નિસ્ડન મંદિરે જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી

Tuesday 12th September 2023 08:32 EDT
 
 

નિસ્ડન મંદિર તરીકે વિખ્યાત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સાતમી સપ્ટેમ્બરે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભારે ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. હિન્દુ કેલેન્ડર અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના રોજ થયો હતો. જન્માષ્ટમી તરીકે જાણીતા આ પર્વે આખો દિવસ મંદિરે ભક્તો અને મુલાકાતીઓનો ધસારો રહ્યો હતો. શ્રદ્ધાળુઓએ દર્શન કરીને બાળ કૃષ્ણને પારણે ઝુલાવવાનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે મંદિરમાં બિરાજમાન ભગવાન સમક્ષ ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.
જન્માષ્ટમીના પવિત્ર પર્વે નિસ્ડન મંદિરના કોઠારી સ્વામી યોગવિવેકદાસ સ્વામીએ દર્શનાર્થીઓને સંબોધતા શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે આપેલા શાશ્વત ઉપદેશની વાતો કરી હતી. જેમાં સવિશેષ તો તેમણે અર્જુન અને શ્રીકૃષ્ણનો સંબંધ અને ગીતાના સંદેશને રોજબરોજના વ્યવહારમાં અમલમાં મૂકીને જીવનને કઇ રીતે વધુ ઉદ્દેશપૂર્ણ અને અધ્યાત્મિક રીતે પરિપૂર્ણ બનાવી શકાય તે સમજાવ્યું હતું.
ઉજવણીના અંતે બાળકો, યુવાનો અને સંતોએ શ્રીકૃષ્ણની આરતી કરી હતી અને સૂરિલા ભક્તિસંગીતના સથવારે ભગવાનને પારણે ઝૂલાવ્યા હતા.
નિસ્ડન મંદિરે જન્માષ્ટમી પર્વની ઉજવણી પ્રસંગે ગુજરાત સમાચાર - એશિયન વોઇસના પ્રકાશક અને એડિટર-ઇન-ચીફ સી.બી. પટેલે ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે નિસ્ડન મંદિરના કોઠારી સ્વામી યોગવિવેકદાસજી સ્વામી અને સાધુ પ્રબુદ્ધમુનીદાસજીએ સી.બી.ને પુસ્તકો ભેટ આપ્યા હતા જ્યારે અન્ય સભ્યોએ આ પુસ્તકોમાં બાળકો, યુવાનો, બાળાઓ સહિત સમગ્ર પરિવાર માટે મૂલ્યો અને નીતિમત્તાની વાતો કઇ રીતે સામેલ કરાઇ છે તેની જાણકારી આપી હતી. આ પ્રસંગે સી.બી. સાથે દીપકભાઇ પંચાલ અને કુંજન પંચાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus