મંગળવાર તા.૧૨ સપ્ટેમ્બરથી દેરાવાસી અને સ્થાનકવાસી જૈનોના પર્યુષણ પર્વનો પ્રારંભ થઇ ચૂક્યો છે.
આઠ દિવસના આ પર્વમાં તપ-જપ અને ભક્તિભાવ પૂર્વક આરાધનામાં શરીર શુધ્ધિ અને આત્માની શુધ્ધિ પર ભાર મૂકાય છે. આપણામાં રહેલ કામ-ક્રોધ, લોભ, મોહ-માયા જેવા આંતરિક શત્રુઓ પર વિજય મેળવ્યા બાદ સંવત્સરીના છેલ્લા દિવસે પ્રતિક્રમણ (પ્રાયશ્ચિત) કરતા વર્ષભર જાણતાં-અજાણતાં કરેલ પાપોનો એકરાર કરી સમગ્ર સંઘની માફી માગવાની હોય છે. તપસ્યા ન થઇ શકી તો માફ! ભગવાનના દર્શન ન થઇ શક્યા તો માફ! પણ કોઇનું દિલ દૂભવીશું, કોઇને કડવા વેણ કહીશું, કોઇ પ્રત્યે વેર-ઝેર, ઇર્ષ્યાભાવ રાખીશું તો એનો હિસાબ ઇશ્વરને ચોક્કસ આપવો પડશે.
રોજ-રોજની પૂજા વ્યાખ્યાન, સામાયિક, પ્રતિક્રમણ કે અન્ય ક્રિયાઓ કોઇને પ્રભાવિત કરવા નહીં પણ સમત્વ ભાવને રોજિંદા જીવનમાં વણી લેવા કરવાના અરિહંત ભગવાનના ઉપદેશનું અનુસરણ કરવાનું ખાસ યાદ રાખવાનું છે. આ પર્વ આપણને સંયમ, ત્યાગ અને ક્ષમાની પરિભાષા શીખવે છે. પ્રભુ મહાવીરની સાદગી ને સંયમના માર્ગને અનુસરીને આપણો આત્મા પાવન કરવાનો છે. મૈત્રીની માળા, શીલની સુંદરતા, ક્ષમાપનાનો ભાવ, દાનની દિવ્યતા દીપાવવાનો આ અવસર કોઇ એક ધર્મ કે સંપ્રદાયની જાગીર નથી! સૌ કોઇ જીવનના આ અણમોલ પાઠનો અમલ કરી પોતાનું જીવન સાર્થક કરી શકે છે, માત્ર અન્નનો ત્યાગ કરી જ ઉપવાસ નથી કરવાના પરંતુ મન-વચન-કાયાથી બૂરા આચરણના ઉપવાસ કરીએ તો આપણી જિંદગીના પ્રત્યેક દિવસને પર્વ બનાવીએ તો જ ભગવાન મહાવીરના સાચા અનુયાયી આપણે કહેવાઇશું. અને તો જ સાચા અર્થમાં પર્યુષણ પર્વ ઉજવ્યા કહેવાશે. ક્ષમાપના ખાસ કરીને નિકટજનો કે આત્મીયજનોની માગવાની હોય છે જેની સાથે આપણો રોજબરોજનો વ્યવહાર હોય છે. એકબીજાનું દિલ દૂભવ્યાની ઘટના જાણ્યે-અજાણ્યે અવાર-નવાર બનતી હોય છે. પર્યુષણ પર્વનો પ્રાણ ક્ષમાપના કહેવાય છે. અને એની ઉદાત્ત ભાવનામાં પૃથ્વી પરના તમામ જીવોની માફીમાગવાની હોય છે. એમાં પર્યાવરણનું રક્ષણ પણ આવી જ જાય છે.
‘ખામેમિ સવ્વ જીવ્યું, સવ્વ જીવા ખમંતુ મે,
મિિત્તમે સવ્વ ભૂએસ્સુ વેરં મજ્ઝં ન કેણઇ’
મતલબ કે પૃથ્વી પરના તમામ જીવોને હું માફી આપું છું. પૃથ્વી પરના તમામ જીવો મને માફી આપે. આ જગતના તમામ જીવો સાથે મારે કોઇપણ જાતનું વેર નથી. ક્ષમા વીરનું ભૂષણ છે એ ન્યાયે માફી માગવા અને આપવા માટે દિલની ઉદારતા અને સાચી ભાવના હોવી ખૂબ જ જરૂરી છે.
મંગળવાર તા. ૧૯ સપ્ટેમ્બરના સંવત્સરી પર્વે અમે સૌ વાંચકો, જાહેરાતદાતાઓ, શુભેચ્છકો અને મિત્રોનું જાણતાં-અજાણતાં દિલ દુભાવ્યું હોય તો ખરા હૃદયથી માફી માગીએ છીએ અને આપીએ છીએ. સૌને મિચ્છામિ દુક્કડમ્.
• જૈન નેટવર્કના નેજા હેઠળ પર્યુષણ પર્વ તા. ૧૨ થી ૧૯ સપ્ટેમ્બર ઉજવાશે જેમાં વ્યાખ્યાન ડો. સૌરવભાઇ શાહ અને ભક્તિ જાણીતા સંગીતકાર શ્રી નરેન્દ્ર વાણીગોટા લાભ આપશે. સવારના શિશુકુંજ ભવન, ૨૫-૨૭ હાઇ સ્ટ્રીટ, એજવેર, HA8 7EE ખાતે ૯ થી ૧૦.૩૦ સ્નાત્ર પૂજા, ૧૦.૩૦ થી ૧૨ વ્યાખ્યાન અને ૧૨ થી ૧.૩૦ લંચ. સાંજના જૈન સેન્ટર, ૬૪-૬૮ કોલીન્ડલ એવન્યુ, કોલીન્ડલ, NW9 5DR ખાતે પ્રતિક્રમણ ૬ થી ૭.૩૦ અને ૭.૩૦ થી ૯.૩૦ ભક્તિ મહાવીર જન્મ શનિવાર તા. ૧૬ સપ્ટેમ્બર અને ૨૪ સપ્ટેમ્બર સ્વામિ વાત્સલ્ય શિશુકુંજ ભવનમાં રાખવામાં આવેલ છે. વધુ વિગત માટે સંપર્ક : જયશ્રીબહેન મોદી 020 8909 9851 વિજયભાઇ શેઠ 07956 454 149.

