પુણેની ડેક્કન કોલેજની પ્રથમ વિદ્યાર્થિની, મુંબઈ વિશ્વવિદ્યાલયની પ્રથમ સ્નાતક, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરનારી પ્રથમ મહિલા, કોઈ પણ બ્રિટિશ વિશ્વવિદ્યાલયમાં કાયદાનો અભ્યાસ કરનારી પ્રથમ સ્ત્રી અને પ્રથમ ભારતીય, ભારત અને બ્રિટનમાં કાયદાનો અભ્યાસ કરનારી પ્રથમ મહિલા તથા ભારતની પ્રથમ મહિલા વકીલ....
એનું નામ કોર્નેલિયા સોરાબજી... ૧૫ નવેમ્બર ૧૮૬૬ના મુંબઈ પ્રેસિડેન્સીના નાસિકમાં જન્મ. રેવરેન્ડ સોરાબજી કારસેદજી અને ફ્રાન્સીના ફોર્ડના દસ સંતાનોમાંની એક. કોર્નેલિયાના નામકરણ સાથે કારણ જોડાયેલું. સ્ત્રીશિક્ષણની પ્રખર હિમાયતી લેડી કોર્નેલિયા મારિયા ડાર્લિંગ ફોર્ડના નામે એનું નામ કોર્નેલિયા રખાયેલું. પારસીમાંથી ખ્રિસ્તી મિશનરી થયેલા સોરાબજી કારસેદજી દ્રઢપણે માનતા કે લેડી કોર્નેલિયાની સમજાવટને પગલે જ મુંબઈ યુનિવર્સિટીએ સ્ત્રીઓને ડિગ્રીના અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવાનું શરૂ કરેલું. કોર્નેલિયા દંપત્તીએ પુણેમાં કેટલીક કન્યાશાળાઓ સ્થાપવામાં આગળ પડતો ભાગ ભજવેલો. લેડી કોર્નેલિયાએ ફ્રાન્સીનાને એની બાર વર્ષની ઉંમરે દત્તક લીધેલી. આ ફ્રાન્સીના એ કોર્નેલિયા સોરાબજીની માતા. ફ્રાન્સીના દત્તક માતાને પગલે ચાલી. સ્ત્રીશિક્ષણ માટે જયારે બારણાં બંધ હતાં, એવા સમયમાં નાનકડી બારી ખોલવાનો પ્રયાસ કર્યો.
કોર્નેલિયા સોરાબજીએ બાળપણથી માતાની પ્રવૃત્તિઓ નિહાળી. આરંભે નાનપણ બેલગામમાં અને પછી પુણેમાં પસાર થયું. કોર્નેલિયાનું શિક્ષણ ઘરમાં પણ થયું અને મિશનરી શાળામાં પણ. પુણેની ડેક્કન કોલેજમાં પ્રથમ વિદ્યાર્થિની તરીકે પ્રવેશ મેળવ્યો. પુરુષો માટેની શૈક્ષણિક સંસ્થા, ગુજરાત કોલેજમાં અંગ્રેજીના હંગામી અધ્યાપક તરીકે નોકરી આપી. દરમિયાન કોર્નેલિયા સાહિત્યના વિષયમાં ફર્સ્ટક્લાસની ડિગ્રી સાથે મુંબઈ યુનિવર્સિટીની પ્રથમ મહિલા સ્નાતક થઈ. ૧૮૮૯માં કોર્નેલિયા ઇંગ્લેન્ડ પહોંચી. ૧૮૯૨માં કોર્નેલિયાને ઓક્સફર્ડ યુનિવર્સિટીસંલગ્ન સોમરવિલે કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કરવાની તક મળી. જોકે અંતિમ પરીક્ષામાં પુરુષોની વચ્ચે બેસીને પરીક્ષા આપવાની મંજૂરી ન મળી. કોર્નેલિયાએ એની સામે લડત આપી. એની જીત થઈ. અંતે યુનિવર્સિટીએ પોતાનો નિયમ બદલ્યો. કોર્નેલિયાને પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી. આમ કોર્નેલિયા ઓક્સફર્ડમાં કાયદાનો અભ્યાસ કરનારી પ્રથમ મહિલા બની.
બે વર્ષ પછી, ૧૮૯૪માં કોર્નેલિયા કાયદાની ડિગ્રી સાથે ભારત પાછી ફરી. પરદાનશીનોના સામાજિક અને કાયદાકીય સલાહકાર તરીકે કોર્નેલિયાએ કામગીરી શરૂ કરી. ઘણા કિસ્સાઓમાં આ પરદાનશીનો સારી એવી સંપત્તિ ધરાવતી. પરંતુ યોગ્ય કાયદાકીય નિષ્ણાતને અભાવે પોતાના અધિકારોનું જતન ન કરી શકતી. કોર્નેલિયાને પરદાનશીનો વતી અદાલતી કાર્યવાહી કરવાની વિશેષ અનુમતિ આપવામાં આવી. એમ છતાં કોર્નેલિયા પરદાનશીનોનો બચાવ ન કરી શકી. કારણ કે એની પાસે ઓક્સફર્ડની ડિગ્રી હતી. એથી ભારતીય કાયદાકીય વ્યવસ્થામાં એનો કોઈ વ્યાવસાયિક અધિકાર નહોતો. સમસ્યાના નિવારણ માટે કોર્નેલિયાએ ૧૮૯૭માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલબીની પરીક્ષા ઉત્તીર્ણ કરી. ૧૮૯૯માં અલાહાબાદ હાઈકોર્ટની પ્લીડરની પરીક્ષા પાસ કરી. આમ કોર્નેલિયા ભારતની પ્રથમ મહિલા વકીલ બની. જોકે મહિલાઓની કાયદાકીય પ્રેક્ટિસ પ્રતિબંધિત કરતો કાનૂન
૧૯૨૩માં બદલાયો નહીં ત્યાં સુધી કોર્નેલિયા બેરિસ્ટર ન બની શકી.
કોર્નેલિયાએ ૧૯૦૨થી ઇન્ડિયા ઓફિસમાં પ્રાંતીય અદાલતોમાં સ્ત્રીઓ અને સગીરો માટે મહિલા કાયદાકીય સલાહકારની જોગવાઈ કરવા સંદર્ભે પીટીશનો કરવાનું શરૂ કર્યું. ૧૯૦૪માં બંગાળ કોર્ટ ઓફ વોર્ડસની મહિલા સહાયક તરીકે કોર્નેલિયાની નિયુક્તિ થઈ. એક અંદાજ મુજબ વીસ વર્ષની સેવામાં કોર્નેલિયાએ છસ્સો જેટલી સ્ત્રીઓ અને સગીરોને કાનૂની લડાઈ લડવામાં સહાય કરેલી. ક્યારેક તો વિનામૂલ્યે !
કાયદા મારફત લોકસેવા કરતાં કરતાં કોર્નેલિયા ૧૯૨૯માં નિવૃત્ત થઈ. લંડનમાં સ્થાયી થઈ. શિયાળામાં ભારત પ્રવાસે આવતીજતી રહેતી. લંડન સ્થિત મનોર હાઉસ ખાતે ગ્રીન લેન્સના નોરથમ્બરલેન્ડ હાઉસમાં પોતાના ઘરમાં ૬ જુલાઈ ૧૯૫૪ના ૮૭ વર્ષની ઉંમરે કોર્નેલિયા સોરાબજીએ અંતિમ શ્વાસ લીધા... કોર્નેલિયાએ ચિરવિદાય લીધી, પરંતુ ભારતની પ્રથમ મહિલા વકીલ તરીકે ચિરસ્મરણીય બની ગઈ છે !

