લોકશાહીના મજબૂત પાયાઓ પૈકીનો એક પાયો માનવ અધિકાર છે. દરેક લોકશાહીમાં માનવ અધિકારનું જતન કરવામાં આવે છે પરંતુ તેનો દુરૂપયોગ એક બીજું પાસુ પણ છે. માનવ અધિકાર અંતર્ગત લોકશાહીમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળે છે પરંતુ તેનો દુરૂપયોગ કરનારાનો પણ તોટો નથી. તાજેતરમાં જ ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા યુકે, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇટાલી જેવા દેશોમાં ભારતીય દૂતાવાસો સામે દેખાવો કરાયાં. ભારતના પંજાબમાં 1990ના દાયકામાં ખાલિસ્તાન માટે લોહિયાળ આતંકવાદ પ્રગટ્યો. ભારત સરકારના આકરાં વલણના કારણે પંજાબમાંથી ખાલિસ્તાની આતંકવાદ જડમાંથી ઉખેડી નંખાયો પરંતુ ઘણા ખાલિસ્તાની સમર્થકો પશ્ચિમના લોકતાંત્રિક દેશોની માનવઅધિકારની નીતિઓનો લાભ લઇ ત્યાં સ્થાયી થઇ ગયાં. યુકેમાં માનવ અધિકારના નામે ઘણા મામલાઓમાં સરકાર દ્વારા કુણું વલણ અપનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે જસ્ટ સ્ટોપ ઓઇલના આંદોલનકારીઓને જ લો. તેઓ તેમની સ્લો વોક દ્વારા લંડનની સડકો પર વાહનચાલકો માટે પારાવાર મુશ્કેલીઓ સર્જે છે તેમ છતાં સરકાર તેમની સામે આકરાં પગલાં લઇ શક્તી નથી. ખાલિસ્તાનીઓ દ્વારા પણ યુકેની આ માનવઅધિકાર નીતિઓનો દુરુપયોગ ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં થઇ રહ્યો છે. ફક્ત ખાલિસ્તાનીઓ જ નહીં પરંતુ વિજય માલ્યા, નીરવ મોદી જેવા ભારતના આર્થિક અપરાધીઓ પણ માનવ અધિકારના નામે યુકેમાં રાજ્યાશ્રય મેળવીને બિનદાસ્ત જિંદગી વીતાવી રહ્યાં છે. માનવ અધિકારના નામે યુરોપના ઘણા દેશોમાં મીડલ ઇસ્ટના ગૃહયુદ્ધ ગ્રસ્ત દેશોના લોકોને આશ્રય આપવામાં આવી રહ્યો છે જેનાં વરવાં પરિણામ તાજેતરમાં જ ફ્રાન્સે જોયાં. એક કિશોરની પોલીસ દ્વારા કરાયેલી હત્યાના પગલે આખા ફ્રાન્સમાં રમખાણો ફાટી નીકળ્યાં. લોકતંત્રોની માનવ અધિકારો અંગેની નીતિ કંઇક અંશે તેમને જ ભારે પડી રહી છે. માનવ અધિકારના નામે યુકેમાં ઘણા આલ્બેનિયન, રશિયન, અફઘાન અપરાધીઓ રાજ્યાશ્રય મેળવી ચૂક્યાં છે. લોકતાંત્રિક સરકારોએ માનવ અધિકારના દુરુપયોગને અટકાવવા માટે લક્ષ્મણ રેખા નક્કી કરવી જ પડશે.
