તાજેતરમાં ભારત સરકાર દ્વારા સંસદમાં અપાયેલી માહિતી અનુસાર ગુજરાતની મહિલાઓમાં એનિમિયાના પ્રમાણમાં તોતિંગ વધારો થયો છે. એનિમિયા લોહીની એક ખામી છે જેમાં લોહીમાં રક્તકણોની સામાન્ય કરતાં ઓછી સંખ્યાના કારણે ઓક્સિજનનું વહન કરવાની ક્ષમતા ઘટી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો હિમોગ્લોબિનની ઉણપ. નેશનલ ફેમિલી હેલ્થ સરવે 4 અને 5 વચ્ચેના ગાળામાં 15થી 49 વર્ષની વયજૂથની ગુજરાતી મહિલાઓમાં એનિમિયાનું પ્રમાણ 54.9 ટકાથી વધીને 65 ટકા પર પહોંચી ગયું છે. સમગ્ર ભારતની વાત કરીએ તો મહિલાઓમાં એનિમિયાનું પ્રમાણ 57 ટકા છે. તેનો અર્થ એ થયો કે ગુજરાતની મહિલાઓ સૌથી વધુ એનિમિયાનો શિકાર બને છે. કેન્દ્ર સરકારે 2018માં એનિમિયા મુક્ત ભારત યોજનાનો પ્રારંભ કર્યો હતો. યોજના શરૂ થયાના ચાર વર્ષ વીતી ગયા છતાં તેના સારા પરિણામ જોવા મળી રહ્યાં નથી. ગુજરાતમાં તો એનિમિયાથી પીડાતી મહિલાઓની સંખ્યામાં 10 ટકા જેટલો વધારો થઇ ગયો છે. ગુજરાતી મહિલાઓ અપુરતા પોષણના કારણે એનિમિયાનો શિકાર બની રહી છે જે ગંભીર ચિંતાનો વિષય છે. પરિવારને ભરપેટ જમાડીને જ જમવાની પરંપરા આપણા સમાજમાં યુગોથી ચાલતી આવી છે પરંતુ તેના કારણે મહિલાઓ કુપોષણનો શિકાર બની રહી છે. એનિમિયાના કારણે ગર્ભવતી મહિલાઓના જીવ પર જોખમ સર્જાય છે. એનિમિયાથી પીડાતી ગર્ભવતીઓ ઘણીવાર પ્રસૂતિ દરમિયાન જીવ ગુમાવી દેતી હોય છે. તેમના સંતાનો પણ નબળાં અને અશક્ત પેદા થતા હોય છે. તેથી મહિલાને એનિમિયાનો શિકાર થતી અટકાવવાની સૌથી પહેલી જવાબદારી પરિવારની બને છે. પરિવારની મહિલાઓને પુરતુ પોષણ મળે છે કે કેમ તેનું ધ્યાન પરિવારના મોભીએ રાખવું જ જોઇએ. તે ઉપરાંત મહિલાઓએ પોષણક્ષમ આહાર લેવાની જરૂર છે. રક્તવર્ધક ખોરાક અને સપ્લિમેન્ટ્સ મહિલાને એનિમિક થતા રોકી શકે છે. સરકાર દ્વારા 80 કરોડ લોકોને દર મહિને વિનામૂલ્યે પાંચ કિલો અનાજ અપાય છે. સમૃદ્ધ ગુજરાતની 50 ટકાથી વધુ વસતી આ મફત અપાતા અનાજ પર જ નભે છે. તેથી ભૂખમરાનો સવાલ પેદા થતો નથી. તેમ છતાં ગુજરાતી મહિલાઓને વધુ પોષણક્ષમ આહાર ઉપલબ્ધ થાય તે જરૂરી બની ગયું છે.
