નવનાત વડિલ મંડળનો ‘ધ ગ્રાન્ડ વેરાયટી શો’માં જીવન જીવી લેવાનો સંદેશ

-જ્યોત્સ્ના શાહ Thursday 13th July 2023 05:49 EDT
 
 

નવનાત ભવન, હેઝમાં નવનાત વડિલ મંડળ તરફથી ૭ જુલાઇ, ગયા શુક્રવારે “ધ ગ્રાન્ડ વેરાયટી શો’’ નું ભવ્ય આયોજન થયું હતું જેમાં લગભગ ૪૫૦ વડીલો અને મહેમાનોએ હાજરી આપી વડીલોની યુવાનીનો અદભૂત અનુભવ કરી ભરપેટ મનોરંજન માણ્યું હતું. દર શુક્રવારની રાહ જોતા વડીલો માટે સુખનો સાગર ઉમટ્યો હોય તેમ ઉમર ભૂલી મન ગમતી પ્રવૃત્તિમાં જોડાઇ જવાની લિજ્જત (પત્તા, કેરમ, ચોપાટ, ટેબલ ટેનિસ વગેરે રમતો શોખ મુજબ રમવાનો સમય), કિચન કમિટીની બહેનોના હાથની તાજી-સ્વાદિષ્ટ અને ગરમાગરમ રસોઇનો સ્વાદ... સમવયસ્ક સાથે ગપ-સપ કરવાની મોજ, વિવિધ રસિક કાર્યક્રમો... આ બધું નવજીવન બક્ષવા સાથે જીવન જીવી લેવાનું ઇંધણ પૂરું પાડે છે.
નવનાત વડિલ મંડળના યુવા પ્રમુખ નલીનભાઇ ઉદાણી (૮૦) ની રાહબરી, એમની કુશળ કમિટી, કો-ઓર્ડીનેટર પૂર્ણિમા બહેનનું ડેડીકેશન, નિષ્ણાત કોરીયોગ્રાફર કલ્પનાબહેન ભટ્ટના કૌશલ્ય, ઉત્સાહી ભાઇ-બહેનોમાં સ્ટેજ પર પર્ફોમ કરવાની ઝિંદાદિલી વગેરેના સરવાળાએ કાર્યક્રમને સંગીન-રંગીન બનાવી દીધો હતો. કલાકારોએ છેલ્લા ત્રણ મહિનાથી પ્રતિકૂળ વેધરમાં પ્રેક્ટીસ અને રીહર્સલ કરી આપેલ સમયનો ભોગ અને નિષ્ઠાની અથાક્ મહેનત રંગ લાવી હતી.
કો-ઓર્ડીનેટર પૂર્ણિમાબહેને પ્રાર્થનાથી કાર્યક્રમનો શુભારંભ કર્યા બાદ કોમ્યુનિટીના મૃતાત્માઓને અંજલિ અને એ વીક દરમિયાન જેઓની બર્થડે હોય તેમને શુભેચ્છા પાઠવી કાર્યક્રમનું સંચાલન જશુબહેન શેઠની કાવ્યમય શૈલી અને જયશ્રીબહેન રાજકોટીયાના અનુભવના સંગમે દીપી ઉઠ્યું હતું.
કોરીયોગ્રાફર કલ્પનાબહેન ભટ્ટે ‘મા દુર્ગાએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો’ એ નૃત્યથી કાર્યક્રમનો શુભારંભ કર્યો. ‘એકથી વીસ’ ગણત્રીથી જીંદગીનો ઉપદેશ આપતું અને ‘લાગણીના દસ્તાવેજ’ નાટક, બોલીવુડ નૃત્યો, ગરબો, કવ્વાલી, કોમેડી, શાયરીથી ભરચક આ કાર્યક્રમ સૌના હ્દયને સ્પર્શી ગયો.
‘આવડે મહેંકતા તો જિંદગી ગુલઝાર છે, ઓળખો તો રોશની, ના ઓળખો તો અંધાર છે..’
તસવીર સૌજન્ય : મીનાબહેન સંઘાણી


comments powered by Disqus