રણભૂમિમાં દુશ્મનનાં દાંત ખાટાં કરીને એને પલાયન થવા માટે પરવશ કરનાર પ્રથમ ભારતીય વીરાંગના કોણ હતી એ જાણો છો?
જવાબ છે: નાયિકાદેવી. ગુજરાતની મહારાણી. ગુજરાતના ઇતિહાસમાં નાયિકાદેવી તરીકે વધુ જાણીતી. જેવું નામ એવું કામ. બારમી સદીમાં, ૧૧૭૮ના અરસામાં વીરાંગના નાયિકાદેવીએ ખલનાયક એવા મુલતાનના સુલતાન મોહમ્મદ ઘોરીને આબુમાં કારમા પરાજયનો સ્વાદ ચખાડેલો. જોકે નાયિકાદેવી ખુદ કુશળ યોદ્ધા હોવા છતાં પોતે રણમેદાનમાં ઊતરી નહોતી, પણ ગુજરાતની સેનાની દોરવણી એણે કરેલી. વિજયશ્રીની વરમાળા નાયિકાદેવીના પુત્ર ‘બાલ મૂલરાજ’ના કંઠે આરોપવામાં આવી. પણ રણનીતિની ચક્રવ્યૂહકાર તો નાયિકાદેવી જ હતી. આક્રમણખોરને સમરાંગણમાંથી પોબારા ગણી જવા વિવશ કરનાર ગુજરાતની જ પ્રથમ નહીં, ભારતની પણ પ્રથમ વીરાંગના!
આ નાયિકાદેવી ગુજરાતની રાણી હતી, પણ દીકરી ગોવાની. ગોવાના કદંબ રાજા શિવચિત્ત-પરમર્દીની રાજકન્યા નાયિકાદેવી ગુજરાતના સોલંકી રાજા અજયપાલને પરણીને ગોવાથી પાટણ આવી. નાયિકાદેવીમાં રૂપાંતરિત થઇ. અજયપાલના અવસાન પછી નાયિકાદેવીએ શાસન સંભાળ્યું કે સુલતાન મોહમ્મદ ઘોરીની દાઢ સળકી. એણે ગુજરાત પર ચડાઈ કરવાનો કારસો ઘડ્યો. વિશાળ સૈન્ય સાથે મુલતાનથી નીકળ્યો. ગુપ્તચરોએ નાયિકાદેવીને બાતમી આપી.
ઘોરીએ ગુજરાતની હાથીસેનાને અવળે રસ્તે દોરવા અગન વરસાવતા મિનજનિક હથિયારનો ઉપયોગ કરવાનો નિર્ણય કરેલો. આગ ઓકતું એવું શસ્ત્ર જેની સામે ગુજરાતની ગજસેના નકામી નીવડે. મિનજનિક નિશાનબાજો આગગોળા અચૂક વરસાવવાની શક્તિ ધરાવતા. આગ વરસાવીને ગજસેનાને રોળીટોળી નાખે. ગજરાજો ગુજરાતની સેનાને રોળી નાખે એવી આ જુક્તિ હતી. એથી નાયિકાદેવીએ અશ્વદળ પર આધાર રાખવાનો નિર્ણય કર્યો.
વળતી પરોઢે સ્વયં નાયિકાદેવી યુદ્ધનું સંચાલન કરનારી નાયિકા બની ! જાણે સાક્ષાત મહિષાસુરને હણવા નીકળેલી દુર્ગા હોય એવો નાયિકાદેવીનો રણવેશ હતો. હાથમાં લાંબી તલવાર.. ખભા ઉપર ધનુષ્ય-બાણ. કમરમાં કટારીઓ અને ખંજરો શોભી રહેલાં. માથા ઉપર શિરસ્ત્રાણ. દ્રષ્ટિમાં વીજળી. ચહેરા પર રણનેત્રીનો પ્રભાવ.!”
નાયિકાદેવી સેનાપતિ પણ હતી અને રણનીતિકાર પણ. ગર્જનક ગુજરાત પ્રવેશ કરી જ ન શકે એવો વ્યૂહ ઘડ્યો એણે. ગર્જનક ગૂર્જર ભૂમિ જોવા પણ ન પામે, એમ એને આબુની તળેટીથી આગળ, વર્ણાસા નદીને કાંઠે જ રોકી દેવો. ત્યાં વિખ્યાત રણમેદાન પણ હતું! બંને બાજુ વ્યૂહ ઘડાતા રહ્યા. મિનજનિકોને કારણે અશ્વદળ મોકલવાનો વ્યૂહ રચાયેલો, પણ રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. નાયિકાદેવીએ વ્યૂહ બદલ્યો. વરસાદમાં ઘોરીના આગગોળાનું ધોવાણ થયું જ હશે એટલે વહેલી સવારે હાથીસેના લડવાને મોકલી. એની પાછળ અશ્વદળ.!
જોગનાથ ટેકરી ઉપર નાયિકાદેવી ખુલ્લી તલવાર સાથે રણક્ષેત્ર પર નજર રાખી રહેલી. એના નેતૃત્વમાં સેનાએ ઘોરીના સૈન્ય પર ત્રણ બાજુથી હુમલો કર્યો. નાયિકાદેવીનો વ્યૂહ સફળ થયો. મિનજનિકો નકામી થઇ ગયેલી. એકેય આગગોળો નજરે ચડતો નહોતો. ઘોરીનું સૈન્ય ઝીંક ન ઝીલી શક્યું. આખરે ઘોરી સૈન્ય સાથે ભાગી છૂટ્યો. નાયિકાદેવીને વિજયશ્રીએ વરમાળા પહેરાવી.
નાયિકાદેવી પછી તો ભારતના ઇતિહાસમાં અનેક વીરાંગનાઓ થઇ ગઈ, પણ પ્રથમ ક્રમાંકે તો નાયિકાદેવી જ રહેશે!

