ગયા સપ્તાહમાં માન્ચેસ્ટર ખાતે કન્ઝર્વેટિવ પાર્ટીની સંસદની ચૂંટણી પહેલાની છેલ્લી કોન્ફરન્સ યોજાઇ ગઇ. મતદારોમાં લેબર પાર્ટીના વધી રહેલા પ્રભુત્વને ખાળવા વડાપ્રધાન રિશી સુનાક દ્વારા કેટલાંક કઠોર તો કેટલાંક મજબૂત ભાવિ તરફ દોરી જતાં સુધારા જાહેર કરાયાં. સુનાક માટે રાત ઓછી ને વેશ ઝાઝા જેવી સ્થિતિ છે. 2024માં સંસદની ચૂંટણી આડે હવે થોડાં મહિના રહ્યાં છે ત્યારે સુનાક આણિ મંડળી પર મતદારોને પોતાની તરફે કરવાનો બોજો પણ વધી રહ્યો છે. મોંઘવારીથી ત્રસ્ત જનતા અને અસંતુષ્ટ ટોરી નેતાઓ-કાર્યકરો એમ બેવડા પડકારો સામે સુનાક સરકાર લડવા પ્રયત્નશીલ છે. સુનાક દ્વારા તાજેતરના સપ્તાહોમાં અગાઉ પોતે જાહેર કરેલા નિર્ણયોમાં પીછેહઠની ઘોષણા કરાઇ રહી છે. નેટ ઝીરો લક્ષ્યાંક હાંસલ કરવાની દિશાના પગલાં ફેરવી તોળાયાં છે તો એચએસટુ રેલ લિન્કનો મહાકાય ખર્ચાળ પ્રોજેક્ટ પડતો મૂકાયો છે. કરવેરાના બોજા તળે દટાયેલી જનતાને સુનાક એવું પ્રતિત કરાવવા પ્રયત્નશીલ છે કે તેમના નિર્ણયો દેશને મજબૂત ભાવિ તરફ દોરી જશે. એમાં બેમત નથી કે સુનાક દ્વારા થતી જાહેરાતોના પરિણામો લાંબાગાળે દેખાશે પરંતુ સંસદની ચૂંટણી આડે રહેલા થોડા જ મહિનામાં કેવા અને કેટલાં પરિણામ સામે આવશે તે કોઇ કહી શકે તેમ નથી. આમ કહી શકાય કે વડાપ્રધાન સમય સામે ટક્કર ઝીલી રહ્યાં છે. તેમણે ટોરીઝની ઘટેલી લોકપ્રિયતાના ગ્રાફને ઊંચો લાવવા ભરપૂર પ્રયાસ કરવો પડશે. ફુગાવો, મોંઘવારી, ઇંધણ - વીજળીના તોતિંગ બિલ, ઊંચો આવકવેરો, મસમોટા મોર્ગેજ બિલ જેવી સમસ્યા બ્રિટિશ પરિવારોના ખિસ્સાં ખાલી કરી રહી છે. આ સમસ્યા તો મોટો પડકાર છે જ પરંતુ સાથે સાથે પાર્ટીમાં જ અસંતુષ્ટોની વધી રહેલી સંખ્યા પણ સુનાક માટે પડકાર સર્જી રહી છે. આ અસંતુષ્ટ બેક બેન્ચર્સ સંસદમાં મહત્વના નિર્ણયો પસાર કરાવવામાં આડખીલીરૂપ બની શકે છે. સુનાકે હવે સમય સામે લડવાનું છે. ઓછા સમયમાં બ્રિટિશ મતદારોને પરિણામ આપીને રિઝવવાના છે. સમય જ બતાવશે કે સુનાક કેટલાં સફળ થશે.
