આજથી થોડાં દાયકા પહેલાં મિડલ ઇસ્ટના દેશોનો ઉલ્લેખ આવે ત્યારે નજર સમક્ષ કટ્ટર ઇસ્લામિક શાસકોના ચહેરા તરવરવા લાગતા હતા. સાઉદી અરબ, યુનાઇટેડ આરબ અમિરાત સહિતના નાના મોટા આરબ દેશો પર રાજા, શેખ અને સરમુખત્યારોનું એકહથ્થુ શાસન ચાલતું અને તેઓ સમગ્ર વિશ્વમાં ઇસ્લામનો ઝંડો લઇને ફરતા હતાં પરંતુ છેલ્લા એક દાયકાથી મીડલ ઇસ્ટ એશિયાના આ દેશોમાં જાણે કે પરિવર્તનનો પવન ફૂંકાયો છે. સ્થાનિક રાજકારણ, સમાજ, વિદેશો સાથેના સંબંધોના સ્તરે આ દેશોના શાસકો હવે જાણે કે અલગ જ ચીલા ચાતરી રહ્યાં છે. 2011માં આરબ દેશોમાં શરૂ થયેલા બળવાએ આરબ શાસકોને તેમની શાસન નીતિઓમાં ધરમૂળથી બદલાવ કરવા મજબૂર કરી દીધાં અને તેના પરિણામો હવે વિશ્વ ફલક પર દેખાઇ રહ્યાં છે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સથી માંડીને યુએઇના શેખો સહિત આરબ દેશોના શાસકો સારી રીતે સમજી ચૂક્યાં છે કે કટ્ટરવાદ કરતાં મવાળવાદમાં વધુ પ્રગતિ રહેલી છે. આ સમજણના આધારે અપનાવાઇ રહેલી નીતિઓ હવે તેમને વિકાસના ફળની સાથે વૈશ્વિક સ્વીકૃતિ પણ અપાવી રહી છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને મવાળવાદી નીતિઓ અપનાવીને દેશમાં મહિલાઓને અધિકાર આપવાનો પ્રારંભ કર્યો છે. આજે સાઉદીમાં મહિલાઓ સુરક્ષા દળો સુધીના ક્ષેત્રોમાં યોગદાન આપી રહી છે. યુએઇમાં શેખ શાસકોએ દુબઇ અને અબુધાબીનો જે રીતે વિકાસ કર્યો તેના કારણે આજે દુબઇ વિશ્વનું કોર્પોરેટ સિટી બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. શારજાહ, મસ્કત, કતર, કુવૈત સહિતના આરબ દેશો પણ આ દિશામાં ઝડપથી પ્રગતિ કરી રહ્યાં છે. આરબ દેશો પરંપરાગત દુશ્મનીઓ ભૂલીને વિદેશ નીતિમાં પણ ધરમૂળથી બદલાવ લાવી રહ્યાં છે. તેનું તાજું ઉદાહરણ યુએઇ અને સાઉદીએ ઇઝરાયેલ સાથે પુનર્જિવિત કરેલા રાજદ્વારી સંબંધો. પેલેસ્ટાઇનના મામલે હવે આરબ દેશો ઇઝરાયેલ પ્રત્યે આકરું વલણ અપનાવી રહ્યાં નથી. આરબ દેશોને હવે ધર્મ કરતાં પણ બિઝનેસમાં વધુ રસ છે. આજે વિશ્વમાં થઇ રહેલા મૂડીરોકાણોમાં આરબ દેશોનો હિસ્સો ઘણો મોટો છે. અમેરિકા અને યુકે જેવા વિકસિત દેશોમાં પણ આરબ મૂડીરોકાણની બોલબાલા વધી રહી છે. આમ ઊંટ પર ફરતો આરબ આજે હવે સફળતાની ઊંચાઇઓ સર કરી રહ્યો છે તે વાતમાં કોઇ શંકા નથી.
