ઓટાવાઃ અનઅધિકૃત એજન્ટો દ્વારા યેનકેન પ્રકારેણ વિદ્યાર્થીઓને કેનેડામાં બનાવટી પ્રવેશપત્ર અને નાણાં ચુકવણીની ખોટી રસીદો દ્વારા ઘુસાડવાનું કૌભાંડ ખૂલ્યા બાદ કેનેડા સરકાર દ્વારા આ પ્રકારના 700 ભારતીય વિદ્યાર્થીઓને દેશનિકાલનો આદેશ કર્યો હતો. જો કે આ કૌભાંડમાં વિદ્યાર્થીઓ પોતે પણ છેતરપિંડીનો ભોગ બન્યા હતા. અહેવાલ છે કે લવપ્રીત સિંહ નામના વિદ્યાર્થીને કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સી (સીબીએસએ)એ 13 જૂન સુધી કેનેડા છોડી દેવા આદેશ કર્યો હતો, જે બાદ ટોરેન્ટોમાં વિદ્યાર્થીઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું હતું.
AAP સાંસદ અને ભારતીય ઉચ્ચાયુક્તે કરી હતી દરમિયાનગીરી
સાહનીએ કહ્યું કે, સરકારે તેમની વિનંતી અને ભારતીય ઉચ્ચ આયોગના હસ્તક્ષેપ બાદ આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, અમે તેમને પત્ર લખ્યો અને સમજાવ્યું કે આ વિદ્યાર્થીઓએ કોઈ છેતરપિંડી કરી નથી. તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે, કારણ કે કેટલાક અનધિકૃત એજન્ટે તેમને બનાવટી પ્રવેશપત્રો અને ચુકવણીની રસીદ આપી છે. તપાસ કર્યા વગર વિઝા અરજી કરવામાં આવી હતી, જ્યારે બાળકો ત્યાં પહોંચ્યાં ત્યારે ઇમિગ્રેશન પણ તેમને અંદર આવવા દે છે.
કેમ કાઢી મૂકવાનો લેવાયો હતો નિર્ણય
આ 700 ભારતીય વિદ્યાર્થીઓ પર બનાવટી દસ્તાવેજના આધારે વિઝા મેળવીને કેનેડા આવવાનો આરોપ હતો અને તેથી તેમને પરત મોકલવા નિર્ણય લેવાયો હતો, પરંતુ ભારત સરકારે વચ્ચે દરમિયાનગીરી કરતાં કેનેડા સરકાર સહમત થઈ હતી. વિદ્યાર્થી લવપ્રીતના કેસમાં અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, જે દસ્તાવેજોના આધારે તે કેનેડા આવ્યો હતો તે નકલી છે. ખાસ વાત એ છે કે આમાંથી લગભગ 700 વિદ્યાર્થી પૈકી મોટાભાગના પંજાબના છે. આ તમામને જલંધરના બ્રિજેશ મિશ્રાએ છેતર્યા છે. મિશ્રાએ તેમને મોટી કોલેજો અને યુનિવર્સિટીના બનાવટી પત્રોના નામે કેનેડા મોકલ્યા હતા. દૂતાવાસના અધિકારીઓ નકલી દસ્તાવેજોની ઓળખ ન કરી શક્યા અને તેમને યુનિવર્સિટીનો રસ્તો બતાવ્યો. હવે જ્યારે વિદ્યાર્થીઓ તેમની સંસ્થામાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે તેઓ ત્યાં રજિસ્ટર્ડ નથી.
વિદ્યાર્થીઓનો વિરોધ
વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે મિશ્રાએ તેમની સામે બહાનાં બનાવ્યાં હતાં અને તેમને યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે ખાતરી આપી હતી. 2016માં કેનેડા પહોંચેલા વિદ્યાર્થીઓએ જ્યારે નાગરિકતા માટે અરજી કરી તો તેમને નકલી દસ્તાવેજોની જાણકારી મળી. મામલો વધતાં સીબીએસએએ તપાસ હાથ ધરી હતી અને મિશ્રાની કંપની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

