અમેરિકનો અને ગંભીર દુષણ બની રહેલું ગન કલ્ચર

Wednesday 13th December 2023 09:02 EST
 

અમેરિકન સમાજમાં બંદૂક (ગન)નું એક આગવું સ્થાન છે. અમેરિકાના બંધારણમાં કરાયેલા બીજા સુધારાએ અમેરિકનોને શસ્ત્ર રાખવાનો અધિકાર આપ્યો છે. અમેરિકાના ત્રીજા ભાગના પુખ્તો કહે છે તે તેઓ અંગત રીતે ગનની માલિકી ધરાવે છે. દર 10માંથી ચાર પરિવારમાં બંધૂક રાખવામાં આવે છે. 32 ટકા લોકો તો તેમની અંગત ગન ધરાવે છે. 40 ટકા પુરુષ અને 25 ટકા મહિલા અંગત ગન ધરાવે છે. ગ્રામીણ વિસ્તારોમાં 47 ટકા લોકો ગન લઇને ફરે છે. 38 ટકા શ્વેત અમેરિકનોની સામે 24 ટકા અશ્વેત અમેરિકન બંદૂક ધરાવતા હોય છે. જે રીતે અમેરિકામાં ગન રાખવી સર્વસામાન્ય બાબત છે તેવી જ રીતે ગન પર નિયંત્રણ લાદવાની ચર્ચાઓ પણ સર્વ સામાન્ય છે. અમેરિકામાં ગન કલ્ચરના હિમાતીઓ માટે અંગત સંરક્ષણ ટોચની બાબત છે. જ્યારે મોટાભાગના લોકો શસ્ત્ર સાથે ફરતા હોય ત્યારે અંગત સલામતી ટોચની પ્રાથમિકતા બની જાય છે અને તેના કારણે લોકો બંદૂક રાખવી હિતાવહ સમજે છે. અમેરિકાની મુલાકાત દરમિયાન મેં જોયું છે કે આ વિશાળ દેશમાં મોટા શહેરો સિવાય ક્યાંય ગીચ વસતી જોવા મળતી નથી. ગ્રામીણ વિસ્તારોમાં તો છૂટા છવાયા મકાનો જ જોવા મળે છે. આવી સ્થિતિમાં સ્વ-સંરક્ષણ દરેક પરિવાર માટે મહત્વની બાબત બની રહે છે. પરંતુ આ ગન કલ્ચરના વિપરિત પરિણામો પણ અમેરિકામાં જોવા મળી રહ્યાં છે. આધુનિક યુગની દબાણયુક્ત અને તણાવભરી જીવનશૈલીના કારણે ડિપ્રેશન સહિતના માનસિક રોગોનો શિકાર બની રહેલા લોકો આડેધડ હિંસા આચરતા અચકાતા નથી અને તેના પગલે અમેરિકામાં છાશવારે ગોળીબાર અને હિંસાની ઘટનાઓ નોંધાતી રહે છે. અમેરિકામાં એક વર્ગ ગન પર નિયંત્રણો અથવા તો પ્રતિબંધ લાદવાની છેલ્લા ઘણા વર્ષોથી માગ કરી રહ્યો છે પરંતુ સત્તાધીશો નિયંત્રણો લાદવામાં સફળ થઇ રહ્યાં નથી. એક તરફ સુરક્ષાનો મામલો હોવાથી એક મોટો વર્ગ ગન પરના નિયંત્રણોનો વિરોધ કરે છે તો બીજીતરફ ગન લોબી પણ એટલી જ પ્રભાવશાળી છે. અમેરિકામાં એટલા મોટા પ્રમાણમાં ઘરોમાં જ બંદૂકો ખડકાયેલી છે કે તેના પર નિયંત્રણ મેળવવું ઘાસના ઢગલામાંથી સોય શોધવા જેવું કપરું કામ છે. અમેરિકનો પણ આ કલ્ચરમાં રહેવા ટેવાઇ ગયાં છે પરંતુ છાશવારે થતી બંદૂકબાજીની ઘટનાઓ મોટી ચિંતાનો વિષય છે.


comments powered by Disqus