યુરોપ પ્રવાસમાં યુકેની મુલાકાત પહેલી લેવા પાછળ બાઇડેનની મનશા શું?

Wednesday 12th July 2023 05:58 EDT
 

અમેરિકાના પ્રમુખ જો બાઇડેને આ વખતે યુરોપના પ્રવાસમાં સૌથી પહેલાં યુકેની મુલાકાત લેવાનું પસંદ કર્યું તે એક નોંધનીય બાબત છે. સામાન્ય રીતે અમેરિકી પ્રમુખ યુરોપના પ્રવાસે આવે છે ત્યારે સૌથી પહેલાં જિનિવા, બ્રસેલ્સની મુલાકાત પતાવીને યુકેની મુલાકાતે આવતાં હોય છે પરંતુ આ વખતે બાઇડને અલગ ચીલો ચાતર્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં નાટોના સભ્ય દેશો દ્વારા યુક્રેનને શસ્ત્ર સહાય આપવામાં આવી રહી છે. તાજેતરમાં અમેરિકાએ જાહેરાત કરી હતી કે યુક્રેનને અમેરિકા દ્વારા ક્લસ્ટર બોંબ આપવામાં આવશે. અત્રે વિદિત છે કે યુરોપના મોટા ભાગના દેશો દ્વારા ક્લસ્ટર બોંબની વિનાશકતાના કારણે તેના પર પ્રતિબંધ મૂકાયો છે. યુકેએ પણ સ્પષ્ટતા કરી દીધી છે કે તે યુક્રેનને ક્લસ્ટર બોંબ આપવાની તરફેણમાં નથી. આવી સ્થિતિમાં યુકેને રાજી કરવો બાઇડેનની જરૂરીયાત બની ગઇ છે. તેના કારણે જ તેમણે લિથુઆનિયા ખાતે આયોજિત થનારી નાટોની બેઠક પહેલાં યુકેને રિઝવવાનો પ્રયાસ કરવા પહેલા યુકેની મુલાકાત લેવાનું પસંદ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. બાઇડેન સારી રીતે જાણે છે કે રશિયા સામેની વ્યૂહરચનામાં યુકેના વડાપ્રધાન રિશી સુનાકના સાથ અને નેતૃત્વ અમેરિકા માટે અત્યંત આવશ્યક છે. અમેરિકી લાલો લાભ વગર ક્યારેય લોટતો નથી. તેના કારણે જ બાઇડેને વિલનિયસ જતાં પહેલાં યુકેમાં રોકાણ કરવાનું નક્કી કર્યું હોવાની સંભાવના છે. નાટોના વડા તરીકે બ્રિટિશ સંરક્ષણ મંત્રી બેન વોલેસની ઉમેદવારીની અમેરિકાએ થોડા સમય પહેલાં બાદબાકી કરી નાખી હતી જેના કારણે અમેરિકા અને યુકે વચ્ચે મનદુઃખ સર્જાયું હતું. તેથી નાટોમાં યુકે દ્વારા અમેરિકી પ્રસ્તાવો આડે અવરોધ ઊભો ન કરાય તે માટે પણ સુનાકને રાજી કરવા આ મુલાકાત ગોઠવાઇ હોય તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.


    comments powered by Disqus