ખંધા ચીનના વિસ્તારવાદનો કોઇ અંત દેખાતો નથી

Wednesday 12th April 2023 06:01 EDT
 

અસ્થાયી સરહદોનો લાભ લઇને ચીન તેની વિસ્તારવાદની નીતિ આગળ ધપાવી રહ્યો છે. તાજેતરમાં જ ચીને ભારતના અરૂણાચલપ્રદેશ પરનો પોતાનો દાવો મજબૂત બનાવતાં 11 સ્થળોનું નામકરણ કરી નાખ્યું હતું. ભારત આઝાદ થયો ત્યારથી ચીનનો ડોળો અરૂણાચલપ્રદેશ પર છે. તિબેટ પચાવી પાડ્યા બાદ 3000 કિમી કરતાં વધુ લાંબી વાસ્તવિક અંકુશ રેખા પર ચીન અવારનવાર ભારતના પ્રદેશો પર પોતાનો હક જમાવ્યા કરે છે. તાઇવાન પર ચીનનો દાવો નવો નથી. ચીનને ફક્ત ભારત સાથે જ સરહદી વિવાદ છે એવું નથી. તેની પાડોશમાં આવેલા 18 દેશો સાથે તેના સરહદી વિવાદો ચાલી રહ્યાં છે. સુદૂર પૂર્વમાં જાપાનના સેનકાકુ અને ર્યુક્યુ ટાપુઓ પર ચીન હક જમાવી રહ્યો છે. ઇતિહાસનો હવાલો આપીને વિયેટનામના મોટા હિસ્સા પર પણ ચીનનો દાવો રહ્યો છે. 1788માં ચીન અને નેપાળ વચ્ચે થયેલા યુદ્ધ પછી નેપાળના કેટલાક હિસ્સાને પણ પોતાના ગણાવી રહ્યો છે. ઉત્તર કોરિયાના બાએક્ડુ અને જિઆનડાઓ પ્રદેશો પર ચીન દાવો ઠોકી રહ્યો છે. ફિલિપાઇન્સ અને ચીન વચ્ચે સાઉથ ચાઇના સીમાં જળસીમા મુદ્દે લાંબાસમયથી વિખવાદ ચાલી રહ્યો છે. રશિયા સાથે વિવિધ કરારો છતાં રશિયાના 1,60,000 ચો.કિમી. વિસ્તારને ચીન પોતાનો ગણાવી રહ્યો છે. ઇસ્ટ ચાઇના સીમાં કેટલાક હિસ્સાને મુદ્દે ચીન અને દક્ષિણ કોરિયા સામસામે છે. ભૂતાનના કેટલાક વિસ્તારો પર આજે પણ ચીનનો કબજો છે. ઐતિહાસિક આધાર પર ચીન લાઓસના મોટા વિસ્તારને પોતાનો ગણે છે. ચીનને બ્રુનેઇ સાથે સ્પ્રેટલી ટાપુઓ મુદ્દે વિવાદ છે તો તાજિકિસ્તાન પર પણ તે દાવો કરી રહ્યો છે. કમ્બોડિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા, મોંગોલિયા સાથે પણ ચીનના સરહદી વિવાદો ચાલી જ રહ્યાં છે. વિસ્તાર, વસતી અને મજબૂત અર્થતંત્રના દમ પર ચીન દુનિયામાં દાદાગીરી કરતો ફરી રહ્યો છે. ચીન આખેઆખા તિબેટને હડપ કરી ગયો ત્યારેપણ આંતરરાષ્ટ્રીય સમુદાય મોં વકાસીને જોતો રહ્યો હતો. ખઁધા ચીનના આ વિસ્તારવાદ સામે સમગ્ર વિશ્વે એકજૂથ થઇને પડકાર આપવો પડશે.


comments powered by Disqus