ગૂડ ફ્રાઇડે એગ્રિમેન્ટથી નોર્ધન આયર્લેન્ડમાં સુખ-શાંતિ

Wednesday 12th April 2023 06:02 EDT
 

શાંતિ સમૃદ્ધિ લાવે છે એ વણલખ્યું સત્ય છે. નોર્ધન આયર્લેન્ડના કિસ્સામાં પણ આ ઉક્તિ સાચી પડી રહી છે. 10 એપ્રિલ 1998ના રોજ બેલફાસ્ટ (ગૂડ ફ્રાઇડે) એગ્રિમેન્ટ પર હસ્તાક્ષર થયા ત્યારે નોર્ધન આયર્લેન્ડમાં શાંતિની સ્થાપનાનો પ્રારંભ થયો. 10 એપ્રિલે નોર્ધન આયર્લેન્ડમાં તેની 25મી જયંતિની ઉજવણી કરવામાં આવી. 1960ના દાયકાથી નોર્ધન આયર્લેન્ડમાં યુનાઇટેડ આયર્લેન્ડના હિમાયતી એવા રિપબ્લિકનો અને યુકે સાથે રહેવા માગતા યુનિયનિસ્ટો વચ્ચે લોહિયાળ જંગનો પ્રારંભ થયો હતો. આમ તો આ સત્તાનો જ જંગ હતો પરંતુ તેને સાંપ્રદાયિક વાઘા પહેરાવી દેવામાં આવ્યાં હતાં. નોર્ધન આયર્લેન્ડ યુકે સાથે રહે તેના હિમાયતી એવા બહુમતી યુનિયનિસ્ટો મુખ્ત્વે પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓ હતા જ્યારે યુનાઇટેડ આયર્લેન્ડનો હિસ્સો રહેવા માગતા લઘુમતી રિપબ્લિકનો કેથલિક સંપ્રદાયના અનુયાયી હતા. આમ પ્રાદેશિક જોડાણના મુદ્દામાં સાંપ્રદાયિક ઘી હોમાતા હિંસાની આગ વધુ ભડકી હતી. 3 દાયકા લાંબી આ હિંસાની હૂતાશનમાં 3,532 લોકો હોમાઇ ગયાં જેમાંથી મોટાભાગના નાગરિકો હતાં. સાંપ્રદાયિક હિંસાનો બદલો લેવાની ભાવનાથી કરાતા હુમલાઓના કારણે તેઓ માર્યા ગયા હતા. આ હિંસાની હૂતાશનના કારણે નોર્ધન આયર્લેન્ડનો વિકાસ થંભી ગયો હતો. પરંતુ આખરે સામસામે લડી રહેલા બંને સમુદાયને બ્રહ્મજ્ઞાન લાધ્યું અને આંતરરાષ્ટ્રીય પ્રયાસોના કારણે ગૂડ ફ્રાઇડે એગ્રિમેન્ટ શક્ય બન્યો હતો. આજે આ કરાર થયાને 25 વર્ષના વહાણા વહી ગયાં છે. નોર્ધન આયર્લેન્ડમાં સર્વત્ર શાંતિ પ્રવર્તી રહી છે. પ્રોટેસ્ટન્ટ અને કેથલિક સંપ્રદાયો વચ્ચે સુમેળભર્યા સંબંધો બંધાયા છે જે અંતે તો સમાજમાં સમૃદ્ધિ જ લઇને આવ્યા છે. એવું નથી કે આ કોકડું સંપુર્ણપણે ઉકેલાઇ ગયું છે પરંતુ લાંબાસમયથી પ્રવર્તતી શાંતિ અન્ય વિવાદોનો ઉકેલ સરળ બનાવશે તે વાતમાં કોઇ શંકા નથી. હિંસા કોઇપણ સમસ્યાનો ઉકેલ નથી. એક મેજ પર બેસીને વિવાદોનો ઉકેલ જ સર્વના હિતમાં રહે છે તે ગૂડ ફ્રાઇડે એગ્રિમેન્ટે પૂરવાર કરી દીધું છે. સહઅસ્તિત્વનો સિદ્ધાંત સમાજને ખુશહાલ બનાવે છે. આજે નોર્ધન આયર્લેન્ડના બે મુખ્ય સંપ્રદાયો સહઅસ્તિત્વ જાળવીને એકસાથે જીવી રહ્યાં છે જે આ એગ્રિમેન્ટની સૌથી મોટી ઉપલબ્ધિ છે.


comments powered by Disqus