આપણું આરોગ્ય આપણા હાથમાં

સી. બી. પટેલ Wednesday 12th April 2023 06:09 EDT
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આજે સાતમી એપ્રિલે દુનિયાભરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના નેજામાં વિશ્વ આરોગ્ય દિવસ ઉજવાઇ રહ્યો છે ત્યારે આરોગ્ય મુદ્દે આ કોલમ લખાઇ રહી છે. શિર્ષક તો આપ સહુએ વાંચ્યું, પણ મારે કબૂલવું રહ્યું કે આ શિર્ષક સાથે જોડાયેલી ભાવના સો ટચનું સોનું નથી. આપણા હાથમાં એકમાત્ર વલણ એ છે કે આપણે આપણી તબિયત બગડે નહીં, વધુ કથળે નહીં અને સાંગોપાંગ રહે તેવી સાવચેતી રાખીએ, ખેવના રાખીએ. આરોગ્ય વિષયક અઢળક પુસ્તકો લખાયા છે, અને આપ સહુએ પણ તે વાંચ્યા જ હશે. પરંતુ મારા અંગત અનુભવના આધારે કહું તો મારું આરોગ્ય મારા હાથમાં છે તે વાત કે માન્યતા મને અતિશયોક્તિ લાગે છે. સાચી વાત તો એ છે કે આપણા આરોગ્યના જતન-સંવર્ધનમાં પરિવારજનો, સ્વજનો, સાથે કામ કરતા સાથીદારો, મિત્રો સહિત સહુ કોઇ એક યા બીજી રીતે સહાયભૂત થતા હોય છે.
જો તમારા મિત્રો સારા હોય, નિર્વ્યસની હોય તો તેમની સોબતની સારી અસર કેટલાક અંશે તમારા પર પણ પડતી હોય છે. તેમની ચુસ્તી-સ્ફૂર્તિ-તંદુરસ્તી જાણ્યે-અજાણ્યે તમને પણ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ કરવાની. અને જો મિત્રો વ્યસની હોય તો?! કંઇ વધુ લખ્યા વગર એટલું જ કહીશ કે તેનો રંગ તમારા પર ના ચઢે તેની તમારે પૂરી કાળજી રાખવી પડે.
આ જ પ્રમાણે પરિવાર, તેમનો પ્રેમ-લાગણી વગેરે પણ આપણા આરોગ્ય બાબત અત્યંત પ્રભાવશાળી પુરવાર થતાં હોય છે. પરિવારજનો હોય, પણ પ્રેમ - સંગાથ - સંબંધોની ઉષ્મા ના હોય તો? માણસ ઘરમાં બધાની વચ્ચે રહેવા છતાં પણ એકલતા અનુભવતો હોય છે. અને એકલતાની આ પીડા જ માણસના મન અને તનને કોરી ખાતી હોય છે. પણ જો પરિવારની હૂંફ-ઉષ્મા તમારી સાથે હોય તો સમજી લેજો કે તમે બહુ નસીબદાર છો. હું પણ આવો જ નસીબનો બળિયો છું.
મારી વયના પ્રમાણમાં અને ભૂતકાળમાં જે શારીરિક સમસ્યાઓનો સામનો કર્યો છે તેના ઉપલક્ષ્યમાં કહું તો હું આજે હેમખેમ છું, ટનાટન છું તેમાં પરમ કૃપાળુ પરમાત્માની કૃપા હોવા ઉપરાંત મારી સાથે સંકળાયેલા સહુ કોઇ - મારો પરિવાર - મિત્રો - સહયોગી સાથીદારો વગેરે સહુ કોઇનો ઉપકાર છે એ મારે કબૂલવું જ રહ્યું.
વાત આરોગ્યની જ ચાલે છે તો આ સંદર્ભે એક સંબોધનનો ઉલ્લેખ પણ કરી જ લઉં. ત્રીસેક વર્ષ પૂર્વેની વાત છે. પશ્ચિમ બંગાળના રાજ્યસભાના સાંસદ અને મુકુંદ આયર્નના માલિક વિરેન શાહ લંડન પ્રવાસે આવ્યા હતા અને આપણે ત્યાં શક્તિ હોલમાં તેમનો સત્કાર સમારંભ યોજ્યો હતો. વિરેનભાઇ સાહેબે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની કવિતા સાથે બહુ રસપ્રદ સંબોધન કરીને સો-સવાસો મહેમાનોના દિલ જીતી લીધા હતા. તેમણે સંબોધનમાં એક વાત બહુ મુદ્દાની કરી હતી કે કોઇ પણ વ્યક્તિએ અમુક બાબતમાં ‘હા’ પાડવાની ઉતાવળ ના કરવી, અને અમુક બાબતમાં પળભરનોય વિલંબ ના કરવો.
આ પછી તેમણે ઉદાહરણ સાથે સમજાવ્યું કે ખાવાપીવાની બાબતમાં ક્યારેય ઉતાવળે હા પાડી દેવી નહીં. કોઇ તમને કોઇ ચીજવસ્તુ ખાવાપીવાની ઓફર કરે તો વિચારો કે પેટમાં તેની જગ્યા અને જરૂર છે ખરી? માત્ર જીભનો ચટાકો સંતોષવા કંઇ પણ ખાવાપીવાની જરૂર નથી. જો શરીરને ઉર્જા - શક્તિની જરૂર હશે તો પેટ ભૂખના સ્વરૂપે સંકેત આપશે જ. અને શરીરમાંથી પ્રવાહીનું પ્રમાણ ઘટ્યું હશે તો તરસ સ્વરૂપે સંકેત મળશે. આવું કંઇ હોય તો જરૂર ખાવાપીવાની ઓફર સ્વીકારો. નહીં તો સાદર ઇન્કાર કરો.
આ પછી તેમણે એ સમજાવ્યું કે વ્યક્તિએ ક્યારે વિલંબ ના કરવો જોઇએ. જેમ કે, કુદરતી હાજતના આવેગને ક્યારેય અટકાવો નહીં - પછી તે ‘શોર્ટ કોલ’ હોય કે ‘લોંગ કોલ’. સામે કોઇ પણ વ્યક્તિ કેમ ના હોય ‘એક્ઝક્યુઝ મી...’ કહીને ચાલતી જ પકડો. સ્વાભાવિક છે કે શાહ સાહેબની આ વાત સાંભળીને ઓડિયન્સ હસી પડ્યું એટલે તેમણે ફોડ પાડતા કહ્યું કે કુદરતી હાજત એ શરીરનો કચરો છે. તમે કચરાનો નિકાલ અટકાવીને શરીરની ડ્રેનેજ સિસ્ટમને અવરોધો છો તેનો મતલબ છે એકાદ-બે નહીં, અનેક રોગને આમંત્રણ આપો છો. આથી જ નેચર્સ કોલ વેળા પળભરનોય વિલંબ કરવાનું ટાળો.
વિરેનભાઇએ આ સિવાય પણ બીજી બે-ત્રણ મહત્ત્વની વાતો કરી હતી. બીજા શબ્દોમાં કહું તો ધુમ્રપાન બંધ કરી દીધું છે. કોઇ ઓફર કરે કે આગ્રહ, મારો હસતાં મોઢે પણ પૂરી મક્કમતા સાથે જવાબ હોય છેઃ તમે આગ્રહ કરવામાં મોડા પડ્યા... એ દિવસો ગયા, હવે સ્મોકિંગ કરતો નથી.
શું બ્રિટન કે શું ગુજરાત, આલ્કોહોલ - દારૂનું સેવન બહુ મોટો પ્રોબ્લેમ છે. અહીં તો હજુય સમજ્યા કે તેના સેવન પર કોઇ નિયંત્રણ નથી એટલે ઘણા લોકો, કેટલાક ભરપૂર પીએ છે, પણ દારૂબંધી ધરાવતા ગુજરાતમાંય?! હદ કહેવાય. તાજેતરમાં હું ગુજરાત પ્રવાસે ગયો હતો ત્યારે એક કરતાં વધુ વખત મને ‘સારામાં સારી’ વ્હિસ્કીની ઓફર થઇ હતી. ‘સીબી, એક સ્મોલ તો ચાલે... અમારું માન રાખો’ તેવી લાગણી સાથે આગ્રહ થયો હતો. પણ મારો એક જ જવાબ રહેતો - હું સ્પિરિટ (એટલે કે વ્હિસ્કી, જીન, વોડકા વગેરે) લગારેય પીતો નથી. હા, વાઇન કે બિયર ક્યારેક - પ્રસંગોપાત લઉં ખરો, પણ તેય બહુ થોડી માત્રામાં. દસકાઓથી વિદેશમાં વસવાટ હોવા છતાં આલ્કોહોલ પ્રત્યેનો મારો આવો અભિગમ કેટલાક યજમાનને ‘ગમાર’ જેવો લાગ્યો હશે, પણ શું કરીએ?
આ જ પ્રમાણે હું સંપૂર્ણ શાકાહારી છું - અને તે પણ આજકાલનો નહીં, પહેલેથી જ. તીખું - તળેલું - ખારું - વાસી - આથાવાળું ભોજન (હાંડવા સિવાય) હું લેતો જ નથી. મનેય પહેલાં તો ટેસ્ટફૂલ ખાવાના બહુ ચટાકા થતા હતા, પણ સમય સાથે મેં - સારા સ્વાસ્થ્યને માટે - જીભને નિયંત્રણમાં રાખવાનું શીખી લીધું છે. હું જે પ્રકારનું ભોજન ટાળું છું તેના સિવાય પણ ઘણું બધું લિજ્જતદાર - પૌષ્ટિક ખાવા જેવું છે, અને તે મળી પણ રહેતું હોય છે.
જોકે આમાનું કંઇ રાતોરાત નથી થયું, સમય સાથે હું અને મારી જીવનશૈલી બદલાયા છીએ. 1995માં મેં અનુભવ્યું કે શરીરમાં જાત જાતની નાની-મોટી સમસ્યાઓ છે. પહેલાં અલ્સર હતું, યુરીનરી ટ્રેક સાથે સંકળાયેલી સમસ્યા પણ હતી, ડોક્ટરે પ્રોસ્ટેટ વધી રહ્યાનું પણ નિદાન કર્યું હતું. અપૂરતી ઊંઘની પણ સમસ્યા હતી. ‘કાયમી મિત્ર’ ડાયાબિટીસ 1978થી જ શરીરમાં આવીને રહેવા લાગ્યો હતો. હૃદય પણ ચિંતા કરાવતું - કહેવાય છે ને કે વયના વધવા સાથે માણસની સમજદારીમાં પણ પાકટતા આવતી હોય છે. મને પણ સમજાયું કે શરીરમાં આટલી બધી તકલીફો સારી નહીં. સ્વાસ્થ્ય સુધારવા નિર્ધાર કર્યો. નાની નાની સાવચેતી રાખવાનું શરૂ કર્યું. સ્વશિસ્ત પાળવાનો પ્રારંભ કર્યો. સ્વાસ્થ્ય સંભાળના નિષ્ઠાપૂર્વકના મારા આ પ્રયાસોનો લાભ હું અનુભવી શકું છું, અને આપ સહુ જોઇ શકો છો.
કોઇ પરિચિતના ઘરે જમવા જવાનું આમંત્રણ હોય છે ત્યારે મને પૂછાય છે કે સી.બી. શાક ક્યું બનાવીએ? તો મારો જવાબ હોય છે - દૂધી, પરવળ, રીંગણ, ભીંડા, બટાટા, શક્કરરિયા, કારેલા, સૂરણ, કોઇ પણ ભાજી. કોઇ પણ બે શાક હોય તો ભયો ભયો. ભોજનમાં લિલોતરી હોવી જોઇએ અને શાક તેલથી તરબતર ના હોવું જોઇએ. સાવ બાફેલા જેવું કે બાફેલું હોય તો પણ ચાલે. અને મિષ્ટાન? ભલા માણસ, તેના વગર તો ભોજન અધૂરું જ રહે... ભોજન પછી મગસ - સુખડી - ગુંદરપાક જેવી મિઠાઇ કે બ્લેક ચોકલેટનો એકાદો નાનકડો ટુકડો મળી જાય તો જાણે સ્વર્ગ મળ્યું.
મારે મન તો ભોજન પણ એક ભક્તિ જ છે. ભગવાને આપેલા આ મૂલ્યવાન માનવદેહની આરાધના છે. ભોજન સમયે હંમેશા શાંતચિતે જમવું. એસિડીટી-ગેસ-અપચો જેવી બીમારી ક્યારેય તમારી નજીક પણ નહીં ફરકે. સાત્વિક - સોડમદાર - શાકાહારી અને સમતોલ ભોજનને હું આરોગ્યવર્ધક માનું છું, સર્વોત્તમ માનું છું.
પણ સમતોલ ભોજન એટલે કેવું? હું ડાયેટિશ્યન તો નથી, પણ તબીબી નિષ્ણાતો પાસેથી જાણ્યું છે - સમજ્યું છે તે પ્રમાણે ભોજનમાં ત્રીજો ભાગ લીલા શાકભાજીનો, ત્રીજો ભાગ પ્રોટીનનો (એટલે કે કઠોળ, પનીર, દહીં, સૂકોમેવો વગેરે) અને ત્રીજો ભોગ કાર્બોહાઇડ્રેટનો (એટલે કે બાજરી, કોદરી, ચોખા કે ઘઉં વગેરે)નો હોવો જોઇએ. તમારી થાળીમાં આ સમતોલન જળવાશે તો આપોઆપ શરીરને પૂરતું પોષણ મળી રહેશે.
સવારે છ વાગ્યે ઉઠી જવાનું ને રાત્રે 11 વાગ્યે પથારીમાં પહોંચી જવાનું, પણ બપોરના ભોજન બાદ અડધો - પોણો કલાક વામકુક્ષી અચૂક કરી લેવાની. અને વીકમાં ચાર-પાંચ વખત પગના તળિયા - આંગળા - ઘૂંટણ - ઘૂંટી વગેરેને મસાજ કરું. બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે અને સ્નાયુ પણ એકદમ રિલેક્સ રહે. હું માનું છું કે પગ સાજા-સારા-ચાલતા રહેવા જોઇએ. પગ ખોટકાયા તો સમજી લેજો કે બધું અટકી પડશે. અરે, પગ જ શા માટે? હું તો શરીરનું દરેકેદરેક અંગ સાજુંસારું - ટનાટન રહે તે માટે કાળજી લઉં છું. અત્યારે હું એકદમ ચુસ્ત-દુરસ્ત-સ્વસ્થ જીવન જીવું છું, અને અંતિમ શ્વાસ સુધી મારે આવું જ જીવન જીવવું છે. અને જો મારે આમ કરવું હશે તો શરીરની પ્રાથમિક કાળજી મારે જાતે જ લેવી પડશે.
સવારે ઉઠતાં કે રાત્રે સૂતાં પ્રભુ પ્રાર્થના અચૂક કરવાની. મારા મતે, તન-મનના સારા આરોગ્ય માટે પોતાનામાં, પોતાના પરમાત્મામાં અતૂટ શ્રદ્ધા હોવી જરૂરી છે. પ્રભુ પ્રાર્થના એ પાયાની જરૂરત છે - જો તમે પરમ તત્વમાં આસ્થા ધરાવતા હો તો.
અને છેલ્લું, નિયમિત વોકિંગ. ચાલવાને તમારા ડેઇલી રુટિનનો અનિવાર્ય હિસ્સો બનાવો. તમારી વય ગમેતેટલી હોય, મૂવમેન્ટ જરૂરી છે - શરીર તથા મન બન્નેની સ્વસ્થતા માટે. મારી જ વાત કરું તો, હું ઘરની અંદર કે ઘરની બહાર - ઋતુ અનુસાર - ઓછામાં ઓછું એકાદ કલાક અવશ્ય ચાલું છું. ચાલવું એ મારા રોજિંદા નિત્યક્રમનો એવો હિસ્સો છે, જે હું ક્યારેય ચૂકતો નથી. આ સમય એવો છે જ્યારે મારી સાથે માત્ર હું જ હોઉં છું. પગની સાથે સાથે જાત સાથે વિચારમંથન ચાલતું રહે છે. તમે પણ ટ્રાય કરી જોજો. બીજી કોઇ કસરત - યોગ કરો કે ના કરો, નિયમિત ચાલશો તો સ્વાસ્થ્ય મહદ્ અંશે સારું રહેશે. બ્લડ પ્રેશર દૂર રહેશે, સુગર કન્ટ્રોલમાં રહેશે, સ્ટ્રેસ ટાળી શકશો, ઓબેસિટીથી બચી શકશો... ચાલવાના એક નહીં, અઢળક લાભ છે.
વાચક મિત્રો, શરીરનું કોઇ પણ અંગ-ઉપાંગ કામ કરતું બંધ થયું તો નાની કે મોટી મુશ્કેલી નક્કી સમજી લેજો. આ ઇશ્વરદત્ત અમૂલ્ય શરીરનો કોઇ ભાગ કે અંગ-ઉપાંગ નક્કામું નથી. પરમ કૃપાળુ પરમાત્માએ આપેલી આ અનમોલ ભેટનું જતન કરવાની જવાબદારી વ્યક્તિની પોતાની છે. NHS તમારા રોગનું નિદાન કરશે અને તેની સારવાર પણ કરશે, પરંતુ આવી સ્થિતિ જ ન સર્જાય તે જોવાની વ્યક્તિની પોતાની ફરજ છે. હંમેશા યાદ રાખો કે સારવાર કરતાં સાવચેતી સારી. (ક્રમશઃ)


comments powered by Disqus