ઇતિહાસ કહે છે, એક નહીં, અઠ્ઠાવીસ ભગતસિંહના બલિદાનો?

ઘટના દર્પણ

વિષ્ણુ પંડ્યા Thursday 13th April 2023 00:53 EDT
 

આજકાલ ઈતિહાસનું ફરીવાર આલેખન થવું જોઈએ કે નહિ તેની ચર્ચા ચાલે છે. કેટલાક સ્થાપિત “ઈતિહાસકારો” એ તો નિવેદન પણ કર્યું કે અભ્યાસક્ર્મોમાં ફેરફાર કરાયા છે તે વાજબી નથી. ખરેખર? જેની જરૂર છે અને છ્ત જે ભણાવવામાં આવતું નથી એવા અસંખ્ય ઉદાહરણો ગુજરાત સહિત અન્યત્ર , તેનો ઇતિહાસ લખાવો અને ભણાવવો જોઈએ કે નહિ?આ સવાલના સંદર્ભે એક રસપ્રદ -અને બેશક ચોંકાવી મૂકે તેવી માહિતી- સરદાર ભગતસિંહ અને બલિદાનીઓની છે. આપણે સરદાર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવની ત્રિપુટીના ફાંસીના તખતે ઝળહળતા બલિદાનથી તો પરિચિત છીએ. હમણાં માર્ચમાં ગુજરાતમાં વિરાંજલિ સાંસ્કૃતિક કાર્યક્રમની ઘણી જાહેરાતો થઈ. ચાલો, થોડુક તો ભૂલતા ઇતિહાસ પ્રત્યે ધ્યાન અપાયું એમ લાગ્યું, પણ શું આ પૂરતું છે?
હું સરદાર ભગતસિંહના બલિદાનની સાથે બીજા સત્તાવીસ ભગતસિંહોની શહીદીની વિગતો જોડવા માંગુ છું. પંજાબી ભૂમિને એટલા માટે પણ વંદન કરવા ઘટે કે ત્યાનું દરેક ગામ એક કે તેથી વધુ શહીદોનું સ્થાન રહ્યું અને ગદર પાર્ટી, નૌજવાન ભારત સભા, હિંદુસ્તાન રિપબ્લિક અશોશીએશન, આઝાદ હિન્દ ફોજના નેજા હેઠળ તેઓ તોપના ગોળે દેવાયા, ફાંસીના તખતે ચડ્યા અથવા આંદામાનની કાળકોટડીમાં છેલ્લા શ્વાસ લીધા.
આવા 28 ભગતસિંહ હતા. તેમાં મોખરે આપણો ભગતસિંહ અને બે સાથીઓ 23 માર્ચ, 1931ના લાહોરની જેલમાં ફાંસીએ ચડ્યા. બીજા? અમૃતસર નજીક રૂપોવાલ ગામનો ભગતસિંહ 13 એપ્રિલ, 1919 જલિયાવાલા બાગમાં બ્રિટિશ સૈનિકોની ગોળીથી વિનધાયો. ત્રીજો ભગતસિંહ 1882માં અમૃતસર નજીક રુડીવાલા ગામમાં જન્મ્યો હતો. 1914માં લાહોરના જંગમાં ભાગ લીધો, 1915માં અંબાલા જેલમાં ફાંસી મળી. ત્રીજો ભગતસિંહ (1941) લાહોરમાં ભારત મુક્તિનું ભાષણ આપતો હતો ત્યારે પોલીસે લાઠીમારથી ઘાયલ કર્યો અને થોડા દિવસ પછી અંતિમ વિદાય. બરાબર , લાલા લાજપત રાય પીઆર સાઇમન વિરોધી જુલૂસમાં પોલીસની લાઠી પડી ને મૃત્યુ પામ્યા તેવી જ આ ઘટના. પાંચમા ભગતસિંહે શું કર્યું? રૂપોવાલ ચોગાવાનનો વાતની. 13 એપ્રિલ 1919 તે જલિયાવાલા બાગની સભામાં શહીદ થયો. આ ગામનો આ બીજો ભગતસિંહ! એક વધુ ભગતસિંહ નાનકાના સાહેબના મોરચામાં ભાગ લે છે અને 1921માં વીંધાય છે. હોશિયારપુરમાં જન્મેલો ભગત સિંહ તો છેક બર્મામાં નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજમા જોડાયો અને બ્રિટિશરોએ તેને 1944માં નજરબંધ અવસ્થામાં મારી નાખ્યો. તેરા, જિલ્લા અમૃતસરનો ભગત સિંહ ગુરુ-કા-બાગ મોરચામાં ભાગ લઈને 1922માં શહીદ થાય છે. ભગતસિંહ એક મબાના, જિલ્લા ફિરોઝપુરનો. આઝાદ હિન્દ ફોજમા બ્રિટિશ ફોજની સામે લડતા લડતા વીરગતિ પામ્યો. નાભા જેલમાં એક ભગતસિંહ આંખો મિચી લે છે. તે 1923ના જૈતો મોરચામાં પકડાયો હતો. સઇદોંવાલ કપૂરથલા જિલ્લાનું સાવ નાનકડું ગામ છે. પરિવારનો લાડલો ભગત ગામ અને પંજાબ છોડીને સેનામાં જોડાયો હતો. નેતાજીની આઝાદ હિન્દ ફોજનો બહાદુર ભગતસિંહ બ્રિટિશ સેનાની સામે યુદ્ધ કરીને આહુતિ આપે છે.
હજુ બીજા ઘણા “ભગતસિંહ” બલિદાની યાદીમાં બાકી છે. કોના કોના નામ લઈશું? એક વધુ ભગત જલિયાવાલામા વીંઢયો તે હોશિયારપુર જિલ્લાના બહાલોલપુરનો હતો... બીજા કેટલાક ભગત અન્ય પ્રદેશોના પણ છે. ખરા અર્થમાં તેઓ મેઘાણીએ ગાયેલા “કોઈના લાડકવાયા” હતા. ઈતિહાસમાં સ્મૃતિ તરીકે તેમના દસ્તાવેજો નવી પેઢીના ઈતિહાસમાં સ્થાન માટેની પ્રતિક્ષા કરતા હશે?


comments powered by Disqus