ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે ભારત વિશ્વ ગુરૂ બને. ટેકનોલોજીના સહારે ભારત વિશ્વ ગુરૂ બનવાની દિશામાં આગળ પણ વધી રહ્યો છે. વિશ્વ ગુરૂ બનવા માટે પોતે ટેકનોલોજીમાં સમર્થ હોવું અત્યંત આવશ્યક છે. મોદી સરકારે છેલ્લા એક દાયકા કરતાં પણ વધુ સમયમાં પબ્લિક ડિજિટલ પ્લેટફોર્મ્સ તૈયાર કરીને નાગરિકોના જીવનમાં ધરમૂળથી બદલાવ લાવી દીધો છે. હવે ભારત આ ડિજિટલ પ્લેટફોર્મ્સની નિકાસ કરીને વિશ્વમાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઇ) ઓળખ, પેમેન્ટ અને ડેટા મેનેજમેન્ટનો ત્રિવેણી સંગમ છે. આમ તો તેનો પાયો 2010માં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર દ્વારા નાગરિકોને આધાર ઓળખ આપીને નંખાયો હતો. હવે આધાર સિસ્ટમમાં દેશના 140 કરોડ કરતાં વધુ નાગરિકોને આવરી લેવાયાં છે. મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) સુવિધાનો પ્રારંભ કરાયો. જેના દ્વારા ડિજિટલ પેમેન્ટ સરળ બની ગયું. 2016માં શરૂ કરાયેલા યુપીઆઇ પ્લેટફોર્મ દ્વારા ભારતમાં હાલ કુલ નોન કેશ રિટેલ પેમેન્ટ પૈકીનું 73 ટકા પેમેન્ટ થાય છે. ડીપીઆઇનો ત્રીજો સ્થંભ ડેટા મેનેજમેન્ટ છે. આજે 12 ડિજિટના આધાર નંબરનો ઉપયોગ કરીને ભારતના નાગરિકો સરકાર દ્વારા અપાતી તમામ સુવિધાઓ ઓનલાઇન મેળવી શકે છે. સરકાર દ્વારા અધિકૃત દસ્તાવેજો ઓનલાઇન મેળવી શકાય છે અને ડિજિલોકરમાં તેનો સુરક્ષિત સંગ્રહ પણ કરી શકાય છે. આજે એ સમય આવી ગયો છે કે ભારતીય નાગરિક તેના સ્માર્ટ ફોન દ્વારા મહત્ત્વના દસ્તાવેજો હાંસલ કરી શકે છે, નાનામાં નાનો દુકાનદાર ડિજિટલ પેમેન્ટ પ્રાપ્ત કરે છે, કરોડો ભારતીયો તેમના આધાર નંબર સાથે સંકળાયેલા બેન્ક ખાતામાં સરકાર દ્વારા મળતી સહાય પ્રાપ્ત કરી શકે છે. એકતરફ ચીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત રોડ એન્ડ બેલ્ટ પ્રોજેક્ટ દ્વારા વિશ્વમાં પ્રભુત્વ હાંસલ કરવા ધમપછાડા કરી રહ્યો છે ત્યારે ભારત તેની સોફ્ટવેર આધારિત સિદ્ધીઓ દ્વારા વિકાસશીલ દેશો પર પ્રભાવ વધારી રહ્યો છે. વિકાસશીલ દેશોને પોતાની ડિજિટલ ટેકનોલોજી આપીને ભારત તેનું પ્રભુત્વ વધારી શકે છે. જી-20ના અધ્યક્ષ તરીકે ભારતને સભ્યદેશોમાં તેના ડીપીઆઇનું માર્કેટિંગ કરવાની અદ્દભૂત તક પ્રાપ્ત થઇ છે. ભારતમાં તૈયાર થયેલી ડિજિટલ ક્રાંતિના પરિણામોથી વિશ્વના ઘણા દેશો આકર્ષાયાં છે. ભારત માટે વિશ્વ ગુરૂ બનવાની દિશામાં આગળ વધવામાં આ ડિજિટલ ક્રાંતિ મહત્ત્વનો ભાગ ભજવી રહી છે.
