જી-20ની ઐતિહાસિક સફળતાએ વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો

Wednesday 13th September 2023 05:51 EDT
 

સક્સેસ સ્ટોરી એટલે કે સફળતાની કહાણી. 2023માં જી-20ના અધ્યક્ષ તરીકે ભારતે ઇતિહાસમાં સફળતાનું એક નવું પ્રકરણ આલેખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે ભારતના કદને વિશાળ બનાવી દીધું છે. તાજેતરમાં જ દિલ્હીમાં જી-20 સંગઠનના વૈશ્વિક નેતાઓના શિખર સંમેલનના સફળ અને દમદાર આયોજને સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો છે. ફક્ત ઝાકઝમાળભર્યા આયોજનમાં જ નહીં પરંતુ ભારતે સંગઠનના અધ્યક્ષ તરીકે કૂટનીતિના દરેક મોરચે વિજય હાંસલ કરીને પોતાને એક મહાસત્તા તરીકે સ્થાપિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ભારતના એક વર્ષના જી-20ના અધ્યક્ષ તરીકેના કાર્યકાળમાં 3 અત્યંત મહત્વના લાંબાગાળાના વલણ ઉભરી આવ્યાં છે. 2022માં બાલી ખાતેના જી-20 શિખર સંમેલનમાં યુક્રેન યુદ્ધના મામલે વૈશ્વિક  મહાસત્તાઓ વચ્ચેના વિખવાદ વધુ ઉગ્ર બનીને સામે આવ્યાં હતાં. પરંતુ જી-20ના મુખ્ય એજન્ડાને પાટા પરથી ખડી પડતા અટકાવવામાં ભારત સફળ રહ્યો છે. બાલીમાં રશિયા અને ચીને યુક્રેન પરના ઠરાવને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. પરંતુ નવી દિલ્હી 2023ના જી-20ના ડેકલેરેશનમાં મોસ્કો અને બેઇજિંગને સ્વીકાર્ય એવી ભાષાનો ઉપયોગ કરવામાં અને સર્વસંમતિ સાધવામાં સફળ રહી હતી. જેના કારણે જી-20 સંગઠનની એકતા જળવાઇ રહી હોવાનો સ્પષ્ટ સંદેશ વિશ્વ સમક્ષ ગયો હતો. રશિયાના પ્રમુખ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગે સંમેલનમાં હાજરી આપવાનો ઇનકાર કરીને સંમેલનની સફળતા પર પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધું હતું પરંતુ ભારતની કુટનીતિક કુનેહે ન કેવળ રશિયા અને ચીનને રાજી રાખ્યાં પરંતુ પશ્ચિમની મહાસત્તાઓ પણ દિલ્હીમાં બાલી ખાતે કરાયેલા ઠરાવની ભાષા હળવી બનાવવા સહમત થઇ ગઇ હતી. અમેરિકા સહિતના પશ્ચિમના દેશો પણ આ વખતે સાનમાં સમજી ગયાં હતાં કે ગ્લોબલ સાઉથમાં યુક્રેન અંગેની તેની નીતિ ચાલી રહી નથી. મોટાભાગના વિકાસશીલ દેશોએ યુક્રેન યુદ્ધનો વિરોધ તો કર્યો હતો પરંતુ રશિયા પરના પ્રતિબંધોમાં સાથ આપવામાં ખચકાટ અનુભવી રહ્યાં હતાં. તેથી જ પશ્ચિમના દેશોએ આ વખતના જી-20 સંમેલનમાં યુક્રેનને મુખ્ય મુદ્દો બનાવવાને સ્થાને ગ્લોબલ સાઉથની ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે દિલ્હીને સાથ આપવાનું વધુ પસંદ કર્યું હતું. અમેરિકા પણ આ મામલે સમાધાનની મુદ્રામાં આવી ગયો કારણ કે તે સારી રીતે જાણે છે કે રશિયાના પડકાર કરતાં ચીન પશ્ચિમના દેશો માટે વધુ ભયજનક બનીને ઉભરી રહ્યો છે. તેથી ગ્લોબલ સાઉથમાં ચીનને પછડાટ આપવા માટે ભારત સહિતની ઉભરતી શક્તિઓનો સાથ આપવામાં અમેરિકાને વધુ હિત લાગી રહ્યું છે. તેના કારણે જ અમેરિકાએ વિયેટનામ સાથે પણ વિવિધ કરારોને મહત્વ આપ્યું છે. જી-20ની સૌથી મહત્વની બાબત ભારતે હાંસલ કરેલા વ્યૂહાત્મક લાભો છે. ભારતે યુક્રેન યુદ્ધની વિકાસશીલ દેશો પર થઇ રહેલી અસરો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું અને આ મામલે જી-20ના મંચ પર અસરકારક રજૂઆતો કરવામાં પણ સફળતા હાંસલ કરી અને આ જટિલ પડકારને જી-20ની વૈતરણી પાર કરાવવામાં નોંધપાત્ર રાજદ્વારી કુશળતાનો પરિચય આપ્યો. આફ્રિકન યુનિયનને જી-20માં સ્થાન અપાવીને ભારતે ગ્લોબલ સાઉથના અવાજને બુલંદ કરવામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી લીધી છે. એક પરિણામદાયી સમિટના યજમાન બનીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની વધી રહેલી આર્થિક ક્ષમતા, ટેકનિકલ ક્ષમતા અને વૈશ્વિક વ્યવસ્થાને નવા આયામ આપવાના વિચારો રજૂ કરીને વૈશ્વિક મંચ પર ભારતનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. જેના કારણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ અપાવવામાં વધુ મદદ મળી રહેશે. ભારતને અગ્રણી વૈશ્વિક શક્તિ તરીકે સ્થાપિત કરવા માટેના પ્રમાણ પૂરવાર કરવા માટે ભારતને જી-20 જેવા મંચની જરૂર હતી અને મોદીના નેતૃત્વમાં ભારતે આ તકને સફળતાપુર્વક ઝડપીને પાર પાડી છે. આ સમિટના પરિણામોમાં જો કોઇ બાબત પર ઓછું ધ્યાન ગયું હોય તો તે છે વૈશ્વિક મુદ્દાઓ પર ભારત અને પશ્ચિમના દેશો વચ્ચે વધી રહેલો સહકાર છે. અત્યાર સુધી વિશ્વમાં અને ખાસ કરીને પશ્ચિમના દેશોમાં એવી માન્યતા ઘર કરી ગઇ હતી કે ભારત રશિયા અને ચીનની વધુ નજીક છે પરંતુ જી-20 સમિટના નિર્ણાયક અંત સાથે આ માન્યતાનો પણ અંત આવી ગયો છે. સમિટ ખાતે દિલ્હી અને પશ્ચિમના દેશો વચ્ચેના હિતો ખુલીને સામે આવી ગયાં હતાં. ભારત ગ્લોબલ સાઉથની ચિંતાઓથી પશ્ચિમને અવગત કરાવવામાં સફળ રહ્યો છે. ભારતે ચીનની આક્રમક આર્થિક નીતિઓ સામે હવે પશ્ચિમને અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ કરાવ્યાં છે જેના પગલે જ ચીનના કોરીડોર સામે ભારત-અરેબિયા-યુરોપ વચ્ચેના નવા ઇકોનોમિક કોરીડોરના નિર્માણ માટે સહમતિ સાધી શકાઇ છે. આમ ભારત વેસ્ટ અને ગ્લોબલ સાઉથને એકબીજાની નજીક લાવીને સફળતાના વધુ એક પ્રકરણને આયામ આપી શક્યો છે.


comments powered by Disqus