‘ગુજરાત સમાચાર’ને તમે સફળતાના શીખરે પહોંચાડ્યું

ભૂતકાળની ભૂલ અંગે મારી ક્ષમાયાચના

દેવી મહેશ પારેખ Thursday 13th April 2023 00:47 EDT
 

સુવર્ણજયંતીની શાનદાર ઊજવણીના સહયોગ સાથે ‘ફૂલ નહીં પણ ફૂલની પાંખડી’ રૂપ મારું યોગદાન આપતાં આનંદ અનુભવું છું. ‘ગુજરાત સમાચાર’ પ્રત્યેની વફાદારી અને લાગણી આ જ્ઞાનયજ્ઞમાં મને મારી ભૂતકાળની ભૂલ અથવા તો ગેરસમજ સાથે ક્ષમાયાચના - પ્રાયશ્ચિત કરું છું.
‘ગુજરાત સમાચાર’ સાથે અમે શરૂઆતથી જોડાયેલા હતા. યાદ છે કે દર રવિવારે સાંજે પ્રાણલાલભાઈ મને અને મહેશને કુસુમબેનને ત્યાં લઈ જતા - તેમનું વીકલી લખાણ આપવા માટે. કોઈક જ વાર રવિવાર ખાલી જતો. અમારા બંને દીકરાઓ પણ ત્યારે ઘણા નાના હતા અને સાથે જ હોય.
થોડા સમય બાદ પરિસ્થિતિ બદલાણી અને સંજોગોવશાત્ ‘ગુજરાત સમાચાર’ માંદગીના બીછાને!!! કુસુમબેન માટે આ માંદગીમાંથી સ્વસ્થ – સારા થવાનું ખાસ સંભવ નહોતું. અમે એક સાંજે કુસુમને મળવા ગયા. એમણે જ અમને બોલાવ્યા હતા. અમે જરા વહેલા પહોંચી ગયાં. ત્યાં એક ભાઈ અને સાથે કોઈ હતું તેઓ કુસુમબેનને ત્યાંથી વિદાય લઈ રહ્યા હતા. 2-3 મિનિટ હાય-હેલ્લો કરીને તેઓ ગયા. એ જ ભાઈ જેમણે આ મૂર્છિત – ઘવાયેલ ‘ગુજરાત સમાચાર’ ખરીદ્યું.
તેઓના ગયા પછી કુસુમબહેન મારા પતિ મહેશને કહયું કે, 'આ ભાઈએ આપણું છાપું ખરીદી લીધું છે. તેઓ ચલાવશે. મારાથી એકદમ બોલાઈ ગયું કે, 'અરરર... આ ભાઈ! લાગતું નથી કે એ આ છાપું ચલાવી શકે! એમને ધંધાનો અનુભવ છે, પણ એ ગુજરાતી પણ કંઈ બહું સારું બોલતા નહોતા.' વગેરે...
આ પછી અમે જયારે ઘરે પાછા ફરતા હતા એ વખતે મહેશને મેં કહ્યું કે, 'માંડ માંડ થોડા આપણા દેશ (ભારત)ના સમાચાર આપણને મળતા હતા. થોડું અહીં આપણા સમાજ – સંસ્થામાં શું ચાલી રહ્યું છે તે પણ ખબર પડતી પણ હવે ખબર નહીં શું થશે ‘ગુજરાત સમાચાર’નું?! મને એ ભાઈ ત્યારે કંઈ બહુ ગમ્યા નહોતા.’ એ સમયમાં આવા કોઈ સમાચારો બીજા કોઈ પણ માધ્યમ દ્વારા મળતા નહોતા. હા, દર રવિવારે ‘નવી જીંદગી નવું જીવન’ આ પ્રોગ્રામ બીબીસીમાં સવારે 10થી 10-30 આવતો અને અમે સૌ બધા જ એશિયનો એ પ્રોગ્રામની ચાતકની જેમ રાહ જોતા અને 10 વાગ્યે બરાબર ટી.વી. સામે ગોઠવાઈ જતા હતા અને ત્યારબાદ અમારા ફોન મિત્રમંડળમાં ચાલું થાય, પ્રોગ્રામનું પિષ્ટપિંજણ થાય. બહુ જ મજા આવતી. મેં જે ભાઇની વાત કરી એ ભાઈ તે બીજા કોઈ નહીં પણ આપણા સી.બી. પટેલ. સી.બી. આજે હું અંતઃકરણથી ક્ષમા માંગું છું આજે આ ‘ગુજરાત સમાચાર’ જે અલવિદાની અણી પર હતું તેને તમે સફળતાની ચરમસીમાએ પહોંચાડ્યું.
હંમેશા દેશ–વિદેશના સમાચારો દિલચશ્પ લેખો, ફેશન, રાંધણ-કળા, જ્ઞાન–વિજ્ઞાન રાજકીય સમાચારો અને ખાસ તો જીવંતપંથ, વિષ્ણુભાઈ પંડ્યા અને હરિભાઈની ઐતિહાસિક કોલમ – વ્યાપાર અને માર્ગદર્શન – અધધધ....
ક્ષુલ્લક લવાજમ - આખું વર્ષ સમાચારોનો થાળ અને છેલ્લે દિવાળી સમયે બોણીના રૂપે દિવાળી અંક અને આ સિવાય પણ બીજા 3-4 અંકો મળે છે. સી.બી. હવા ભરેલા ફૂગ્ગાની જેમ આ વાંચીને ફૂલાતા નહીં, ‘ગુજરાત સમાચાર’ અત્યારે જે ઊંચાઈ પર છે, એમાં તમે તો ખરા જ, પણ તમારો પરિવાર, ‘ગુજરાત સમાચાર’ કાર્યાલય પરિવાર અને અમે સૌ હજારો વાંચકોનો
ફાળો છે.
શ્રીકૃષ્ણે ગીતાના ત્રીજા અધ્યાય – કર્મયોગ 1-19ના શ્લોકમાં કહ્યું છે,
તસ્માદસક્તઃ સતત કાર્યં કર્મ સમાચર ।
અસક્તો હ્યાચરન્કર્મ પરમાપ્નોતિ પુરુષઃ ।।
અથવા તો 30મો શ્લોક
મયિ સર્વાણિ કર્માણિ સંન્યસ્યાધ્યાત્મચેતસા ।
નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ ।।
આત્મનિષ્ઠ ચિત્ત વડે બધા કર્મ મારામાં અર્પણ કરી ફળઆશારહિત થઈ તારા માનસિક દુઃખોની ત્યાગીને યુદ્ધ કર... •


comments powered by Disqus