તાજેતરમાં ભારતમાં નરેન્દ્ર મોદી સરકારને સત્તામાં આવ્યાને 9 વર્ષ પૂરા થયાં. તેની સાથે જ દેશમાં 2024માં યોજાનારી સંસદની ચૂંટણીનો ધમધમાટ પણ શરૂ થઇ ગયો છે. એકતરફ તમામ વિપક્ષો એકજૂથ થઇને ભાજપને પડકાર આપવાની કવાયત કરી રહ્યાં છે ત્યારે ભાજપે પણ જૂના સાથીઓને એનડીએના દાયરામાં લાવવાની દોડાદોડ શરૂ કરી છે. તાજેતરમાં આરએસએસ દ્વારા કરાવાયેલા એક સરવેમાં ચેતવણી આપવામાં આવી છે કે ફક્ત મોદી મેજિક અને હિન્દુત્વના સહારે આગામી સંસદની ચૂંટણી જીતવી ભાજપ માટે અઘરી બની રહેશે. હાલ તો છેલ્લા 9 વર્ષમાં ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા વિકાસના કાર્યોનો પ્રચાર કરીને ભાજપે મતદારોને રિઝવવાના પ્રયાસો શરૂ કરી દીધાં છે પરંતુ એન્ટી ઇન્ક્મ્બન્સી દરેક સરકારને ભયભીત કરતી હોય છે. છેલ્લા 9 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે સંખ્યાબંધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા નાગરિકોને સુવિધાસજ્જ કર્યાં છે. મોદી સરકારે દેશના નાગરિકોને આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, સ્માર્ટ સિટી, ડિજિટલ ઇન્ડિયા જેવા સંખ્યાબંધ કાર્યક્રમો આપ્યાં અને તેમાં મહદઅંશે સફળતા પણ હાંસલ કરી છે. અયોધ્યામાં રામમંદિર વિવાદનો ઉકેલ મેળવવામાં અને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદીના મોરચે પણ મોદી સરકાર સફળ થઇ છે. 9 વર્ષના શાસનમાં સ્વચ્છ ભારત અભિયાન, વડાપ્રધાન આવાસ યોજના, વડાપ્રધાન સડક યોજના, દેશના 80 કરોડ લોકોને વિનામૂલ્યે પાંચ કિલો રાશન, ખેડૂતોને સીધી સહાય જેવી યોજનાઓ દ્વારા મોદી સરકારે તમામ તબકાનો વિશ્વાસ હાંસલ કર્યો છે. દેશના આર્થિક વિકાસ માટે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ પૂરઝડપથી પૂરી કરવામાં આવી રહી છે. ભારતનો જીડીપી વિકાસ દર જી-20 દેશોમાં સૌથી અધિક રહ્યો છે. આટલી સિદ્ધીઓ છતાં મોદી સરકારને પરાજયનો ભય સતાવી રહ્યો છે. તેમાં આરએસએસના સરવેએ ભયમાં વધારાનું કામ કર્યું છે. તાજેતરમાં યોજાયેલી કર્ણાટકની ચૂંટણીના પરિણામોએ નરેન્દ્ર મોદી અને તેમના ચાણક્ય અમિત શાહને ચૌકન્ના કરી દીધાં છે. તેના કારણે જ હવે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. નવા સાથીઓની શોધ શરૂ કરવામાં આવી છે અને ભાજપની માળખાકીય વ્યવસ્થામાં પણ ધરમૂળથી બદલાવની કવાયત હાથ ધરાઇ છે. 9 વર્ષની સિદ્ધીઓ પર પાણી ન ફરી વળે તે માટે ભાજપે અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે.
