મિલ્ટન કીન્સમાં ‘ઇન્ડિયા ડે’ની શાનદાર ઉજવણીમાં હજારોની હાજરી

- જ્યોત્સ્ના શાહ Thursday 13th July 2023 05:41 EDT
 
 

૨૪ જુન ૨૦૨૩ના રોજ મિલ્ટન કીન્સના કેમ્પબેલ પાર્કમાં વૈવિધ્યસભર ભારતીય સંસ્કૃતિના રંગમાં એકતાનો ધ્વનિ ગુંજતો હતો. દિવસ દરમિયાન લગભગ ૧૫,૦૦૦ જેટલા માનવ મહેરામણે પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ ભારતના ૧૭ અલગ-અલગ રાજ્યોની સંસ્કૃતિ અને કલાના સમૃધ્ધ વારસાને સ્ટેજ પર રજુ કરી મીની ભારત ઉભુ કરવામાં સફળતાના શિખર સર કર્યા એમ કહીએ તો અતિશયોક્તિ નથી!
આ કાર્યક્રમમાં ભાગ લેવા લંડનથી માઁડી બર્મિંગહામ, કેમ્બ્રિજ, ઓક્સફર્ડ, એઇલ્સબરી વગેરે સ્થળોએથી માઇલોની મુસાફરી કરી હજારો ભારતીયો ઉપસ્થિત રહ્યાં હતાં. ૪૫૦ જેટલા કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં ૧૦ વર્ષથી ઉપરના ૮૦ જેટલા બાળકોએ પરેડમાં અને ૨૩૫ મહિલાઓ તથા ૧૩૫ ભાઇઓએ ભારતના ૧૭ અલગ-અલગ રાજ્યોના ક્લાસીકલ અને લોકનૃત્યો તેમજ ભારતીય સંગીતને ક્યાંય ભાષાના સીમાડા નડ્યા ન હતાં. સૌ કોઇએ આ કાર્યક્રમ મન ભરી માણ્યો હતો.
આ ‘ઇન્ડીયા ડે’ની સફળતા ID:MK ના આયોજકોનો સખત પરિશ્રમ, સ્વયંસેવકોનો નિ:સ્વાર્થ સેવાભાવ, સ્પોન્સરો તેમજ સ્થાનિક જનતાના ઉત્સાહને કારણે સફળતાને વર્યો હતો.
આ મેળામાં જુદા-જુદા પ્રાંતોની ભારતીય વાનગીના ફુડ સ્ટોલ્સ, ફેશન, જ્વેલરી વગેરેએ પણ આકર્ષણ જમાવ્યું હતું. જેઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી તેઓ માટે એક યાદગાર સંભારણું બની ગયું હતું. લંડનથી ગયેલ ભાઇ-બહેનોને ટ્રફાલ્ગર સ્કેવરની દિવાળી ઉજવણી જેવો બહુવિધ રંગીન કાર્યક્રમ હોય એવી અનુભૂતિ થઇ હતી.


comments powered by Disqus