અમદાવાદઃ ગુજરાતની આગવી ઓળખસમાન ગરબાની ભવ્ય સાંસ્કૃતિક પરંપરા હવે વિશ્વનો પણ વારસો બની છે. યુનેસ્કો દ્વારા ગરબાને ભારતનો 15મો અમૂર્ત સાંસ્કૃતિ વારસો (ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ) જાહેર કરાયો છે. આમ, ગરવા ગુજરાતીઓનો ગરબો હવે સકળ લોકમાં ઘૂમશે. ‘વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ’ તરીકે આગવી ઓળખ મેળવી ચૂકેલો ગરબાએ વૈશ્વિક સન્માન મેળવતાં જ વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓએ ગરબે ઘૂમીને આ ગૌરવપૂર્ણ ક્ષણની ઉજવણી કરી હતી. આદ્યશક્તિ અંબાજીના ચાચર ચોકથી માંડીને ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્કવેરમાં ગુજરાતીઓ પરંપરાગત વસ્ત્રોમાં ગરબે ઘૂમ્યા ત્યારે માગશરમાં આસો નવરાત્રિ જેવો માહોલ જામ્યો હતો.
નવરાત્રિના પવિત્ર દિવસોમાં માતાજીની આરાધના માટે ગરબે ઘુમવાની સદીઓ પુરાણી પરંપરા આજે પણ મૂળ તથા આધુનિક સ્વરૂપે ગુજરાતમાં પ્રચલિત છે. યુનેસ્કોની વેબસાઇટ પર જણાવાયું છેઃ ગરબા એક ભક્તિપૂર્ણ નૃત્ય છે, જે નારીશક્તિની પૂજાને સમર્પિત છે.
આજથી બે વર્ષ પૂર્વે દક્ષિણ આફ્રિકાના બોત્સવાનામાં યોજાયેલા યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન)ના આંતરરાષ્ટ્રીય સંમેલન વેળા ભારત સરકારે ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
આ રજૂઆતનો સ્વીકાર થતાં ગુજરાતના ગરબા ભારતનો 15મો અમૂર્ત સાંસ્કૃતિક વારસો બન્યો છે. અગાઉ આ યાદીમાં ભારતમાંથી રામલીલા, વૈદિક મંત્રોચ્ચાર, કુંભ મેળો અને દુર્ગા પૂજા સહિત 14 સાંસ્કૃતિક તત્વોનો સમાવેશ થઇ ચૂક્યો છે.
(વિશેષ અહેવાલ પાન - 17)

