બ્રિટનમાં જો કોઇ શ્વેત વ્યક્તિ એશિયન કે અશ્વેત સાથે ગેરવર્તન કરે તો રેસિઝમની કાગારોળ મચાવી દેવામાં આવે છે પરંતુ આપણે ભારતીયો પોતાના જ દેશબંધુઓ સાથે કેવા પ્રકારનો વર્તાવ કરીએ છીએ તે અંગે આંખ આડા કાન કરતાં રહ્યાં છીએ. તાજેતરમાં જ ભારતના મધ્ય પ્રદેશના સિધી જિલ્લાના ભાજપના ધારાસભ્ય કેદારનાથ શુકલાના સહાયક પ્રવેશ શુકલાનો નશાની હાલતમાં એક આદિવાસી વ્યક્તિ પર પેશાબ કરતો વીડિયો જાહેર થતાં હડકંપ મચી ગયો હતો. આપણે વિશ્વને વસુધૈવ કુટુમ્બકમનો ઉપદેશ આપીએ છીએ પરંતુ આપણા જ સમાજમાં એટલી હદે ભેદભાવ ઘર કરી ગયો છે તેને દૂર કરવાનો આપણે જરાયે પ્રયાસ કરતાં નથી. ભારતમાં આદિવાસીઓની વસતી લગભગ 9 ટકા જેટલી છે. આજે પણ આ સમુદાય અત્યંત દારૂણ સ્થિતિમાં જીવનનિર્વાહ કરી રહ્યો છે. ગરીબીના કારણે તે ક્યારેય પોતાની સાથે રખાતા ભેદભાવ અને અત્યાચાર સામે માથું ઊંચકી શક્તો નથી. તેને સમાજના દરેક સ્તરે હડધૂત કરાય છે. મધ્યપ્રદેશ જેવી અત્યાચારની ઘટનાઓ તો દરરોજ ઘટિત થતી હોય છે પરંતુ તેને ક્યારેય મીડિયામાં સ્થાન અપાતું નથી. ફક્ત આદિવાસી જ નહીં પરંતુ ભારતમાં દલિતો અને અન્ય લઘુમતીઓ પ્રત્યે પણ ધૃણાની નજરે જોવામાં આવે છે. આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં દલિત સમાજનો યુવાન ઘોડી પર સવાર થઇને જાન જોડી શક્તો નથી. કહેવાતા ઉચ્ચ વર્ગના લોકો દ્વારા આ મામલે હત્યા કરી નાખવામાં આવી હોય તેવી તો અનેક ઘટનાઓ મળી આવે છે. દેશના ઘણા વિસ્તારો એવા પણ છે જ્યાં માથે મેલુ ઉપાડવાની અમાનવીય પ્રથા આજે પણ જારી છે. સુપ્રીમ કોર્ટ અને સરકારોના આદેશો છતાં દલિતોને ગટરોના મેનહોલ સાફ કરવા તેમાં ઉતરવાની ફરજ પડાય છે. જેના કારણે દર વર્ષે ઘણા દલિતો મોતને ભેટે છે. 21મી સદીમાં પણ ભારતીય સમાજમાં દરેક વ્યક્તિને તેના ધર્મ, જાતિ, વર્ણના આધારે ઓળખવામાં આવે છે. આપણે ક્યારેય ભારતીયને ભારતીય તરીકે સ્વીકારતા જ નથી. જ્ઞાતિવાદ, ધર્મવાદ ઓછાં હોય તેમ આપણે ભારતીયો રાજ્યવાર અને ભાષાવાર પણ વિભાજિત છીએ. જો આપણે કોઇની જ્ઞાતિ કે ધર્મ ન જાણતા હોઇએ તો તેના રંગરૂપ, રહેણીકરણી, રાજ્ય અને ભાષાના નામે પણ તેની સાથે ભેદભાવ કરી બેસીએ છીએ. અરે આ બધું તો છોડો ખોરાકના મામલે પણ આપણે ભારતીયો વિભાજિત થયેલાં છીએ. શાકાહારી ભારતીય માંસાહાર કરતા ભારતીયોને ધૃણાની નજરે જોતાં હોય છે. શું આ એક પ્રકારનું રેસિઝમ નથી? જ્યાં સુધી આપણા સમાજમાંથી આ રેસિઝમ દૂર નહીં થાય ત્યાં સુધી વિશ્વને વસુધૈવ કુટુમ્બકમનો ઉપદેશ આપવાનો આપણને કોઇ અધિકાર નથી.
