોબારીમાં તેમણે જોયું કે બધા કુંઠિત હતાં. ભાગલા સામેની લડાઈ ગાંધીએ કરવી જોઈતી હતી, અમેરીકામાં લિંકને એવું વિભાજન અટકાવવાનું કામ કર્યું હતું.
ગાંધી તે કરી ના શક્યા. થોડાક વર્ષો પછી સમાજવાદી એકતા માટે સંકલ્પબદ્ધ લોહિયાએ દુખપૂર્વક કહ્યું :”એવું તો નથીને કે હું મરેલા ઘોડાને , તેને દોડાવવા માટે, ચાબુક ફટકારી રહ્યો છુ!”
ચીની ઈરાદાઓને તે 1959થી જ જાણી ગયા હતાં. તિબેટ પરનો ચીની હુમલો “શિશુ હત્યા” જેવો ગણાવ્યો હતો. સ્ટેલિનની પુત્રી સ્વેતલાના રશિયન સરમુખત્યાર પિતાના પડછાયાથી દૂર ચાલી જવા ભારત આવી હતી, પણ સરકારે રશિયા સાથેની મૈત્રીમાં તેવું કરવા તૈયાર નહોતી. લોહિયા ત્યારે રોષપૂર્વક બોલ્યા હતા,”શું વોલ્ગા નદીની પુત્રીને ગંગાનો વિસામો ના મળે એટલા આપણે ડરપોક બની ગયા છીએ? “ લોહિયા ભારત વિભાજનથી સૌથી દુખી રાજનેતા હતાં. મૌલાના આઝાદના “ઈન્ડિયા વીન્સ ધ ફ્રીડમ”નો તીખો પણ તર્ક અને સંદર્ભ સાથેનો જવાબ “ગિલ્ટી મેન ઓફ ફોર્ટિસેવન “માં આપ્યો તે સાવ નાનકડી પુસ્તિકા આજે પણ ભારતના ભાગલા વિષેની ગંભીર સામગ્રી પૂરી પાડે છે. તત્કાલિન સામ્યવાદીઓએ તેમને માટે “સોશિયલ ફાસિસ્ટ” નો સિક્કો લગાવી દીધો. કોંગ્રેસમાં સમાજવાદ એ પણ રોચક અધ્યાય છે. તે બધાથી જુદા પડે તેવું સાહસ તો લોહિયા જ કરી શકે. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફોજ રચીને પૂર્વોત્તર ભારતમાં ઇંફાલ સુધી આવી પહોંચ્યા ત્યારે તેમને મળવા જવાની ઈચ્છા લોહિયાએ રાખી હતી, દુર્ભાગ્યે તે શક્ય ના બન્યું અને વિશ્વયુદ્ધનો તખ્તો બદલાઈ ગયો.
ઓગસ્ટ આંદોલનમાં લોહિયા જયપ્રકાશ ભૂગર્ભવાસી હતાં. 9મી ઓગસ્ટ, 1`942થી 20 મે, 1944 સુધી એ ભૂગર્ભમાં રહ્યા. નેપાળમાં અચાનક પકડાઈ જવાની ક્ષણ આવી તો પોલીસ અફસરને કહ્યું: “અરે ભાઈ, નેપાળ તો સ્વતંત્ર છે, હિન્દુ રાજ્ય છે. આખી દુનિયાનું એકમાત્ર ક્ષત્રિય રાજ ગણાય. તમારે ત્યાં જો અમે સુરક્ષિત ના હોઈએ તો ક્યાં જઈએ? “ પોલીસ અફસર તો મણિ ગયો પણ બ્રિટિશ પોલીસ આવીને પકડી ગઈ. કાઠમ્ંડુથી થોડે દૂર ભગવાનનગર જેલમાં તેમણે રાખવામા આવ્યા, ત્યાં જયપ્રકાશ પણ કેદી હતા. અને ભાગી છૂટવામાં સફળ થયા. વળી મુંબઈમાં પકડાયા, ત્યાં બેહદ ત્રાસ વર્તાવવામાં આવતો હતો. જેલ સુપ્રિટેન્ડેન્ટ કહેતો, “તમને ખબર છે કે મને ભગતસિંહ જેવા ક્રાંતિકારીને ઠીક રાખવા માટે સરકારે ત્યાં નિયુક્ત કર્યો હતો?” 1945 ના અંત સુધીમાં દેશવ્યાપી સૌને છોડી દેવાયા પણ લોહીયા-જયપ્રકાશને નહિ! બંને આગરાની જેલમાં હતાં. 11 એપ્રિલ, 1946ના જેવા છૂટયા કે ગોવા-મુક્તિ સત્યાગ્રહ માટે ઉપડ્યા, વળી ધરપકડ, જેલ અને જુલમ! ગોવાની મહિલાઓએ તેમના વિષે એક લોકગીત રચ્યું હતું:
પહેલી માઝી ઓવી,
પાહિલે માઝે ફૂલ,
ભક્તિ ને અર્પિત
લોહિયાના !
લોહિયા માટે સદાસર્વદા જંગ નિશ્ચિત હતો, વડાપ્રધાનના શ્વાનની પાછળ જેટલો ખર્ચ થાય છે એટલી આવક ગરીબોની નથી. બે આના, ચાર આના, રૂપિયાની ચર્ચા લોહિયાના કારણે શક્ય બની અને 1967માં બિનકોંગ્રેસવાદને તેમણે જન્મ આપ્યો, છેક પંજાબથી મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સુધી તેવી રાજકીય જાગૃતિ ફેલાઈ ગઈ. 1977માં તેમના ભુતપૂર્વ સાથી જયપ્રકાશે મૂર્તિમંત કર્યો.
ફિલસૂફ રાજકારણી હતાં તે. તેમનું એ જાણીતું વિધાન છે, “ધર્મ એ દીર્ઘકાલીન રાજનીતિ છે, રાજનીતિ એ અલ્પકાલિન ડીએચઆરએમ છે. હે માતા, અમોને શિવ જેવુ મસ્તક આપો, કૃષ્ણ સરખુ હ્રદય અને રામનું કર્મ પ્રદાન કરો...અસીમ મસ્તક અને ઉન્મુક્ત હ્રદયની સાથોસાથ જીવનની મર્યાદાથી બાંધી આપો..
તેમણે કદી પોતાનો જન્મદિવસ ઉજવ્યો નહિ, કારણ કે તે 23 માર્ચે જન્મ્યા હતાં, જે દિવસ ભગતસિંહ અને સાથીદારોનો ફાંસી-દિવસ હતો. એક અનોખુ સ્મરણ તેમના જીવન દર્શન અને ઇતિહાસની ઓળખ આપે છે. 1965ના દિવસો હતાં,લોહિયા સુરેન્દ્રનગર આવેલા. નાની સરખી સભા થઈ. જેમને ત્યાં ઉતારો હતો ત્યાં મળવાનું થયું. એક કોલેજનો છાત્ર અને સામે ભારતીય રાજનીતિના ધુરંધર ચિંતકપુરુષ! છતાં વાતો તો થઈ. તેમણે એક સવાલ પૂછયોઃ મીરા મેડતાથી દ્વારિકા ક્યા રસ્તે ગઈ હતી? એકવાર ઈચ્છા છે કે તે રસ્તે યાત્રા કરી લઉં!

