યાદ છે આઝાદ હિન્દ ફોજના સેનાપતિ નેતાજી સુભાષચંદ્ર? અને તેમને આઝાદ હિન્દ ફોજ સુપરત કરનાર રાસબિહારી બોઝ? અને, ભારતની સ્વતંત્રતાની સંપૂર્ણ ચાહના રાખતો જાપાની સૈન્યનો જનરલ તોજો? કે પછી સુભાષને 18 ઓગસ્ટ, 1945ના કથિત વિમાની અકસ્માત પછી (હા, તે પછી!) છેક રશિયા લઈ જનાર કર્નલ શિદેઇ?
મુશ્કેલી એ છે કે આપણે આલિયા-માલિયાઓને તો માથે ચઢાવીએ છીએ પણ આપણાં ઈતિહાસને ઘડનારાં પાત્રોને ભૂલી જતાં હોઈએ છીએ. આવું જ એક નામ રાસબિહારી બોઝનું છે, જેમને વિરાટ એશિયાનો વિચાર મૂક્યો હતો, જાપાને તેમણે આદર આપ[યો હતો, બોઝે જાપાનીઝ ભાષામાં અને અંગ્રેજીમાં અનેક ગ્રંથો લખ્યા તે સંસ્કૃતિ, રાષ્ટ્ર અને ભાષા વિષેનું અદ્દભુત સર્જન છે. અકાદમીઓ કે બીજી સાહિત્ય સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ આવાં કામો ક્યારે કરશે, તે ખબર નથી પણ હમણાં ટોકિયોના એક અખબારે લખ્યું કે અમે ભારતીય ક્રાંતિકાર અને વિદ્વાન રાસબિહારી બોઝને અમારું ગૌરવ ગણીએ છીએ. બોલો, આપણે તેમના વિષે જાણવું જોઈએ એટલું જાણીએ છીએ?
સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તેમનું સ્મરણ એટલા માટે કે આ મહિનાઓમાં 1941માં ટોકિયો એક મહાન ઐતિહાસિક ઘટનાનું નિર્માણ કરવા તરફ હતું, તે ભારત-મુક્તિ માટે 80000 ભારતીય સૈનિકો,જેને યુદ્ધમાં પરાજિત બ્રિટિશ સેના જાપાનના હાથમાં સોંપીને ભાગી છૂટી હતી, તેની આઝાદ હિન્દ સેનાની રચનાનું.
તેમાં પ્રાણ પૂર્યો રાસબિહારી બોઝે. ભારતીય સેના અને પ્રજામાં ગદરનો મોટો પ્રયાસ થયો અને તેમાં એક ઘરના ઘાતકીએ ગુપ્તચરોને માહિતી પહોંચાડી ત્યારે અનેકો પકડાયા, ફાંસી મળી, મુખ્ય નેતા રાસબિહારી ભારતમાંથી બ્રિટિશ આંખોમાં ધૂળ નાખીને છટકી ગયા, 1915થી જાપાનવાસી બન્યા. લેખો લખ્યા, પુસ્તકો થયા, એક સામયિક પ્રકાશિત કર્યું, પૂર્વ એશિયામાં મોજૂદ ભારતીય ક્રાંતિકારોનો સંપર્ક કર્યો. ઇંડિયન ઈંડિપેન્ન્ટ્સ લીગ સ્થાપી. 1942માં ઇંડિયન નેશનલ આર્મીની સ્થાપના થઈ અને પુરોગામીની જેમ જ અંગ્રેજોની નજરમાથી છટકી જઈને એક બીજો બંગાળી વીરપુરુષ કોલકાતાથી કાબુલ થઈને જર્મની અને જાપાન સુધી અનેક સંકટો પાર કરીને પહોંચ્યા તે સુભાષના સુદ્રઢ અને સમર્પિત હાથમાં આ ફોજ સોંપી, જેણે છેક ઇમ્ફાલ સુધી વિજયકૂચ કરી હતી.
પણ રાસુ”દા ની ઘટનાઓ તો ક્રાંતિની જ્વાલામાં ખીલેલા ફૂલ જેવી છે. શરૂઆતમાં જાપાન બ્રિટિશ સરકારની સાથે સંબંધ ધરાવતું હતું એટ્લે ભારતમાં વાઇસરોયની ટ્રેન પર બોમ્બ ફેંકીને દિલ્હીથી લંડન સુધી રાજકીય વિસ્ફોટ સર્જનાર રાસબિહારી, હેરંબલાલ ગુપ્તા વગેરે અમને સોંપી દો એવું જણાવાયું. ટોકિયોના પ્રબુદ્ધ વર્ગમાં રાસબિહારી લોકપ્રિય હતા.જે સાંજે હદપાર થવાની છેલ્લી ચેતવણી હતી, બંને જાપાનીઝ મિત્ર ટોયામાના ઘરે પહોંચ્યા, ટોયોમા જાપાનના અત્યંત પ્રતિષ્ઠિત મહાનુભાવ હતા, બહાર પોલીસ તાકીદ કરતી ઊભી રહી અને બંને ક્રાંતિકારોને ઉઘાડા પગે ઘરની અંદરથી બહાર પાડોશીને ત્યાં જતાં રસ્તે લઈ જવાયા. બિચારી પોલીસ તો બહાર તેમના જૂતાંની ચોકીદારી કરતી રહી. થોડે દૂર એક કારમાં બોઝ નીકળી ગયા અને એક બેકરીમાં પ્રવેશ કરાવ્યો. તે આઇઝો સોમા અને તેની પત્ની કોકકોની માલીકીની હતી. અહી બંને-બોઝ અને હેરામબલાલ ગુપ્ત રીતે રહ્યા. અખબારોમાં તો બે ક્રાંતિકારો ભાગી છૂટયાના જ અહેવાલો ! બે મહિના આમ એકાંતમાં રહેવું હેરંબલાલને તો ફાવ્યુ નહિ, ભાગી છૂટયા. રાસબિહારી આ એકાંતવાસમાં જાપાની ભાષા શીખી ગયા અને પુસ્તક લેખન કર્યું. થોડો સમય વીતી ગયા પછી પેલો ધરપકડનો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો. પણ બ્રિટિશરોને તો બોઝને પોતાના કબ્જે લઈને જન્મટીપ કે ફાંસીની સજા આપવી હતી.
આવી સ્થિતિમાથી રસ્તો ટોયોમાએ સૂચવ્યો. જો રાસબિહારી બોઝ જાપાનીઝ નાગરિક બની જાય તો પછી બ્રિટિશરોનો ઇરાદો નિષ્ફળ જાય.
અને તેમ કરવા માટે બોઝ જો જાપાનીઝ યુવતી સાથે લગ્ન કરે તે રસ્તો હતો. જે બેકરી નિર્માતા આઇઝો અને કોકકો- પતિ પત્ની, તો આશ્ચર્યમાં મુકાયા. પણ તેની યુવા કન્યા તોશિકોને ઘણા સમયથી આ ક્રાંતિકારી સાથે પ્રેમ થઈ ગયો હતો, માત્ર વ્યક્ત નહોતો કર્યો. નવી પરિસ્થિતિમાં તેને જીવનસાથી મળ્યો, 9 જુલાઈ, 1918 તેમના લગ્ન થયા, બે સંતાનો થ્ય. પણ 1924માં ન્યુમોનિયામાં માત્ર 28 વર્ષની વયે વિદાય લીધી. તેમની વિદાય સમયે રાસબિહારીએ વૈદિક મંત્રોનો જાપ કર્યો .
1920 પછી આઇઝો અને કોકકોની બેકરીમાં મંદી આવી. રાસબિહારીને નવી જિંદગી આ દંપતીએ આપી હતી તેનું રૂણ તેઓ કઈ રીતે ભૂલે? બેકરીને કાફેમાં બદલવી અને નામાંકૂરાયા કાફે માટે આ ભારતીય ક્રાંતિકારે ભારતીય વાનગીઓ શરૂ કરી તેમાથી “નામાકુરાયાની કઢી” એવી જાણીતી થઈ કે આજે પણ એજ રેસ્ટોરન્ટમાં જપનીઝો તેનો સ્વાદ માણવા જાય છે. એટલું ઉમેરીએ કે આપણાં આ જલાવતન ક્રાંતિકાર ટોકિયોમાં જ અવસાન પામ્યા.

