આર્થિક અસમાનતા વિશ્વને બે ધરીમાં વિભાજિત કરી રહી છે

Wednesday 13th December 2023 05:05 EST
 

અત્યંત આધુનિક યુગમાં પ્રવેશી ગયેલા વિશ્વમાં પ્રગતિની સાથે આર્થિક અસમાનતામાં પણ વધારો થઇ રહ્યો છે. વિશ્વના ટોચના અબજોપતિઓની સંપત્તિ કૂદકે અને ભૂસકે વધી રહી છે. મલ્ટી નેશનલ કંપનીઓનો નફો રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યો છે ત્યારે મોંઘવારીના મારથી પીડાતા ગરીબો ખસ્તાહાલ બની રહ્યાં છે. યુકે પણ તેમાંથી અછૂતો દેશ નથી. વિકસિત ગણાતા યુકેમાં કોરોના મહામારી બાદ એક મોટો વર્ગ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસમાં સપડાઇ ગયો અને હજુ તેના દુષ્પરિણામો ભોગવી રહ્યો છે. સેન્ટર ઓફ સોશિયલ જસ્ટિસ દ્વારા તાજેતરમાં કરાયેલા એક અભ્યાસ અનુસાર બ્રિટનમાં છેલ્લા 15 વર્ષમાં ગરીબોની સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી. કોરોના મહામારી બાદ લદાયેલા લોકડાઉનોએ તો ગરીબોની કમર તોડી નાખવાની સાથે સામાજિક તાણાવાણા પણ વેરવિખેર કરી નાખ્યાં છે. રિપોર્ટમાં ચેતવણી અપાઇ છે કે યુકે ફરી એકવાર વિક્ટોરિયન યુગની અસમાનતામાં ધકેલાઇ રહ્યો છે. મુખ્ય પ્રવાહના સમાજ અને અત્યંત ગરીબ વર્ગ વચ્ચેની ખાઇ વધુ પહોળી બની રહી છે. 1 કરોડ 34 લાખ લોકો દારૂણ ગરીબીમાં જીવવા મજબૂર બની ગયાં છે. વિશ્વના મોટાભાગના દેશમાં આવકની અસમાનતા વ્યાપક બની છે. વિશ્વની બહુમતી વસતી આજે દારૂણ ગરીબીમાં જીવન પસાર કરી રહી છે. વિશ્વની કુલ વસતીના 50 ટકા લોકો એટલે કે 400 કરોડ લોકો પ્રતિ દિવસ ફક્ત 6.70 ડોલર કરતાં પણ ઓછી સરેરાશ આવક ધરાવે છે. જો તમારી આવક 30 ડોલર પ્રતિ દિવસ હોય તો તમે વિશ્વના અમીર એવા 15 ટકા લોકોમાં સામેલ છો. ભારતમાં પણ સ્થિતિ અલગ નથી. ભારતમાં 2023માં સરેરાશ માથાદીઠ પ્રતિ દિવસ આવક 6.8 ડોલર જ રહી છે. જેની સામે ભારતના અબજોપતિઓની સંપત્તિમાં દિન દો ગુની રાત ચાર ગુનીનો વધારો જોવા મળી રહ્યો છે. આ આર્થિક અસમાનતા વિશ્વને બે ધરીમાં વિભાજિત કરી રહી છે. અમીરો ખુશહાલ જિંદગી જીવી રહ્યાં છે જ્યારે ગરીબો અમીરોની ગુલામીમાં ધકેલાઇ રહ્યાં છે.


comments powered by Disqus