ઇન્ડિયા અને ભારતનો ક્ષુલ્લક રાજકીય વિવાદ

Wednesday 13th September 2023 05:52 EDT
 

ભારતમાં આજકાલ એક નવા પ્રકારનો વિવાદ ચાલી રહ્યો છે. ભારતનું સાચું નામ શું, ઇન્ડિયા કે ભારત, તે અંગે સત્તાપક્ષ અને વિપક્ષ આજકાલ બેફામ નિવેદનબાજી કરી રહ્યાં છે. સત્તાપક્ષના લોકો ઇન્ડિયા શબ્દને વિદેશી મૂળનો ગણાવી રહ્યાં છે તો વિપક્ષ પોતાના તર્ક વિતર્ક આપી રહ્યો છે. ભારતના બંધારણમાં સ્પષ્ટ લખ્યું છે કે  India that is Bharat તેમ છતાં આ વિવાદને યેનકેન પ્રકારે ચગાવવામાં આવી રહ્યો છે. આપણા દેશમાં સરકાર માટે અંગ્રેજી અને હિન્દીમાં બે સંસ્કરણ ચાલે છે. અંગ્રેજીમાં સરકારને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે સંબોધવામાં આવે છે જ્યારે હિન્દીમાં ભારત સરકાર કહેવાય છે. આમ પણ ભારત અને ઇન્ડિયા આજકાલના શબ્દો નથી. આ બંને શબ્દો આપણા સાંસ્કૃતિક ઇતિહાસનો હિસ્સો છે. ઇન્ડિયા શબ્દ  છેક એલેકઝાન્ડર ધ ગ્રેટ દ્વારા ભારત પર હુમલો કરાયો તે સમયગાળાથી ચાલતો આવે છે. સિંધુ (ઇન્ડસ) નદીની આસપાસ વિસ્તરેલી સભ્યતાના નામ પરથી ઇન્ડિયા શબ્દ આવ્યો છે. તેવી જ રીતે ભારત શબ્દ પૌરાણિક કાળના શકુંતલા અને દુષ્યંત રાજાના સંતાન ભરત સાથે સંકળાયેલો છે. આમ ઇન્ડિયા અને ભારત બંને શબ્દ આપણા માનસપટ પર કોતરાયેલાં છે જેને અલગ કરી શકાય તેમ નથી. પરંતુ આજના ઇન્ડિયા અથવા તો ભારતમાં આ બંને શબ્દોનો ઉપયોગ ક્ષુલ્લક રાજનીતિ માટે કરવામાં આવી રહ્યો છે તેનાથી વધુ અફસોસજનક બાબત કઇ હોઇ શકે. અધકચરું ઐતિહાસિક જ્ઞાન ધરાવતા રાજકીય નેતાઓ તેમના તર્ક વિતર્કના આધારે સમાજમાં વિભાજનના પ્રયાસ કરી રહ્યાં છે જેથી તેમની રાજનીતિની દુકાન ચાલતી રહે. આજે ઇન્ડિયા નામને સમર્થન આપનારાને દેશવિરોધી તરીકે ચીતરવામાં આવી રહ્યાં છે જ્યારે ભારત નામને સમર્થન આપનારા આપોઆપ દેશભક્ત બની રહ્યાં છે. આ નામોની પસંદગીના આધારે દેશભક્તિને માપવી નરી મૂર્ખતા જ છે. દેશને બંને નામ આપનાર બંધારણીય સમિતિના વિદ્વાનોના દેશપ્રેમ પર શંકા લાવવી પણ નરી મૂર્ખતા જ છે કારણ કે તેઓ પ્રખર જ્ઞાનીઓ હતાં. તેમણે આ દેશ અને તેની આઝાદી માટે સર્વોચ્ચ બલિદાનો આપ્યાં હતાં. તેઓ ફક્ત સ્વાતંત્ર્ય સેનાનીઓ જ નહીં પરંતુ પોતાના ક્ષેત્રોની વિભૂતિઓ હતાં. આજે ઇન્ડિયા અને ભારતના નામે દેશમાં વિભાજન સર્જી રહેલાં રાજકારણીઓમાંથી કોઇ તેમની તોલે આવી શકે તેમ નથી. એક નાહકનો વિવાદ સર્જવામાં આવી રહ્યો છે.


comments powered by Disqus